24, 25 ફેબ્રુઆરીએ સુરતમાં ‘બીચ ફેસ્ટિવલ’: સુંવાલી દરિયા કિનારે ઊંટ-ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ

24, 25 ફેબ્રુઆરીએ સુરતમાં ‘બીચ ફેસ્ટિવલ’: સુંવાલી દરિયા કિનારે ઊંટ-ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર, અને વિવિધ રમતોનું આકર્ષણ

02/23/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

24, 25 ફેબ્રુઆરીએ સુરતમાં ‘બીચ ફેસ્ટિવલ’: સુંવાલી દરિયા કિનારે ઊંટ-ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ

સુરત, ગુરૂવારઃ દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.૨૪ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે. જેના આયોજન અર્થે સુરત સર્કિટ હાઉસ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.


ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રવાસનને વેગ મળે તેવા આશયથી રાજય સરકાર દ્વારા સુવાલી બીચ ફેસ્ટીવલ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે તથા પ્રવાસી/સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજી રોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા/તાલુકા વહીવટી તંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.

બીચ ફેસ્ટિવલમાં તા.૨૪મી સાંજે પ્રખ્યાત લોક ગાયક કિર્તિદાન ગઢવી ડાયરામાં ઉપસ્થિત રહીને પોતાના કંઠથી લોકોને મનોરંજન પુરૂ પાડશે. બીચ ફેસ્ટિવલ સાંજે ૪.૩૦ વાગે મંત્રીશ્રીઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.


રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે અંદાજીત રૂ.૪૮ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સૂચિત સર્કિટ હાઉસ, રોડ રસ્તા, પાણી, શૌચાલય, વીજળી વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રૂ.૭ કરોડના ખર્ચે સુવાલી સુધીના રોડની કામગીરી અંતિમ તબક્કામાં છે. SUDA- સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ગત બજેટમાં રૂ. ૧૦ કરોડ સુવાલી બીચના વિકાસ માટે મંજૂર કરવામાં આવેલ છે. સુવાલી બીચનો વિકાસ તબક્કાવાર ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. રૂ.૭ કરોડના ખર્ચે સુવાલી બીચ સુધીનો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવવાની સાથે ગેસ્ટ હાઉસ તેમજ શૌચાલયો બનાવવામાં આવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ, વન વિભાગ તથા સખીમંડળોના સ્ટોલ્સ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન કરાયું છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફુડ કોર્ટની વ્યવસ્થામાં નાગલીની વાનગી/ડાંગી ડિશ/ઉંબાડિયુ જેવી પરંપરાગત વાનગીઓ સાથે વિવિધ વાનગીઓના ફુડ સ્ટોલ રાખવામાં આવેલ છે. પરિવાર-મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન ઉભા કરાશે.

વિશેષત: બીચ ફેસ્ટિવલમાં ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર અને ડિઝાઈનર સંસ્થા ‘Fly-૩૬૫’ દ્વારા માસ અવેરનેસની થીમ સાથે કાઈટ ફ્લાઈંગ એક્ટિવિટી યોજાશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, ચોર્યાસી મામલતદાર, સર્કલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top