11/30/2020
મુંબઈ : ચારેક દાયકા જેટલા સમયથી ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલા વરિષ્ઠ પત્રકાર પ્રફુલ શાહનું નામ ગુજરાતી વાચકો માટે અજાણ્યું નથી. પત્રકારત્વની સાથે સાથે જ અખબારમાં એમનું કટારલેખન પણ ચાલતું રહ્યું છે. આ દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોથી એમણે નવલકથાઓ પર કલમ અજમાવી છે, અને બહુ ટૂંકા ગાળામાં એમના દ્વારા લખાયેલી કથાઓ-ડોક્યુનોવેલ્સ લોકપ્રિય થઇ છે.એમના દ્વારા લખાયેલી બે કથાઓ પરથી અનુક્રમે ‘બારોટ હાઉસ’ (Barot House) અને ‘પોષમ પા’ (Posham Pa)નામની થ્રિલર ફિલ્મો બની છે. અને ગુજરાતીઓને ગૌરવ થાય એવી બાબત એ છે કે આ બન્ને ફિલ્મોને ફિલ્મફેર એવોર્ડ માટેની વિવિધ કેટેગરીઝમાં કુલ છ નોમિનેશન મળ્યા છે.
આ નિમિત્તે પ્રસ્તુત છે સીધી ખબર માટે જાણીતા લેખક-પત્રકાર પ્રફુલ શાહનો ખાસ ઇન્ટરવ્યુ.
પ્રશ્ન : આ બંને ફિલ્મો વિશે જણાવો, અને આ વાર્તાઓને એક ફિલ્મમાં રૂપાંતરિત કરવા માટેની પ્રક્રિયા શું રહી ?
ઉત્તર : બારોટ હાઉસ અને પોષમ પા, આબંને ફિલ્મોમાં રિસર્ચ અને કન્સેપ્ટ મારા છે. વાર્તાના પ્લોટથી માંડીને રિસર્ચ બધું મેં કર્યું છે. જયારે ડાયલોગ અને સ્ક્રીન પ્લે બીજા લેખકોએ લખ્યા છે. બીજું, આ બંને વાર્તાઓ રિયલ લાઈફ સ્ટોરીઓ છે. બંને વાર્તાઓના મુખ્ય પાત્રો આજે પણ હયાત છે અને તેમની ઉપરથી જ મેં આ વાર્તાઓ લખી છે. જો કે ત્યારબાદ આખી વાર્તાના પ્લોટથી માંડીને પાત્રો બધું મારી કલ્પના છે.