આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 16 ડિસેમ્બર મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થશે. આમ છતાં ઉત્તરના પવનને કારણે ઉત્તર ગુજરાત, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી વગેરે ભાગોમાં ઠંડી રહેવાની શક્યતાઓ રહેશે. લઘુતમ તાપમાન 13-15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 16-17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે અને જૂનાગઢના ભાગોમાં, અમરેલીના ભાગોમાં 15-16 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવાની શક્યતા છે. રાજકોટ અને કચ્છના ભાગોમાં પણ સવારે ઠંડક રહેશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 17-18 ડિગ્રી રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, કેટલાક ભાગમાં 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા છે એટલે દિવસે તડકો પડતા મહત્તમ તાપમાન વધુ રહે છે. 29-32 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. 17 ડિસેમ્બરથી વાદળો આવશે અને 18-19 ડિસેમ્બરના વાદળો ઘેરાશે અને ત્યાર 18 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં બરફ વર્ષા થશે.
અંબાલાલ પટેલલે વધુમાં જણાવ્યું છે કે, 20-21 ડિસેમ્બર સુધીમાં બરફ વરસાદ અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડીનો અનુભવ થશે. 27-28 ડિસેમ્બરના ઠંડીને વેગ મળે. 11 જાન્યુઆરીથી હાથ થીજવતી ઠંડી પડશે. 17 જાન્યુઆરીએ સખત ઠંડી રહેશે. જાન્યુઆરીમાં 1-2 હળવા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે. લા નિનોની અસરના લીધે સવારના ભાગે ઠંડી વર્તાશે.
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે અને ડિસેમ્બરના અંતમાં હાડ થીજાવતી ઠંડી પડશે અને જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉ.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે.
વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ઉત્તર ગુજરાતમાં પણ કોઈક કોઈક ભાગમાં છાંટા પડી શકે છે અને 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળી શકે છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, સૂર્ય દક્ષિણાવર્તી જશે તેમ પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં ઠંડી વધશે, ડિસેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,જાન્યુઆરી 2026માં ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને પવનના તોફાનો જોવા મળી શકે છે. તાપમાન 8 ડિગ્રી સુધી ઘટી શકે છે. તેની અસર ગુજરાતના ઉત્તર ભાગો અને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે જ્યાં કાતિલ ઠંડી અનુભવાશે.
ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડી વધશે. વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે, જેના કારણે સવારના સમયે હળવું ધુમ્મસ અને બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, માર્ચ મહિનામાં બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં ધૂળકટ અને કચ્છમાં તેજ પવન ફૂંકાશે. મધ્ય ગુજરાતમાં ગરમી વધુ રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉત્તર ભારતમાં કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં માવઠા જેવું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સાથે એપ્રિલમાં ગરમી વધુ તીવ્ર બનશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચશે. એપ્રિલના અંતમાં ક્યાંક ક્યાંક 43-44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની અને દરિયામાં ચક્રવાત સર્જાવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. મે મહિનામાં ઉનાળો સૌથી વધુ તીવ્ર બનશે. ભારે પવન, આંધી-વંટોળ અને ધૂળકટની અસર કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જઈ શકે છે. આ સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જૂન મહિનાની શરૂઆતમાં તાપમાન 45 ડિગ્રી સુધી રહી શકે છે. ત્યારબાદ અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ શકે છે. 15 જૂન બાદ ચોમાસું આગળ વધશે અને 28-29 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડશે. જુલાઈમાં રાજ્યના મોટા ભાગોમાં વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થશે. ઓગસ્ટમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ યથાવત રહેશે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ગરમી વધુ રહી શકે છે, પરંતુ ત્યારબાદ વરસાદી ઝાપટાં પડશે. પછોતરો વરસાદ ભારે બની શકે છે અને હવામાન રોગિષ્ટ રહેવાની શક્યતા રહેશે.