6 નવેમ્બરની વહેલી સવારે અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)સોનલ સોલંકી કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. ઘરેથી અડાજણ જવા નીકળેલાં RFOની કાર ઝાડ સાથે અથડાયેલી સ્થિતિમાં મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. કારમાં તેમની સાથે પુત્ર પણ હોવાનું જાણવા મળતા તાત્કાલિક અસરથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત RFOને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ બનાવ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ સારવાર માટે તેમને સુરતની ખાનગી હોસ્પિટલ પી.પી. સવાણી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેઓ બેભાન હોવાથી ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન કરાયું હતું. સીટી સ્કેન સમયે જાણવા મળ્યું હતું તેમને માથામાં ગોળી વાગી છે. RFOનો અકસ્માત નહીં, પરંતુ ફાયરિંગ થયું હોવાનું બહાર આવતાં પોલીસે FSLની મદદથી તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યા કે આત્મહત્યા? એ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે. RFO હાલમાં કોમામાં છે, જ્યારે 4 વર્ષીય પુત્ર ઘટનાથી હેબતાઈ ગયો હોવાથી પોલીસે કોઈપણ પૂછપરછ કરી નથી. હવે RFO સોનલ ભાનમાં આવે અથવા 4 વર્ષીય પુત્ર પોલીસને ઘટના અંગે કોઈક માહિતી આપે તો સમગ્ર હકીકત સામે આવે એમ છે.
આરોપી પતિ નિકુંજ ફાયરિંગની ઘટના બન્યા બાદ ફરાર હતો. પોલીસની સાત ટીમો તેની શોધખોળ કરી રહી હતી. આરોપીઓ પોતાના ફોન બંધ કરીને અલગ-અલગ રાજ્યોમાં છૂપાઈ રહ્યા હતા. પોલીસના દબાણને કારણે આજે આરોપી નિકુંજ કામરેજની કઠોર કોર્ટમાં હાજર થયો હતો અને સરેન્ડર કરવા અરજી કરી હતી. જોકે, નિકુંજ સામે અગાઉ પત્ની સોનલે ગાડીમાં GPS ફીટ કરાવ્યાનો ગુનો પણ નોંધાવ્યો હતો જેના સંદર્ભમાં તેણે સરેન્ડર અરજી કરી હતી.
કોર્ટે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની સરેન્ડર અરજી નકારી કાઢી હતી. આ અંગે પોલીસને જાણ થતા જ તાત્કાલિક LCBની ટીમ કોર્ટરૂમની બહાર પહોંચી હતી અને નિકુંજની અટકાયત કરી હતી. તેની સાથે સક્રિય ભૂમિકા ભજવનાર ઇશ્વરગિરી ગોસ્વામીની પણ અટકાયત કરી હતી.
RFO સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં જિલ્લા LCB પોલીસે ઇજાગ્રસ્ત RFOના આરોપી પતિ નિકુંજ ગોસ્વામીની કામરેજની કઠોર કોર્ટ પરિસરમાંથી ધરપકડ કર્યા બાદ તેની કાયદેસર ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં નિકુંજ ગોસ્વામીએ સ્વીકાર્યું કે, તેણે જ પોતાની પત્ની પર ફાયરિંગ કરાવ્યું હતું.
જે સમયે સોનલ સોલંકી પર ફાયરિંગ થયું તે સમયે નિકુંજ ઘટનાસ્થળથી માત્ર 5 કિમી દૂર ઉભો હતો. જ્યારે તેના મિત્ર ઇશ્વર ગોસ્વામીએ સોનલ સોલંકી પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઇશ્વર ગોસ્વામીની પણ ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નિકુંજ ગોસ્વામીએ તેના મિત્ર ઇશ્વરગિરી ગોસ્વામીને સોનલ પર ફાયરિંગ કરવા કહ્યું હતું. આરોપી ઇશ્વરગિરી ગોસ્વામી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને સુરતના સચિન વિસ્તારમાં રહે છે. તેના પિતા સચિન વિસ્તારમાં આઇસ્ક્રીમની દુકાન ચલાવે છે, જેમાં ઇશ્વર તેને મદદ કરે છે.
નિકુંજ અને ઇશ્વર બંને છેલ્લા ઘણા સમયથી સોનલ પર વોચ રાખી રહ્યા હતા. ફાયરિંગની ઘટનાના દિવસે પણ ઇશ્વર સોનલની સામે જ હતો અને ગોળીબાર કરી રહ્યો હતો. જ્યારે નિકુંજ ફાયરિંગ થયું છે તે સાંભળવા માટે ઘટનાસ્થળેથી લગભગ 5 કિલોમીટર દૂર ઊભો હતો. આ મિત્રતામાં મદદ કરવા બદલ શું વળતર આપવામાં આવ્યું તે અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
સુરત ગ્રામ્ય DySP આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું કે, પોલીસે પહેલેથી જ સોનલના પતિ નિકુંજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. ઇશ્વરે જણાવ્યું હતું કે, તેણે જ ગોળી મારી હતી.