ગુજરાતી સુપરહિટ ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ચર્ચાઇ રહી છે. આ ફિલ્મને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે. તેને 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. તો બીજી તરફ ગઇકાલે ફિલ્મ ‘લાલો’ના અભિનેતાઓ રાજકોટ પહોંચ્યા ત્યારે ક્રિસ્ટલ મોલમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ હવે હવે એક એવા ‘લાલો’ ફિલ્મ સાથે જોડાયેલી એક એવી માહિતી સામે આવી છે, જેને જાણીને તમને દુઃખ થઈ શકે છે.
દિવ્યભાસ્કરના રિપોર્ટ મુજબ, ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ જે ઘરમાં શૂટિંગ થયું તેના માલિકની સ્થિતિ ખૂબ જ દયનીય સ્થિતિ છે. વાણંદ ડેલીમાં રહેતા વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજા હાલમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે; તેમને પેરાલિસિસનો એટેક આવેલો છે અને તેમના બ્રેઇનની સર્જરી પણ કરાવેલી છે. આ નબળી આર્થિક અને શારીરિક સ્થિતિ ખૂબ ખરાબ છે. તેઓ તેમના પતિ અને 23 વર્ષના દીકરા સાથે રહે છે. તેમનો દીકરો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
જ્યારે આ ફિલ્મનું શૂટિંગ નક્કી થયું, ત્યારે નજીકમાં રહેતા એક ભાઈએ ફિલ્મની ટીમના કોઈ વ્યક્તિને લઈ મકાન માલિકને મળવા આવ્યા હતા. તે સમયે પરિવારને માત્ર બે દિવસ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ઘરમાં કરવાની વાત કરી હતી, પરંતુ 2 દિવસની જગ્યાએ આ ફિલ્મનું 15 દિવસ સુધી શૂટિંગ ચાલ્યું હતું. આટલું લાંબુ શૂટિંગ ચાલ્યું અને ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની જંગી કમાણી કરી હોવા છતા મકાન માલિક પરિવારને હજુ સુધી એક રૂપિયો પણ ચુકાવ્યો નથી.
આ મકાનના માલિક વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજાએ આંખમાં આંસુ સાથે વેદના વ્યક્ત કરી કરતાં કહ્યું કે, શૂટિંગ દરમિયાન તેમને અને તેમના પરિવારને ઘણી મુશ્કેલીઓ પડતી હતી, જે તેમણે માનવતાના ધોરણે સહન કરી લીધી હતી. તે સમયે ફિલ્મમાં હીરો-હિરોઈન સહિત અન્ય લોકો તેમને 'માસી' કહીને બોલાવતા હતા અને કહેતા હતા કે, માસી દુઆ કરો, અમારી ફિલ્મ સારી જાય અને બધાને ખૂબ પસંદ આવે. આટલી દુઆઓ આપ્યા છતા અને ફિલ્મે કરોડો રૂપિયા કમાયા બાદ, ફિલ્મની ટીમ જૂનાગઢમાં ફરી આવી હતી, પરંતુ તેમણે આ વૃદ્ધ મહિલાના ઘરની મુલાકાત લેવાની કે તેમને એક વખત ફોન કરવાની પણ તસ્દી લીધી નથી.
ભાવનાબેને દુઃખ વ્યક્ત કર્યું કે, 100 કરોડની કમાણી કરી છતા કંઈ ન આપ્યું. તેણે અમને કંઈક સામેથી દેવું જોઇએ. હાલ સમય ગરજનો છે, કામ પતી જાય એટલે વાત પૂરી. અમારી સાથે પણ એવું જ થયું છે. ફિલ્મ શૂટિંગ કર્યુ ત્યારે માસી-માસી કરતા હતા. હવે સામે પણ નથી જોતા. મારે તો મકાન વેચી દેવું છે. થોડું ઉતારવાનું કહીને 15 દિવસ કાઢ્યા હતા. ફિલ્મમાં લાલોનું પાત્ર કરનારો એક્ટર દારુ પીને ફળિયામાં સૂતો હતો. અહીં જ કંકુ પગલા કરાવ્યા હતા.
ગત 10 ઑક્ટોબરના રોજ રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ જે ઘરમાં રહેતા તે ઘર જૂનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલ્યા હનુમાન મંદિર સામે આવેલી એક સાવ સાદી ‘વાણંદની ડેલી’માં આવેલું છે. હાલ આ ઘર 'લાલાની ડેલી' તરીકે પ્રખ્યાત થયું છે. પરંતુ આ ઘર જેની માલિકીનું છે તેને ભાગ્યે જ કોઈ ઓળખતું હશે.
શૂટિંગ સમયે મકાનમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નહોતો, જે વસ્તુઓ જ્યાં હતી ત્યાં જ રાખીને શૂટિંગ કરાયું હતું. આ ઘરમાં અનેક ઇમોશનલ દૃશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા. જો કે હવે આ ઘરને વેચવા માટે કાઢવામાં આવ્યું છે અને ઘર માલિક ગરીબીમાં જીવન જીવી રહ્યા છે.