એક વર્ષથી ચાલતું ખેડૂતોનું આંદોલન હવે સમાપ્ત થશે? આજે બેઠકમાં નિર્ણય સંભવ

એક વર્ષથી ચાલતું ખેડૂતોનું આંદોલન હવે સમાપ્ત થશે? આજે બેઠકમાં નિર્ણય સંભવ

12/04/2021 National

SidhiKhabar

SidhiKhabar

એક વર્ષથી ચાલતું ખેડૂતોનું આંદોલન હવે સમાપ્ત થશે? આજે બેઠકમાં નિર્ણય સંભવ

નવી દિલ્હી: સંસદમાં કેન્દ્ર સરકારે ત્રણ કાયદાઓ રદ કરી દીધા બાદ અને તેની ઉપર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થઇ ગયા બાદ પણ હજુ ખેડૂતોનું આંદોલન સમાપ્ત થયું નથી. ખેડૂત નેતાઓ કહી રહ્યા છે કે તેમની અન્ય પણ માગો છે અને તે પૂર્ણ થાય પછી જ આંદોલન ખતમ થશે. જોકે તેમ છતાં હવે ખેડૂત આંદોલનનો વીંટો વાળી દેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. 


ખેડૂત આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવા માટે આજે સંયુક્ત કિસાન મોરચા દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ખેડૂત આંદોલન ચાલુ રાખવા કે ખતમ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. અહેવાલો અનુસાર, પંજાબના મોટાભાગના ખેડૂત સંગઠનો હવે તેમની મુખ્ય માગ સ્વીકારવામાં આવ્યા બાદ આંદોલન ખતમ કરવાનો મત ધરાવે છે. 

ખેડૂત આંદોલનના કારણે સૌથી વધુ ચર્ચામાં રહેલા રાકેશ ટીકૈતે કહ્યું છે કે, આશા છે કે આજની બેઠકમાં કોઈ ઉકેલ નીકળી આવે. તેમણે કહ્યું કે, કૃષિ કાયદાઓને બાદ કરીએ તો ચાર-પાંચ અન્ય મુદ્દાઓ છે, જેમાં એમએસપી, ખેડૂતો વિરુદ્ધ નોંધાયેલા કેસ, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા વિરુદ્ધ કાર્યવાહી અને સરકાર દ્વારા જપ્ત ટ્રેક્ટરો વગેરેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ અંગે કોઈ સકારાત્મક નિર્ણય થયો તો આંદોલન પૂર્ણ થઇ જશે. 


શું છે ખેડૂતોની માંગો?

1. MSP પર કાનૂની ગેરંટી અપાય

2. ખેડૂતો પર દાખલ થયેલા કેસ પાછા ખેંચવામાં આવે

3. માર્યા ગયેલા ખેડૂતોને વળતર અપાય

4. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને બરતરફ કરવામાં આવે

5. વીજળી સુધારા બિલનો ડ્રાફ્ટ પરત ખેંચવામાં આવે

6. પરાળી બાળવા બદલ સજાની જોગવાઈ નાબૂદ કરવામાં આવે

7. સિંઘુ બોર્ડર પર શહીદ ખેડૂતોનું સ્મારક ઉભું કરવામાં આવે

8. આંદોલનમાં નુકસાન પામેલ ટ્રેક્ટર માટે વળતર આપવામાં આવે 


હરિયાણા સરકારે વધુ એક પ્રયત્ન કરી જોયો

બીજી તરફ, આજની મહત્વપૂર્ણ બેઠક પહેલા હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારે હરિયાણાના ખેડૂત સંગઠનોને મનાવવાના પ્રયાસો કર્યા હતા. હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે ખેડૂત નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં હરિયાણાના મોટા ખેડૂત નેતા ગુરનામ સિંહ ચદુની સહિત ઘણા નેતાઓએ હાજરી આપી હતી. બેઠકમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ પરંતુ સર્વસંમતિ બની શકી ન હતી. હરિયાણાના ખેડૂત સંગઠનોનું કહેવું છે કે આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top