વધુ એક રાજ્યમાં કોંગ્રેસને ફટકો : એકસાથે 12 ધારાસભ્યો ટીએમસીમાં સામેલ થઇ ગયા

વધુ એક રાજ્યમાં કોંગ્રેસને ફટકો : એકસાથે 12 ધારાસભ્યો ટીએમસીમાં સામેલ થઇ ગયા

11/25/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

વધુ એક રાજ્યમાં કોંગ્રેસને ફટકો : એકસાથે 12 ધારાસભ્યો ટીએમસીમાં સામેલ થઇ ગયા

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ પાર્ટીમાંથી એક પછી એક મોટા નેતાઓ પક્ષ છોડીને ટીએમસીમાં સામેલ થઇ રહ્યા છે. મંગળવારે કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ, જનતા દળના (યુનાઇટેડ) પૂર્વ રાજ્યસભા સાંસદ પવન વર્મા અને હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અશોક તંવર મંગળવારે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા હતા. 


17 માંથી 12 ધારાસભ્યોએ પક્ષપલટો કરતા મુખ્ય વિપક્ષનું સ્થાન છીનવાઈ ગયું

દરમ્યાન, ગઈકાલે મેઘાલય રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સહિત કોંગ્રેસ પાર્ટીના કુલ 17 ધારાસભ્યોમાંથી 12 ધારાસભ્યો એકસાથે ટીએમસીમાં સામેલ થઇ ગયા હતા. આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોએ પક્ષપલટો કરતા હવે મેઘાલય વિધાનસભામાં ટીએમસી મુખ્ય વિપક્ષ બની ગઈ છે.  

60 સભ્યો ધરાવતી મેઘાલય વિધાનસભામાં કોંગ્રેસના કુલ 18 ધારાસભ્યો હતા. પરંતુ હવે એક ઝાટકે મુખ્ય વિપક્ષ પાર્ટીમાંથી કોંગ્રેસને હટાવીને તે સ્થાન મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે લઇ લીધું છે. બળવો કરનારા કોંગ્રેસી ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકરને પત્ર લખીને જાણ પણ કરી દીધી હોવાનું જણાવવામાં આવ્યું છે. 


આ કારણે નેતાઓ નારાજ હતા

રિપોર્ટ અનુસાર, મેઘાલયમાં વિસેન્ટ પાલાને રાજ્ય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારથી જ પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા સહિતના ધારાસભ્યો નારાજ હતા. તેમનું કહેવું હતું કે પાર્ટી હાઈકમાન્ડે આ નિર્ણય પહેલા પ્રદેશ નેતાઓ સાથે કોઈ ચર્ચા કરી ન હતી કે તેમની સલાહ લેવામાં આવી ન હતી.

મેઘાલયમાં આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોએ પક્ષ છોડી દીધા બાદ કોંગ્રેસે તેને ‘નાટક’ ગણાવીને કહ્યું કે, ભૂતકાળમાં પણ કોંગ્રેસ પાર્ટીને નબળી બનાવવા માટેના પ્રયત્નો થયા છે પરંતુ દેશની સૌથી જૂની પાર્ટી આમ કમજોર નહીં થાય અને તેને કોઈ ખતમ નહીં કરી શકે.’

ગત સપ્ટેમ્બર મહિનામાં સંગમાએ ટીએમસી નેતા અભિષેક બેનર્જી સાથે મુલાકાત કરી હતી, ત્યારથી જ તેઓ ટીએમસીમાં જોડાશે તે અંગે અટકળો વહેતી થઇ હતી. આ વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડે આ નેતાઓની નારાજગી દૂર કરવાના પ્રયત્નો પણ કરી જોયા પરંતુ તેઓ એકના બે થયા ન હતા.


ટીએમસી અન્ય રાજ્યોમાં પણ પગપેસારો કરી રહી છે

તૃણમૂલ કોંગ્રેસ છેલ્લા એક બે મહિનાથી વિસ્તરણ કરવામાં લાગેલી છે. પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં લેતા મેઘાલય, ત્રિપુરા અને ગોવામાં પણ પગપેસારો કરવાના પ્રયત્નોમાં લાગી છે. ટીએમસીની આ વિસ્તરણ નીતિને સૌથી વધુ સહયોગ કોંગ્રેસના નેતાઓ તરફથી જ મળી રહ્યો છે. 

જોકે, ગઈકાલે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ પણ ભાજપ છોડીને ટીએમસીમાં સામેલ થઇ જશે. છેલ્લા ઘણા સમયથી તેઓ કેન્દ્ર સરકાર અને પીએમ મોદીની વિવિધ મુદ્દે ટીકા કરતા રહ્યા છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top