વલસાડના મધુબન ડેમના દરવાજા ખોલાયા : નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

વલસાડના મધુબન ડેમના દરવાજા ખોલાયા : નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

07/22/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વલસાડના મધુબન ડેમના દરવાજા ખોલાયા : નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં (Madhuban Dam) પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે ડેમના 9 દરવાજા પાંચ મીટર સુધી ખોલી દેવામાં આવ્યા હતા.

મધુબન ડેમમાંથી 21 જુલાઈથી 22 જુલાઈના સવારના પાંચ વાગ્યા સુધીમાં દર કલાકે 1 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમના દરવાજા ખોલવાના કારણે દમણગંગા નદીના પાણીમાં વધારો થયો છે અને જેને પગલે નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એલર્ટને પગલે દમણના લોકો ગઈકાલે આખી રાત જાગ્યા હતા.

ડેમમાંથી પાણી છોડતા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો જેના કારણે તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હતું અને આસપાસના ગામોમાં એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું. વલસાડ અને દમણ તેમજ સેલવાસમાં એનડીઆરએફની ટુકડીઓ પણ તહેનાત કરવામાં આવી હતી જેથી આપાત પરિસ્થિતિમાં સ્થળાંતરણ કરાવી શકાય.

મીડિયા અહેવાલો અનુસાર, ડેમમાં પાણીની આવક થતા ડેમના 9 દરવાજા ખોલીને 1.43 લાખ ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે દમણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ અને તંત્ર સતર્ક થઇ ગયા હતા અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જોકે, સવારે છ વાગ્યાની આસપાસ ડેમની સપાટીમાં થોડો ઘટાડો થયો હતો અને ડેમની સપાટી 72.90 ની આસપાસ પહોંચી હતી.

પાણીનો પ્રવાહ વધી જાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનો ભય હોઈ તંત્ર દ્વારા સતત વોચ રાખવામાં આવી હતી તેમજ લોકોના સ્થળાંતરણ માટે પ્રાથમિક શાળાઓમાં શેલ્ટર હોમ પણ બનાવવામાં આવ્યા છે. જોકે, રિપોર્ટ્સ અનુસાર દરિયાની ભરતીને ધ્યાનમાં રાખીને પાણી છોડવામાં આવી રહ્યું છે અને આસપાસના ગામોમાં કોઈ વિકટ પરિસ્થિતિ ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આજે બપોરે 12 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમના 7 જેટલા દરવાજા ૨ મીટર ખોલવામાં આવ્યા છે અને ૫૧ હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના નદી-નાળા છલકાય ગયા છે તો બીજી તરફ ડેમના પાણીની સપાટીમાં પણ વધારો થઇ રહ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પણ અન્ય તાલુકાઓમાં સરેરાશ વરસાદ અન્ય જિલ્લાઓની સરખામણીમાં વધુ રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top