બીજેપી શા માટે આટલી ઝડપથી એક પછી એક એજન્ડા પાર પાડી રહી છે?

બીજેપી શા માટે આટલી ઝડપથી એક પછી એક એજન્ડા પાર પાડી રહી છે?

08/05/2020 Politics

જવલંત નાયક
ભાત ભાત કે લોગ
જવલંત નાયક
લેખક, પત્રકાર

બીજેપી શા માટે આટલી ઝડપથી એક પછી એક એજન્ડા પાર પાડી રહી છે?

જે રીતે બીજી ટર્મમાં મોદી સરકાર એક પછી એક મુદ્દાઓ અંગે નિર્ણયાત્મક થઇ રહી છે, એનાથી રાજકીય વિશ્લેષકો પણ આશ્ચર્યમાં છે.

તમે આ વાંચતા હશો ત્યારે અયોધ્યામાં ભૂમિપૂજન થઇ ચૂક્યું હશે. આખરે ૫૦૦ વર્ષની યાચના અને યાતના બાદ સનાતન ધર્મને એના હક્કનું ગણાય એવું સૌથી મહત્વનું ઠેકાણું મળ્યું છે. આ સૈકાઓ દરમિયાન ભારતમાં કરોડો સનાતનીઓની વસ્તી બહુમતીમાં હોવા છતાં આ કામ આટલું લાંબુ ખેંચાયું એની પાછળ રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ જ હતો, એ વાત હવે દીવા જેવી સ્પષ્ટ થઇ ચૂકી છે. ટીકાકારોને ગમે કે નહિ ગમે, પણ રામ મંદિરનું શ્રેય મોદી સરકારને ફાળે જમા થવાનું છે.

મંદિરના નિર્માણ પાછળ લાખો કારસેવકો અને દેશભરના સેંકડો નેતાઓનો દાયકાઓ જૂનો સંઘર્ષ ભૂલાય એમ નથી. તેમ છતાં રાજકીય ઇચ્છાશક્તિ કેળવી શકાય એટલી બહુમતી લોકસભામાં હાંસલ કરવાનો ચમત્કાર મોદી-શાહની જોડીએ કરી બતાવ્યો છે. સ્થિર અને મજબૂત સરકાર જ આવા સંવેદનશીલ મામલે નિર્ણયાત્મક થઇ શકવાનું ગજું ધરાવી શકે. અને આજની તારીખે તમે પાછળ ફરીને છેલ્લા સાતેક વર્ષ પર સરસરી નજર ફેંકશો તો સમજાશે કે મોદી-શાહની જોડીએ લોકસભા (અને સાથે જ રાજ્યસભામાં પણ) જંગી બહુમતી મેળવવા રીતસરનું મિશન અમલમાં મૂક્યું છે. કેમકે ભારત જેવા દેશમાં પાર્લામેન્ટમાં જંગી બહુમતી સિવાય કશું નિર્ણાયક પગલું ભરવું લગભગ અશક્ય હોય છે.


ખાસ કરીને ૨૦૧૯માં જ્યારે મોદી વધારે સીટ્સ જીતીને ફરી સત્તાસ્થાને આવ્યા ત્યાર પછી બહુમતીની અસર સ્પષ્ટ વર્તાય છે. એનડીએ ૨.૦નો કાર્યકાળ ખરા અર્થમાં બીજેપી ૨.૦ કાર્યકાળ બની રહ્યો છે. અર્થાત, ૨૦૧૯માં બીજી વખત જંગી બહુમતીએ ચૂંટાયેલી એનડીએ સરકાર બીજેપીના મૂળભૂત એજન્ડા એક પછી એક પાર પાડી રહી છે. ૩૭૦મી કલમની નાબૂદી, ટ્રીપલ તલાક કે રામ મંદિરનું નિર્માણ જેવા મુદ્દાઓ એક સમયે ‘અનંત’ લાગતા હતા. પ્રજાને ય મગજમાં એવું દ્રઢ થઇ ગયેલું, સિટીઝન એમેન્ડમેન્ટ બિલ જેવું કશું ભારતમાં લાગૂ કરી શકાય એ બાબતે લોકો સાશંક હતા. પરંતુ મોદી સરકારે એકાદ વર્ષના ટૂંકા ગાળામાંજ આ બધા ચમત્કારો કરી બતાવ્યા.


...પણ શા માટે ભાજપને આટલી ઉતાવળ છે?

...પણ શા માટે ભાજપને આટલી ઉતાવળ છે?

રાજકારણમાં સામાન્ય સમજ એવી છે કે મુદ્દાઓ ભડકાવવા માટે હોય છે, ઠારવા માટે નહિ. મુદ્દા હોય તો જ તમે સામેના પક્ષને ખરાબ ચીતરી શકો, એનો વિરોધ કરી શકો અને લોકોને ઉશ્કેરીને મત મેળવી શકો. આ રાજકારણની સામાન્ય તાસીર છે જે દુનિયાના દરેક પક્ષ અને નેતાને લાગૂ પડે છે.

ભાજપ પોતાના સ્થાપના સમયથી માંડીને આજદિન સુધી કલમ ૩૭૦, કોમન સિવિલ કોડ, રામ મંદિર નિર્માણ વગેરે મુદ્દે ચૂંટણીઓ લડતું આવ્યું છે. લોકસભામાં માત્ર ૨ સીટથી શરુ થયેલી ભાજપની યાત્રા આ મુદ્દાઓને પ્રતાપે જ આગળ ધપતી રહી અને આજના મુકામે પહોંચી છે. તો પછી આ બધા મુદ્દાઓને ‘જીવતા’ રાખવાને બદલે બનતી ઝડપે ઉકેલવામાં કેમ આવી રહ્યા છે?

ચૂંટણી નજીક હોય ત્યારે આવી ઉતાવળ સમજી શકાય. કારણકે ચૂંટણીમાં આવી બાબતોનો સીધો લાભ મળતો હોય છે. પણ હમણાં કેન્દ્રિય સ્તરે ચૂંટણી પોણા ચાર વર્ષ દૂર છે.

સરકારની આ ઉતાવળ પાછળ મુખ્યત્વે બે કારણો જણાય છે.


(૧) શેલ્ફ લાઈફ :

(૧) શેલ્ફ લાઈફ :

પહેલું કારણ છે ‘શેલ્ફ લાઈફ’. અંગ્રેજી ભાષાનો આ શબ્દ જાહેર જીવનમાં પડેલા દરેક જણે સમજણપૂર્વક ગોખી રાખવો જોઈએ. કોઈ પણ ચીજવસ્તુને દુકાનની અભરાઈ ઉપર ગોઠવી રાખવાનો એક નિયત સમય હોય છે. અમુક સમય પછી એ ચીજ પોતાનો ‘ચાર્મ’ ગુમાવી બેસે છે. પછી એ જોઈને ગ્રાહકો આકર્ષી શકાતા નથી. દુકાનની શેલ્ફ ઉપર રહેલી ચીજ જેટલો સમય ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહે, એને એ ચીજની ‘શેલ્ફ લાઈફ’ કહે છે. જો શેલ્ફ લાઈફ પૂરી થવા છતાં કોઈ એ ચીજને ન ખરીસે, તો એ કશા કામની રહેતી નથી. આ જ વાત જાહેર જીવનના મુદ્દાઓને પણ લાગુ પડે છે. એક સમયે જે મુદ્દો ટોળા ભેગા કરતો હોય, એ જ મુદ્દો કાળક્રમે બિનઅસરકારક થઇ જતો હોય છે. દુકાનની અભરાઈ પર ગોઠવેલી વસ્તુની જેમ જ દરેક મુદ્દાને પણ એક ‘એક્સપાયરી ડેટ’ હોય છે. મોદી-શાહની જોડીએ આ એક્સપાયરી ડેટ વાંચી લેવાની હોંશિયારી દાખવી છે.

નેવુંના દાયકામાં રામ મંદિરનો મુદ્દો ભયંકર ગરમી પકડી ગયેલો, એ પછી અત્યારે મતદારોની આખી પેઢી ફરી ગઈ છે! અત્યારે જે મતદારો ૧૮ થી ૩૦ વર્ષના છે એમણે મંદિર મુદ્દે તત્કાલીન કોંગ્રેસ સરકારની નબળાઈઓ, લઘુમતી તુષ્ટિકરણ, મુલાયમ-લાલુ જેવાએ કારસેવકો પર કરેલા અત્યાચારો વગેરે જોયા નથી. એટલે એ પેઢી સાંપ્રત મુદ્દાઓને મૂકીને મંદિર મુદ્દા સાથે લાંબો સમય ઇમોશનલી એટેચ રહે એ શક્ય નથી. વળી અત્યારની પેઢીને ઝડપી ઉકેલમાં જ રસ હોય છે. કેન્દ્રમાં બે ટર્મની સુવાંગ સત્તા મળ્યા પછી ત્રીજી ચૂંટણીમાં મંદિરના નામે આ પેઢીને આકર્ષવાનું અશક્ય બને, ઉલ્ટાનો આખો મુદ્દો બુમરેંગ સાબિત થઇ જાય!

મોદી સરકારે રામ મંદિરનો મુદ્દો ઉકેલીને આવી શક્યતાનો છેદ ઉડાડી દીધો છે. ઉલટાનું હવે તેઓ ‘યશકલગી’ તરીકે એનો ઉપયોગ કરશે. અને રાજકારણમાં આવું કરવામાં કશું ખોટું ય નથી.

ટૂંકમાં, દુધની શેલ્ફ લાઈફ પૂરી થાય એ પહેલા મોદીજીએ એમાંથી એવું ચીઝ બનાવી લીધું છે, જેનો ઉપયોગ આવનારા અનેક વર્ષો સુધી થઇ શકશે.


(૨) પ્રોજેક્શન :

(૨) પ્રોજેક્શન :

આ એક અતિશય મહત્વનો મુદ્દો છે. તમે યુપીએની બંને ટર્મનો શાસનકાળ યાદ કરો. એ સમયે સરકાર સતત દિશાહીન હોય એવું દ્રશ્ય ઉપસતું હતું. એ વખતે સરકારનું ફોક્સ પરિસ્થિતિને બદલવા કરતા પરિસ્થિતિને અનુરૂપ થવામાં, અને એ રીતે ઝાઝો વિરોધ પેદા કર્યા વિના સત્તા જાળવી રાખવા પર વધુ રહેતું.

આ બાબતે મોદીનું કામ સાવ જુદું છે. મોદી વિવાદો પેદા થવાની સહેજે પરવા નથી કરતા. આર્થિક અને રાજકીય વિશ્લેષકોને નોટબંધી-જીએસટી વખતે લાગતું હતું કે આર્થિક અખતરાઓ કરવામાં સરકાર પોતાનો મતદાતા ગુમાવશે. મોદી સરકારના આ બંને પગલા પછી ભારતની બજારો પર કમ્મરતોડ ફટકો પડ્યો એ હકીકત છે. મોદી પણ આ વાત સમજતા જ હશે. પણ આર્થિક તબક્કે આવી મોટી છક્કડ ખાઈ ગયેલા મોદીનો આત્મવિશ્વાસ સહેજે ય ડગ્યો નથી. કમ સે કમ જાહેરમાં તો તેઓ આર્થિક બાબતોને લઈને પૂરેપૂરા આશ્વસ્ત હોવાનો દેખાવ કરી જ શક્યા છે.

લોકોએ આર્થિક હાડમારીઓ પછી પણ મોદીમાં ફરી ભરોસો મૂક્યો એનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ પોતાની પાસે દેશના વિકાસ માટેનું વિઝન - દૂરંદેશી હોવાની વાત પ્રજાને ગળે ઉતારી શક્યા છે. કોઈ પણ ક્ષેત્રમાં મોદી સરકાર પાસે એક ‘વિઝન પ્રોગ્રામ’ છે. વિકાસનું યોગ્ય પ્રોજેક્શન કરવામાં તેઓ બીજા કોઈ પણ સાંપ્રત નેતા કરતા અનેકગણા વધુ સફળ રહ્યા છે.

જ્યારે સરકાર પોતાના ચુનાવી એજન્ડાના મુદ્દાઓને એક લાઈનમાં ફટાફટ ઉકેલતી જાય, ત્યારે પ્રજાને આ ‘પ્રોજેક્શન’ સાચું પડતું લાગે છે. મોદી સરકારની આ ઝડપને કારણે એક સમયે અશક્ય નહિ તો પણ અતિશય દુષ્કર લાગતા કોમન સિવિલ કોડ અને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પાછા મેળવવા જેવા મુદ્દાઓ હવે દેશની બહુધા પ્રજાને હાથવેંતમાં લાગવા માંડ્યા છે.

આ પ્રકારના પ્રોજેક્શન્સને કારણે સરકાર અને વડાપ્રધાન સતત ચર્ચામાં રહે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે ભવિષ્યમાં કોઈ પણ મોટું પગલું ભરવું હોય, તો એ પહેલાનો જનમત આપોઆપ કેળવી શકાય છે!

જો કે કોંગ્રેસ અને વિરોધીઓ મોદીની સફળતામાં પ્રચારતંત્રનો ફાળો મોટો હોવાનું માનીને મન મનાવે છે. વાત સાવ ખોટી નથી, પણ બીજી તરફ મોદી સરકાર અમુક કાર્ય એવા કરી દેખાડે છે કે વિરોધીઓ પોતાની જ જાળમાં ફસાઈને સેલ્ફ ગોલ કરી બેસે છે. પરિણામે પ્રજા સમક્ષ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોની હાલત હાસ્યાસ્પદ થઇ જાય છે. આ લખાય છે ત્યારે ખબર છે કે એક સમયે રામના અસ્તિત્વ સામે જ પ્રશ્ન ખડો કરનાર કોંગ્રેસીઓ રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની અગિયાર ઈંટ મોકલવાના છે! અસ્તુ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top