03/27/2025
GST Scam: GSTના નિયમોનો ગેરકાયદે ઉપયોગ કરીને ભેજાબાજો દ્વારા અલગ અલગ રીતે કૌભાંડો ઉભા કરવામાં આવતાં હોય છે. એવી જ રીતે રાજ્યભરમાં 145 જેટલી બોગસ કંપનીઓ ઉભી કરીને 1814 કરોડના બિલ બનાવીને GSTનું મોટું કૌભાંડ કરવામાં આવ્યું હતું. હવે ઇકો સેલે બાતમીના આધારે મુંબઇના મીરા રોડ વિસ્તારમાંથી આરોપી મોહમ્મદ સુલ્તાન કાપડિયાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઇકો સેલના ACPએ કહ્યું કે, આ કેસમાં મોહમ્મદ રઝા ગભરાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જે અત્યારે જેલમાં છે. તેની પૂછપરછમાં માહિતી મળી હતી કે મુંબઇનો સુલ્તાન કાપડિયા અને ઇમરાન પણ આ કૌભાંડમાં સામેલ હતા. હવે સુલ્તાન કાપડિયાની ધરપકડ બાદ ઇમરાન અને અન્ય આરોપીઓ સામે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. પોલીસ તપાસમાં હજુ મોટા આંકડાનો કૌભાંડ સામે આવી શકે છે.