ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના કોટ પર હંમેશાં ગુલાબ દેખાય છે. આના માટે વિવિધ કારણો બતાવવામાં આવે છે. ક્યારેક એવું કહેવામાં આવતું હતું કે તેમને ગુલાબ ખૂબ ગમે છે, તો ક્યારેક અન્ય કારણો આપવામાં આવે છે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનું કારણ જણાવ્યું. તેની સાથે જ એ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયો, જેના અલગ-અલગ કારણ બતાવવામાં આવ્યા હતા. કોંગ્રેસની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું છે કે પંડિત નેહરુના કોટ પર ગુલાબ મૂકવા પાછળ એક ચોક્કસ કારણ હતું. આ કારણ તેમની પત્ની કમલા નેહરુ હતા.
કોંગ્રેસે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પોસ્ટમાં જવાહરલાલ નેહરુનો કોટ પર ગુલાબ સાથેનો ફોટો પોસ્ટ કર્યો. પોસ્ટમાં જણાવ્યું હતું કે પંડિત નેહરુ હંમેશાં તેમની પત્ની કમલા નેહરુની યાદમાં તેમના કોટ પર ગુલાબ રાખતા હતા. પંડિત જવાહરલાલ નેહરુ તેમની પત્ની કમલા નેહરુ સાથે વિતાવેલા સમયની યાદમાં દરરોજ તેમના કોટ પર તાજો લાલ ગુલાબ લગાવતા હતા, જેનું 1938માં લાંબી બીમારી બાદ અવસાન થયું હતું.
ભારતમાં 1964 અગાઉ સુધી, બાળ દિવસ 20 નવેમ્બરના રોજ ઉજવવામાં આવતો હતો. આ સંયુક્ત રાષ્ટ્રની ઘોષણાપત્રને કારણે થયું હતું. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ 1954માં યૂનિવર્સલ બાળ દિવસ જાહેર કર્યો. તેનો હેતુ વિશ્વભરમાં બાળકોના અધિકારો અને શિક્ષણ વિશે જાગૃતિ લાવવાનો, ઝુંબેશ શરૂ કરવાનો અને તેમને મૂળભૂત જરૂરિયાતો મળે તે સુનિશ્ચિત કરવાનો હતો.
આમ, 20 નવેમ્બર 1954ના રોજ પ્રથમ વખત યૂનિવર્સલ બાળ દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવ્યો. ભારતમાં પણ આ જ દિવસે યૂનિવર્સલ બાળ દિવસ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ 1964માં પંડિત નહેરુના મોત બાદ તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આમ, 14 નવેમ્બર 1964ના રોજ પ્રથમ વખત બાળ દિવસ ઉજવવામાં આવ્યો.
પંડિત નહેરુનો જન્મ 14 નવેમ્બર 1989ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ (હવે પ્રયાગરાજ)માં થયો હતો. તેમના પિતા, મોતીલાલ નહેરુ, એક પ્રખ્યાત વકીલ અને સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેમની માતાનું નામ સ્વરૂપ રાણી નહેરુ હતું.
પંડિત નેહરુને બાળકો ખૂબ જ ગમતા હતા અને બાળકો તેમને પ્રેમથી ‘ચાચા નેહરુ’ કહેતા હતા. યુવા પેઢી પ્રત્યેનો તેમનો ઊંડો પ્રેમ દેશભરમાં બાળકોના શિક્ષણમાં સુધારો કરવા અને તેમના જીવનને સુધારવાના તેમના પ્રયાસોમાં પ્રતિબિંબિત થતો હતો. પંડિત નેહરુ માનતા હતા કે બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમનો મોટાભાગનો સમય તેમના કલ્યાણ અને વિકાસ માટે સમર્પિત કરતા હતા. તેમણે ‘ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ અને ‘ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી’ સહિત ઘણી કૃતિઓ લખી, જે ભારતીય અને વૈશ્વિક ઇતિહાસના તેમના વ્યાપક જ્ઞાનને દર્શાવે છે.
1950-55 દરમિયાન જવાહરલાલ નેહરુને નોબેલ શાંતિ પુરસ્કાર માટે અગિયાર વખત નામાંકિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને ક્યારેય તે પુરસ્કાર મળ્યો નહોતો.