સરકાર શા માટે 'સંચાર સાથી' એપને દરેક ભારતીયોના ફોનમાં કરાવી રહી છે ડાઉનલોડ, જાસુસી કરવા કે અન્ય કોઈ હેતુ? જાણો વિગતવાર
ભારતમાં વધી રહેલા સાયબર ફ્રોડને ડામવા સંચાર મંત્રાલય મહત્વનું કદમ લેવા જઈ રહ્યું છે. સંચાર મંત્રાલયે એપલ, સેમસંગ, વીવો, ઓપો સહિત અનેક મોટી સ્માર્ટફોન કંપનીઓ માટે એક નવો આદેશ જાહેર કર્યો છે. જે મુજબ આ કંપનીઓએ પોતાના નવા સ્માર્ટફોનમાં સરકારી સાઈબર સુરક્ષા એપ 'સંચાર સાથી'ને પ્રી ઈન્સ્ટોલ કરવી પડશે. માહિતી મુજબ કંપનીઓને 90 દિવસનો સમય અપાયો છે.
સંચાર સાથી એક સાઈબર સુરક્ષા એપ છે, જેને સરકારે મે 2023માં પોતાના પોર્ટલ બાદ લોન્ચ કરી હતી. જાન્યુઆરી 2024માં તે મોબાઈલ એપ એન્ડ્રોઈડ અને iOS બંને પર આવી ગઈ. તે યૂઝર્સને મોબાઈલ ચોરી, ફેક કોલ, ફેક સીમ, IMEI ફ્રોડ અને મેસેજ સ્કેમથી બચાવવા માટે બનાવવામાં આવી છે. સંચાર સાથી એપ અનેક પ્રકારની સુરક્ષા સુવિધાઓ આપે છે. જેમ કે તે ચોરી કે ખોવાયેલા મોબાઈલને સંપૂર્ણ દેશમાં બ્લોક કરી શકે છે, પોલીસ અને એજન્સીઓને ફોનના લોકેશન ટ્રેસ કરવામાં મદદ કરી શકે છે, તેના “Chakshu” ફીચર દ્વારા ફેક કોલ, એસએમએસ કે વોટ્સએપ મેસેજ રિપોર્ટ કરી શકાય છે, ઉપરાંત તમારા નામ પર કેટલા મોબાઈલ રજિસ્ટર્ડ છે, તે ચેક કરી શકાય છે. અને તેનું “Know Your Mobile (KYM)” ફીચર ફોનની ઓથેન્ટિસિટી જણાવે છે કે ફોન નકલી છે કે અસલી.
સરકારના આદેશ બાદ નવા સ્માર્ટફોનમાં તે પ્રી ઈન્સ્ટોલ થઈ જશે એટલે કે આ એપ પહેલેથી જ તમારા ફોનમાં હાજર હશે. જ્યારે જૂના ફોનમાં તે સોફ્ટવેર અપડેટ દ્વારા ઓટોમેટિક ઈન્સ્ટોલ થઈ શકે છે. જે બ્રાન્ડ પર નિર્ભર રહેશે. આ એક પ્રકારે સિસ્ટમ લેવલ સિક્યુરિટી એપ હશે. જો તમે એપનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તેને એક્ટિવેટ કરો, જો નથી ઈચ્છતા તો એક્ટિવેટ કરવાની જરૂર નથી. આ ફરજીયાત નથી. તમે ઈચ્છો તો ફોનમાંથી ડિલીટ પણ કરી શકો છો. આ એપ લોકો સુધી પહોંચાડવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય છે કે નાગરિકોને છેતરપિંડી, ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓથી બચાવી શકાય.
સરકારનું કહેવું છે કે સાઈબર સુરક્ષા પર જોખમ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે નકલી કે સ્પૂફ્ડ IMEI વાળા ફોન્સ, ફેક સીમ, મોબાઈલ નંબરોનો દૂરઉપયોગ, ઓનલાઈન ફ્રોડ અને કોલ ફ્રોડ વગેરેને પહોંચી વળવા માટે દરેક યૂઝરના ફોનમાં એક સુરક્ષિત સિસ્ટમ એપ હોવી જરૂરી છે. સરકાર મુજબ આ સંચાર સાથી મોટા પાયે ફ્રોડ રોકી શકે છે.
મળતી વિગતો મુજબ અત્યાર સુધીમાં આ એપ 50 લાખ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. એપની મદદથી 37 લાખથી વધુ ચોરી કે ખોવાયેલા ફોન બ્લોક કરાયા છે. અને 3 કરોડ ફેક મોબાઈલ કનેક્શન બંધ કરાયા છે. આ આંકડાઓ એપની વાસ્તવિક અપરાધ રોકવાની ક્ષમતા બતાવે છે. સરકારનું કહેવું છે કે, આ એપ ફક્ત સુરક્ષા ડેટાનો જ ઉપયોગ કરે છે. જેમ કે IMEI, નંબર વેરિફિકેશન અને રિપોર્ટિંગ. ખાનગી ચેટ કે ફાઈલો સુધી એપની પહોંચ નથી. KYM અને Chakshu જેવા ફીચર રિપોર્ટિંગ માટે છે, નજર રાખવા માટે નહીં.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp