08/05/2020
જે રીતે બીજી ટર્મમાં મોદી સરકાર એક પછી એક મુદ્દાઓ અંગે નિર્ણયાત્મક થઇ રહી છે, એનાથી રાજકીય વિશ્લેષકો પણ આશ્ચર્યમાં છે.
તમે આ વાંચતા હશો ત્યારે અયોધ્યામાં ભૂમિપૂજન થઇ ચૂક્યું હશે. આખરે ૫૦૦ વર્ષની યાચના અને યાતના બાદ સનાતન ધર્મને એના હક્કનું ગણાય એવું સૌથી મહત્વનું ઠેકાણું મળ્યું છે. આ સૈકાઓ દરમિયાન ભારતમાં કરોડો સનાતનીઓની વસ્તી બહુમતીમાં હોવા છતાં આ કામ આટલું લાંબુ ખેંચાયું એની પાછળ રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ જ હતો, એ વાત હવે દીવા જેવી સ્પષ્ટ થઇ ચૂકી છે. ટીકાકારોને ગમે કે નહિ ગમે, પણ રામ મંદિરનું શ્રેય મોદી સરકારને ફાળે જમા થવાનું છે.
મંદિરના નિર્માણ પાછળ લાખો કારસેવકો અને દેશભરના સેંકડો નેતાઓનો દાયકાઓ જૂનો સંઘર્ષ ભૂલાય એમ નથી. તેમ છતાં રાજકીય ઇચ્છાશક્તિ કેળવી શકાય એટલી બહુમતી લોકસભામાં હાંસલ કરવાનો ચમત્કાર મોદી-શાહની જોડીએ કરી બતાવ્યો છે. સ્થિર અને મજબૂત સરકાર જ આવા સંવેદનશીલ મામલે નિર્ણયાત્મક થઇ શકવાનું ગજું ધરાવી શકે. અને આજની તારીખે તમે પાછળ ફરીને છેલ્લા સાતેક વર્ષ પર સરસરી નજર ફેંકશો તો સમજાશે કે મોદી-શાહની જોડીએ લોકસભા (અને સાથે જ રાજ્યસભામાં પણ) જંગી બહુમતી મેળવવા રીતસરનું મિશન અમલમાં મૂક્યું છે. કેમકે ભારત જેવા દેશમાં પાર્લામેન્ટમાં જંગી બહુમતી સિવાય કશું નિર્ણાયક પગલું ભરવું લગભગ અશક્ય હોય છે.