ભારે વરસાદને કારણે નદી ઓવરફ્લો થઇ જતા મહારાષ્ટ્રનું આ શહેર બેટમાં ફેરવાયું, હજારો લોકો ફસાયા

ભારે વરસાદને કારણે નદી ઓવરફ્લો થઇ જતા મહારાષ્ટ્રનું આ શહેર બેટમાં ફેરવાયું, હજારો લોકો ફસાયા

07/22/2021 National

SidhiKhabar

SidhiKhabar

ભારે વરસાદને કારણે નદી ઓવરફ્લો થઇ જતા મહારાષ્ટ્રનું આ શહેર બેટમાં ફેરવાયું, હજારો લોકો ફસાયા

મુંબઈ: ભારે વરસાદના કારણે નદી ઓવરફ્લો થઇ જતા મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના ચિપલુણ (Chiplun) શહેરમાં ભારે તારાજી સર્જાઈ છે. નદીનું પાણી આખા શહેરમાં ફરી વળતા આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું. નગરની એવી હાલત થઇ છે કે ચારેતરફ ઘરો અને ઇમારતો નહીં પરંતુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.

છેલ્લા ૨૪ કલાકમાં ચિપલુણમાં ૨૦૦ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો, જે રત્નાગિરી (Ratnagiri) જિલ્લામાં સૌથી વધુ છે. નગરના બજારો, રહેણાંક વિસ્તારો અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે અને બ્રિજ પણ પાણીમાં ડૂબી ગયા છે. સ્થાનિક લોકો સાથે સંપર્ક કરવો મુશ્કેલ કામ છે. લોકોના સેલફોન ચાલી રહ્યા નથી જેના કારણે કોણ ક્યાં ફસાયું છે તે જાણવું મુશ્કેલ થઇ પડ્યું છે.

બસ સ્ટેન્ડ, પાર્ક કરેલી બસ બધું ડૂબી ગયું

શહેરમાં આવેલું બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે ડૂબી ગયું છે તેમજ બસ સ્ટેન્ડ ઉપર પાર્ક કરેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ પણ પાણીમાં ડૂબી ગઈ છે. ચિપલુણમાં આવેલ વીજ સબ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઇ ગયું છે જેના કારણે શહેરમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે.

રિપોર્ટ્સ અનુસાર, શહેરની વસ્તી ૨૦ થી ૨૫ હજાર જેટલી છે. જોકે, પાણી ભરવાનું શરૂ થતા સાવચેતી વાપરીને મોટાભાગના લોકો શહેર છોડી ચુક્યા હતા. પરંતુ હજુ ઘણા લોકો તેમના ઘરોમાં ફસાયા છે. આ લોકોના રેસ્ક્યુ માટે એનડીઆરએફ (NDRF) અને કોસ્ટ ગાર્ડની (Coast Guard) ટીમ મોકલવામાં આવી છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

એનડીઆરએફ દ્વારા જણાવવામાં આવ્યું કે, ચિપલુણમાં અમારી ચાર ટીમ મોકલવામાં આવી છે. રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે જેના કારણે શહેરમાં પ્રવેશ કરવો કઠિન છે. અમે હેલિકોપ્ટર દ્વારા વધુ બે ટુકડીઓ મોકલાવીશું. દરેક ટીમ પાસે પાંચ બોટ છે. સ્થાનિકો કલેક્ટરેટના હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કરી શકે છે જેથી અમને ખ્યાલ આવે કે કઈ બિલ્ડીંગ અને કયા વિસ્તારમાં લોકો ફસાયા છે.


ક્યાંક પાંચ તો ક્યાંક સાત ફૂટ પાણી, બિલ્ડીંગોના પહેલા માળ ડૂબ્યા

ક્યાંક પાંચ તો ક્યાંક સાત ફૂટ પાણી, બિલ્ડીંગોના પહેલા માળ ડૂબ્યા

રત્નાગિરી જિલ્લાના કલેક્ટર બીએન પાટિલે કહ્યું કે, હેલીકોપ્ટરો દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લોકોને બચાવવામાં આવી રહ્યા છે, તેમને આશ્રય આપવામાં આવી રહ્યો છે તેમજ ફૂડ પેકેટની પણ વ્યવસ્થા છે. તેમણે કહ્યું કે, શુક્રવારે સવાર સુધીમાં નેવીની વધુ ૧૦ ટીમ ચિપલુણ પહોંચશે. તેમણે કહ્યું કે, શહેરમાં પાણીનું મહત્તમ સ્તર ૭ ફૂટ છે. રહેણાક અને કમર્શિયલ બિલ્ડીંગો પહેલા માળ સુધી ડૂબી ગયા છે. ઘણી જગ્યાઓએ પાણી પાંચ ફૂટ જેટલું ભરાઈ ગયું છે જ્યારે ક્યાંક ૭ ફૂટ સુધી પાણી છે.


૫૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર : સાંસદ

૫૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર : સાંસદ

શિવસેનાના સ્થાનિક સાંસદ વિનાયક રાઉતે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, મને જાણકારી મળ્યા મુજબ ઓછામાં ઓછા ૫૦૦૦ સ્થાનિકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, તેમને કોઈ સલામત સ્થળે ખસેડવાની જરૂર છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર મોકલવા જોઈએ કારણ કે રસ્તા ઉપરથી પહોંચવું મુશ્કેલ છે.’ તેમણે એમ પણ જણાવ્યું કે સ્થાનિક પોલીસે તેમને જાણકારી આપી કે એક ગામમાં ભૂસ્ખલન પછી ત્રણ લોકો લાપતા છે અને એક મહિલાનું મૃત્યુ થયું છે.


૨૦૦૫ માં ખતરનાક પૂર આવ્યું હતું, પણ આ વખતે સ્થિતિ એથી ખરાબ

૨૦૦૫ માં ખતરનાક પૂર આવ્યું હતું, પણ આ વખતે સ્થિતિ એથી ખરાબ

શિવસેનાના અન્ય એક નેતાએ કહ્યું કે, ચિપલુણ રકાબી જેવું છે જેની ચારેબાજુ પર્વતો છે. વર્ષ ૨૦૦૫ માં ચિપલુણમાં ખતરનાક પૂર આવ્યું હતું. પરંતુ મેં સ્થાનિકો સાથે વાત કરી અને તેમણે કહ્યું કે આ વખતે સ્થિતિ ૨૦૦૫ કરતા પણ ખરાબ છે!

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top