08/27/2025
બોલિવુડના કિંગ શાહરૂખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણ એક કાર કંપનીનો પ્રચાર કરીને મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ મામલે રાજસ્થાનના ભરતપુરના રહેવાસી કીર્તિ સિંહ નામના 50 વર્ષીય વ્યક્તિની ફરિયાદ પર શાહરૂખ અને દીપિકા સહિત લગભગ 7 લોકો સામે FIR નોંધવામાં આવી છે. આ વ્યક્તિનો આરોપ છે કે તેને જાણી જોઈને ખામીયુક્ત હ્યુન્ડાઇ અલ્કઝાર કાર વેચવામાં આવી હતી, જેથી તેના પરિવારનું જીવન જોખમમાં મુકાયું હતું.
આ મામલે કીર્તિ સિંહે કાર વેચવામાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. કીર્તિ સિંહે આ મામલે કોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ, ACJM કોર્ટ નંબર-2ના આદેશ પર મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં અરજી દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. કીર્તિનું કહેવું છે કે તેણે વર્ષ 2022માં હ્યુન્ડાઇ અલ્કઝાર ખરીદી હતી. તેણે આ કાર લોન પર લીધી હતી, પરંતુ થોડા દિવસોમાં કારમાં મેન્યુફેક્ચરિંગ ખામીઓ દેખાવા લાગી. ફરિયાદીનું કહેવું છે કે જ્યારે કારની ગતિ વધારવા માટે એક્સિલરેટર દબાવવામાં આવે છે, ત્યારે કારનો RPM વધી જાય છે અને કાર ધ્રુજવા લાગે છે, પરંતુ કારની ગતિ વધતી નથી. તેનાથી તેના અને તેના પરિવારના જીવ જોખમમાં મુકાય જાય છે.