ગયા લેખમાં આપણે શરીરની “પ્રકૃતિ” વિશે પ્રાથમિક માહિતી મેળવી હતી. આજે વાત, પિત્ત અને કફ- આ ત્રણેય દોષોની પ્રકૃતિ વાળા લોકોના મુખ્ય લક્ષણો વિશે થોડું વિસ્તારથી જોઈએ. આજે અહીં લખ્યું છે એનો સંદર્ભ સુશ્રુતસંહિતાના શારીરસ્થાનના ચોથા અધ્યાયમાંથી લીધો છે.
(1) વાત પ્રકૃતિ :
જેની વાત પ્રકૃતિ હોય એ વ્યક્તિ કેવા હોય એ આચાર્ય સુશ્રુત જણાવે છે:
- अधृति : ધૈર્યરહિત- એમનામાં ધીરજ ના હોય. વાતવાતમાં ધીરજ ખોઈ બેસે,
- अदृढसौह्रद : દ્રઢ મૈત્રી ન રાખી શકનાર : મિત્રતામાં એમને ઝગડા થયા કરે અને મોટા ભાગે લાંબી મજબૂત મૈત્રી ટકાવી ન શકે,
- कृतघ्न : કોઈએ પોતાનું સારું કર્યું હોય એ કોઈ અણબનાવ કે મતભેદ વખતે ભૂલી જાય,
- कृश : એમનું શરીર એકદમ પાતળું હોય,
- धमनीततः : શરીર પર રક્તવાહિનીઓ દેખાય,
- प्रलापी : પ્રલાપ એટલે કે વ્યર્થ બકવાસ કરનાર હોય,
- द्रुतगति : ખૂબ ઝડપથી ચાલે,
- अटनशील : અહીં તહીં ફરનાર હોય,
- अनवस्थित आत्मा : એમનું ચિત્ત ચંચળ હોય, એટલે કે વેવરિંગ માઇન્ડવાળા હોય,
- वियति च गच्छति संभ्रमेण सुप्तः : નિદ્રામાં આકાશ ગમન કરે,
- अव्यवस्थित मति : અસ્થિર મતિવાળા હોય,
- चलदृष्टि : ચંચળ દ્રષ્ટિ- એમની આંખો સ્થિર ન રહી શકે, સતત ફર્યા કરતી હોય,
- रत्ननसंचयमित्र किंचित्: એમની પાસે રત્નો, ધન અને મિત્રો બહુ ઓછા હોય,
- विलप्यति अनिबद्धः : અસંબદ્ધ વાર્તાલાપ કરનાર,
- સ્વભાવ અને તાકાત સાથે પશુપક્ષીઓની સરખામણી : બકરી, શિયાળ, સસલું, ઉંદર, ઊંટ, શ્વાન, કાગડો, ગધેડો
(2) પિત્ત પ્રકૃતિ :
હવે જેની પિત્ત પ્રકૃતિ હોય એ વ્યક્તિ કેવા હોય એ આચાર્ય સુશ્રુત જણાવે છે:
- स्वेदनो : એમને પસીનો ખૂબ આવે,
- दुर्गन्ध : શરીરમાંથી દુર્ગંધ વધુ આવે,
- पीतशिथिल अंग : પીળાશ પડતો વાન, શિથિલ અંગો હોય,
- ताम्र नख-नयन-तालु-जिह्वा-औष्ठ-पाणिपादतल - નખ, આંખ, તાળવું, જિહ્વા, હોઠ, હથેળી, પગના તળિયાં તામ્રવર્ણના હોય,
- वली-पलित-खालित्य जुष्ट : ચામડી પર કરચલીઓ, સફેદ વાળ અને વાળનું ખરવું વહેલી ઉંમરમાં જોવા મળે,
- बहुभुग् : વધારે ખાય,
- उष्णद्वेषी : એમને ગરમ-ગરમ ખાવાનું ન ગમે,
- क्षिप्रकोपप्रसाद : જલ્દી ક્રોધિત થઈ જાય અને શાંત પણ જલ્દી થઈ જાય,
- मध्यमबलो मध्यमायुश्च : મધ્યમ શક્તિ અને મધ્યમ આયુષ્યવાળા હોય,
- मेधावी : મેધાવી, બુદ્ધિશાળી હોય,
- निपुणमति : નિપુણ મતિ, કોઈ પણ સ્કિલ સરળતાથી શીખી લે,
- विगृह्य वक्ता : વિગૃહ્ય વક્તા હોય- વાદ-વિવાદ કે ડિબેટમાં બીજા પર સરળતાથી હાવી થઈ જવાની આવડત ધરાવતા હોય,
- तेजस्वी : તેજસ્વી હોય,
- समितिषु दुर्निवारवीर्य : યુદ્ધમાં એમનું પરાક્રમ સહન ન થઈ શકે એવા વીર હોય,
- सुप्तः सन् कनक-पलाश-कणिकारान् सम्पश्येदपि च हुताशविद्युदुल्काः : ઊંઘમાં સુવર્ણ, પલાશ (કેસૂડો), કણેર, અગ્નિ, વીજળી, ઉલ્કાને જુએ,
- न भयात् प्रणमेदनतेषु अमृदुः प्रणतेषु अपि सान्त्वनदानरुचिः : ડરીને નમ્ર રહે એવા ન હોય. ઉદ્ધત લોકો માટે કઠિન-ઉગ્ર અને નમ્ર લોકો માટે સાંત્વના આપનાર હોય,
- सदा व्यथितास्यगतिः : એમને મોં વારંવાર આવી જતું હોય,
- સ્વભાવ અને તાકાત સાથે પશુપક્ષીઓની સરખામણી : સાપ, ઘુવડ, બિલાડી, વાનર, વાઘ, રીંછ, નોળિયો
(3) કફ પ્રકૃતિ :
જેની કફ પ્રકૃતિ હોય એ વ્યક્તિ કેવા હોય એ આચાર્ય સુશ્રુત આ મુજબ જણાવે છે:
- दूर्वा-इन्दीवर-निस्त्रिशार्द्रारिष्टशरकाण्डानाम् अन्यतमवर्णः : દૂર્વા, કમળ, તાજા લીમડાના પાન, શરકંડી – આમાંથી કોઈ એક વર્ણ (શરીરનો રંગ) નો હોય,
- सुभगः : એમનું શરીર સુંદર હોય,
- प्रियदर्शन : જોઇને જ પ્રિય લાગે એવા હોય,
- मधुरप्रियः : એમને મીઠો સ્વાદ બહુ પ્રિય હોય,
- कृतज्ञ : કૃતજ્ઞ- બીજાએ પોતાનું સારું કર્યું હોય એના માટે હંમેશાં એમના આભારી રહે
- धृतिमान् : ધીરજવાન- એમનામાં બહુ સારી ધીરજ હોય,
- सहिष्णु : સહિષ્ણુ- સહનશીલ હોય,
- अलोलुप : અલોલુપ- પોતાની જાત પર સંયમ રાખી શકે એવા હોય,
- बलवान् : શક્તિશાળી હોય,
- चिरग्राही : ગ્રહણ કરવામાં સમય લે,
- दृष्टवैरः : શત્રુતાને સરળતાથી ભૂલી ન શકે,
- शुक्लाक्ष : સફેદ આંખોવાળા હોય,
- स्थिरकुटिल केश : મજબૂત અને વાંકડિયા વાળ ધરાવતા હોય,
- लक्ष्मीवान् : સમૃદ્ધ હોય,
- जलदमृदंगसिंहघोषः : મેષ, મૃદંગ અને સિંહ જેવા ગંભીર અને પ્રભાવશાળી અવાજવાળા હોય,
- सुप्तः सन् सकमलहंसचक्रवाकान् संपश्येदपि च जलाशयान् मनोज्ञान् : સ્વપ્નમાં કમળ, હંસ, ચક્રવાક, સુંદર જળાશયો વગેરેને જુએ
- रक्तान्तनेत्रः : એમની આંખોના છેડા લાલાશવાળા હોય,
- सुविभक्त गात्रः : એમનું શરીર કસાયેલું હોય,
- स्निग्धच्छवि : જોઈને જ સ્નેહાળ લાગે,
- सत्त्वगुणोपपन्नः : સાત્ત્વિક ગુણોથી યુક્ત હોય,
- क्लेशक्षम : કષ્ટ સહન કરી શકવા માટે સક્ષમ હોય,
- सामयिता गुरुणान् : મોટા લોકોને મનાવી શકનાર હોય – એટલે કે એમનો કન્વીન્સિંગ પાવર સારો હોય,
- दृढशास्त्रमति : શાસ્ત્રમાં દ્રઢ મતિ ધરાવતા હોય અને શાસ્ત્રોનું જ્ઞાન સરળતાથી સમજી શકે એવા હોય,
- स्थिरमित्रधनः : એમના મિત્રો અને ધન સ્થિર રહે,
- परिगण्य चिरात् प्रददाति बहु : બહુ વિચારશીલ હોય પણ બીજાને અઢળક આપે,
- परिनिश्चितवाक्यपदः : વ્યવસ્થિત વિચારીને બોલનાર હોય,
- सततं गुरुमानकरश्च : ગુરુને નિત્ય માન આપનાર હોય,
- સ્વભાવ સાથે પશુપક્ષીઓની સરખામણી : સિંહ, અશ્વ (ઘોડો), હાથી, વૃષ (બળદ), ગરુડ, રાજહંસ
*** *** ***
આ ત્રણ મુખ્ય પ્રકૃતિ છે. મોટા ભાગે બધા લોકોમાં આ એકદોષજ પ્રકૃતિ બહુ ઓછી જોવા મળે છે અને દ્વિદોષજ પ્રકૃતિ હોય એ સામાન્ય છે. એટલે કે બે પ્રકૃતિના મિશ્ર લક્ષણો વધારે હોય અને એ સિવાયની ત્રીજી પ્રકૃતિના એકાદ-બે લક્ષણો ભાગ્યે જ હોય. આગળના લેખમાં આપણે વાત કરી કે પ્રકૃતિ જાણવું આપણને ક્યાં કામ આવે – એક તો સ્વાસ્થ્ય જાળવણી માટે (દરેક પ્રકૃતિના વ્યક્તિ માટે રોજિંદા જીવનમાં એણે આહાર-વિહારમાં શું ધ્યાન રાખવું એ અલગ-અલગ છે), અને બીજું એમની સારવારની પ્રક્રિયાઓ અને એ માટેના ઔષધો નક્કી કરવા માટે.
આ લેખમાં દરેક મુદ્દાની આગળ સંસ્કૃત એક ખાસ હેતુથી લખ્યું છે. જ્યારે સમય હોય ત્યારે એક-એક મુદ્દા સાથે આપેલી સંસ્કૃત ટર્મિનોલોજી વાંચજો, તો સમજાશે કે સંસ્કૃત કેટલી સમૃદ્ધ અને સુંદર ભાષા છે! મુદ્દાસર, પદ્ધતિસર, વ્યવસ્થિત, સિસ્ટમેટિક અને વૈજ્ઞાનિક ઢબે (એ પણ સાહિત્યિક સુંદરતા સાથે) સંસ્કૃતમાં, આપણા ગ્રંથોમાં કેટલા બધા તથ્યો ઋષિઓ આપીને ગયા છે. આ પ્રકૃતિનું જ ઉદાહરણ લઈએ તો એ જોઈને જ સમજાય કે એ કેટલા ઊંડા અભ્યાસ, અવલોકનો અને સંશોધનો પછી લખાયેલું હશે. એમાં કેટલા ઊંડાણથી સચોટ અને સટીક રીતે શારીરિક, માનસિક ભાવો અને સ્વભાવની વિશેષતાઓ આપ્યા છે. અને હકીકતે આ બધી બાબતોની માણસના સ્વાસ્થ્ય પર પ્રબળ અસર હોય છે. આપણે આપણી પોતાની સંસ્કૃત ભાષાથી એને જૂના જમાનાની કે આઉટડેટેડ ગણીને વિમુખ થયા એમાં સમગ્ર માનવજાતને ઉપયોગી હોય અને એના હિતમાં હોય એવા કેટલા બધા ઊંડા, સૂક્ષ્મ, સત્ય અને સચોટ જ્ઞાનથી આપણે દૂર થઈ ગયા છીએ એનો અહેસાસ કરવો હોય તો સંસ્કૃત શીખીને અભ્યાસુ દ્રષ્ટિએ ગ્રંથો વાંચવા સિવાય કોઈ વિકલ્પ નથી.