બનાસકાંઠાના નડાબેટ પાસે ભારત-પાકિસ્તાન સરહદ પરના ‘ઝીરો પોઇન્ટ’ ખાતે પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે

બનાસકાંઠાના નડાબેટ પાસે ભારત-પાકિસ્તાન સરહદ પરના ‘ઝીરો પોઇન્ટ’ ખાતે પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે

06/17/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

બનાસકાંઠાના નડાબેટ પાસે ભારત-પાકિસ્તાન સરહદ પરના ‘ઝીરો પોઇન્ટ’ ખાતે પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે

બનાસકાંઠા: બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે આવેલ ઝીરો પોઈન્ટ ખાતે અંદાજિત ૧૨૫ કરોડ રૂપિયાના ખર્ચે સીમાદર્શન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેની આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી તેમજ પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.  

સીમાદર્શનનો આ પ્રોજેકટ અંદાજિત ૧૨૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે અને આગામી ૧૫ ઓગસ્ટ-ર૦૨૧ પહેલા પૂર્ણ થવાનો અંદાજ છે.       

મુખ્યમંત્રીએ આ કામોમાં પ્રથમ તબક્કાના કામો અને યાત્રી સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કરી સંપૂર્ણ વિગતો મેળવી હતી. પહેલા તબક્કામાં ૨૩ કરોડના ખર્ચે કરવામાં આવેલ પ્રવાસીઓના આગમન માટેનો આગમન પ્લાઝા, પાર્કિંગ, ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો પૂર્ણ થઇ ગયા છે.

ઉપરાંત તેમણે બીજા તબક્કાના કુલ ૩૨ કરોડના ખર્ચે નિર્માણાધિન વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યુ હતું. આ બીજા તબક્કાના કામોમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એકઝીબીશન સેન્ટર અને સરહદ સલામતીની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટના કામો હાલ ચાલી રહ્યા છે.

મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતને આગવું સ્થાન અપાવશે. એટલું જ નહિ, આ સ્થળની મુલાકાતે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષાબળોની જવાંમર્દી, રાષ્ટ્રપ્રેમ ભાવનાના ઇતિહાસથી ગૌરવાન્વિત થશે. પ્રવાસન પ્રવૃત્તિ વધતાં સ્થાનિક રોજગારીની તકોનું પણ સર્જન થશે એમ તેમણે ઉમેર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ર૦૧૬ના ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં નડાબેટ ખાતેના આ બોર્ડર સિકયુરિટી ફોર્સના ઝીરો પોઇન્ટને સીમાદર્શન તરીકે ખૂલ્લો મુક્યો હતો. આ સીમાદર્શન કાર્યક્રમ અન્વયે રાજ્યના અને રાજ્ય બહારના પ્રવાસન પ્રેમીઓને નડાબેટ ઝીરો પોઇન્ટ ખાતે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા આપણા દેશના સિમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળે છે.

સીમાદર્શન માટે આવનારા પ્રવાસીઓ સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી પરિચિત થાય તે માટે ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, T-55 ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-27 એરફ્રાફટ ડિસપ્લે કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top