11/26/2024
Ripal Panchal Ahmedabad: અમદાવાદમાં એક ઓડી કાર ચાલકે સોમવારે સવારે આંબલી-બોપલ રોડ પર અકસ્માત સર્જ્યો હતો. તેણે બેફામ કાર ચલાવી 5 કરતા વધુ વાહનોને અડફેટે લીધા હતા. જ્યારે 2-3 યુવતીઓને પણ ટક્કર મારી હતી. જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બેફામ કાર હંકારનાર ઓડી કારના ચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો.
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. કાર ચાલક નશાની હાલતમાં હતો, અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ ફૂંકતો નજરે પડી રહ્યો હતો. તેણે ધડાધડ એક બાદ એક વાહનોને અડફેટે લીધા અને ત્યારબાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાઈને હતી. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ત્યાં આવી પહોચી હતી અને તેને પોતાની કસ્ટડીમાં લીધો હતો. પરંતુ આ અકસ્માત સર્જાયાના કલાકો સુધી અધિકારીઓએ FSLને જાણ કરી નહોતી, અને હવે ઓડી કાર ચાલક રિપલ પંચાલને જામીન પણ મળી ગયા છે.