શેઠની શિખામણ ઝાંપા સુધી : ભાજપના જ ધારાસભ્યની હાજરીમાં હજારોની મેદની ભેગી થઇ; વિડીયો વાઈરલ

શેઠની શિખામણ ઝાંપા સુધી : ભાજપના જ ધારાસભ્યની હાજરીમાં હજારોની મેદની ભેગી થઇ; વિડીયો વાઈરલ

12/27/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

શેઠની શિખામણ ઝાંપા સુધી : ભાજપના જ ધારાસભ્યની હાજરીમાં હજારોની મેદની ભેગી થઇ; વિડીયો વાઈરલ

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર અપીલ કરતા રહ્યા છે કે કોરોના હજુ ગયો નથી અને વધુ ભીડ ન થાય અને કોરોનાના નિયમોનું પાલન થાય તેનું ધ્યાન રાખવામાં આવે. બીજી તરફ, પાર્ટીના જ નેતાઓ પીએમની આ સલાહ ઘોળીને પી જતા જોવા મળે છે. શુક્રવારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા સૌરભ પટેલની હાજરીમાં બોટાદ ખાતે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં હજારોની મેદની ઉમટી પડી હતી. 

બોટાદની સરકારી હાઈસ્કૂલમાં શનિવારે હાઈસ્કૂલના મેદાનમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 126 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી અંતિમ બે ટીમો વચ્ચે ગઈકાલે ફાઈનલ રમાઈ હતી. ફાઈનલ મેચ દરમિયાન બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ તેમજ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મુનાફ પટેલ વગેરે પણ હાજર રહ્યા હતા. 


ખુદ પૂર્વ મંત્રી સૌરભ પટેલે શેર કરેલ વિડીયોમાં હજારો લોકોની ભીડ નજરે પડે છે અને જીત બાદ લોકો કઈ રીતે કોરોનાના નિયમો ભૂલીને ઉજવણી કરી રહ્યા છે તે પણ જોવા મળી રહ્યું છે. હજારોની સંખ્યામાં એકઠા થયેલા લોકોમાં મોટાભાગના માસ્ક વગર જોવા મળ્યા હતા તો ખુદ મંત્રી સહિતના મહેમાનોએ પણ માસ્ક પહેર્યા ન હતા. એક અહેવાલ અનુસાર, ખુદ જિલ્લા પોલીસ વડા પણ આ કાર્યક્રમમાં મહેમાન તરીકે પહોંચ્યા હોવાનું કહેવાય છે. 

એક તરફ ક્યાંક કોઈ કાર્યક્રમમાં મર્યાદા કરતા થોડા પણ વધુ માણસો ભેગા થાય તો તવાઈ બોલાવવામાં આવે છે અને બીજી તરફ આવા રાજકીય કે નેતાઓ પ્રેરિત કાર્યક્રમોમાં તંત્ર અને પોલીસ મૂક બનીને કેમ બેસી રહે છે તેવી લોકચર્ચા પણ ઉઠી છે તો સોશિયલ મીડિયા પર લોકો આ અંગે રોષ પણ ઠાલવી રહ્યા છે. 

મંત્રીના આ વાઈરલ વિડીયો મામલે સરકાર તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી. આવનાર સમયમાં સરકાર કોઈ પગલાં લે કે કેમ અને લે તો કેવા પગલાં લેશે તે જોવું રહ્યું. 

મળતી વિગતો પ્રમાણે, ગત પહેલી ડિસેમ્બરના રોજ ‘ખેલે બોટાદ, જીતે બોટાદ’ના બેનર હેઠળ ધારાસભ્ય સૌરભ પટેલે આ નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વિધાનસભા બેઠકના 80 ગામો અને દરેક શહેરના વોર્ડ, વિવિધ એસોસિએશન અને વિવિધ કર્મચારીઓની કુલ દોઢસો ટીમોએ ભાગ લીધો હતો.

લગભગ એક મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટની ફાઈનલ ગત 25 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી સૌરભ પટેલ, મુનાફ પટેલ, તેમજ બોટાદ ભાજપના વિવિધ મોરચાના નેતાઓ હાજર રહ્યા હતા. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top