CM ઓમર અબ્દુલ્લાએ કેમ કુરાનના સોગંધ ખાવા પડ્યા? ભાજપે કર્યો હતો ચોંકાવનારો દાવો
ભાજપે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા સુનિલ શર્માનો આરોપ છે કે અબ્દુલ્લાએ દિલ્હીમાં ભાજપનો સંપર્ક કર્યો હતો અને જમ્મુ- કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના બદલામાં ભાજપ સાથે ગઠબંધન કરવા તૈયાર હતા. આ દાવાથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હવે આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. તેમણે કુરાનના સોગંધ પણ ખાધા હતા. ચાલો જાણીએ તેમણે શું કહ્યું.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુનિલ શર્માએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે અબ્દુલ્લાએ દિલ્હીમાં ભાજપનો સંપર્ક કર્યો હતો અને જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાના બદલામાં તેમની સાથે ગઠબંધન કરવા તૈયાર હતા. શર્માએ એમ પણ કહ્યું હતું કે ઓમર અબ્દુલ્લાએ 2014માં ગઠબંધન સરકાર બનાવવા માટે ભાજપનો સંપર્ક કર્યો હતો, જ્યારે જમ્મુ -કાશ્મીરમાં ચૂંટણી ત્રિશંકુ જનાદેશ આવ્યો હતો. આ ઉપરાંત બડગામમાં ભાજપના ઉમેદવાર સૈયદ મોહસીન માટે એક રેલીને સંબોધતા સુનિલ શર્માએ એવો પણ દાવો કર્યો હતો કે ઓમર અબ્દુલ્લાએ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સિદ્ધાંતો અને રાષ્ટ્રીય અખંડિતતાથી પ્રેરિત અમારા નેતૃત્વએ આવી તકવાદી ઓફરોને નકારી કાઢી હતી.’
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિપક્ષી નેતા સુનિલ શર્મા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ‘હું પવિત્ર કુરાનના સોગંધ ખાઉં છું કે મેં 2024માં રાજ્યનો દરજ્જો મેળવવા અથવા અન્ય કોઈ કારણોસર ભાજપ સાથે ગઠબંધન કરવાની માગ કરી નહોતી. સુનિલ શર્માથી વિપરીત, હું જીવનનિર્વાહ માટે જૂઠું બોલતો નથી.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp