તમે ક્યારેય મુંબઈ આવ્યા છો? નહીં? તો પછી તમે અંકિત, અંકિતા, લલિત, લલિતા, પ્રીત અને પ્રીતાને તો નહીં જ ઓળખતા હોવ! આ બધાં જ ‘મુંબઈકર’ છે. 'મુંબઈકર' એટલે મુંબઈનગરીમાં રહેતાં લોકો. ચાલો, એમની ઓળખાણ કરાવું.
ફરી સવાર પડે અને ફરી એક નવો ‘વર્કિંગ ડે’ ઉગે. અંકિત કહો કે અંકિતા, લલિત કહો કે લલિતા, પ્રીત કહો કે પ્રીતા સ્ટેશન પહોંચ્યા. સાત ઓગણપચાસની લોકલ પ્લેટફોર્મમાં પ્રવેશી ગઈ છે. ગર્દીમાંથી રસ્તો કરતાં, દોડતાં, ધડાધડ દાદરા ઉતરતાં આ બધાં પ્લેટફોર્મ પર પહોંચ્યા અને ટ્રેન ઉપડી. આ ટ્રેન છૂટી ગઈ તો ઓફિસ પહોંચવામાં ચોક્કસ મોડું થઈ જશે અને લેટ રિમાર્ક આવશે એ વિચારીને રોજની જેમ તેઓ દોડતાં દોડતાં ટ્રેનમાં ચડ્યાં. ફાઇનલી ટ્રેન પકડી લીધી છે એની ખાતરી થતાં જ એમણે રાહતનો શ્વાસ લીધો અને ડબ્બામાં આમતેમ નજર ફેરવી. બધી જ સીટ ફૂલ હતી. ‘આજે ફરી ઊભા ઊભા જ પ્રવાસ કરવો પડશે..’ બબડતાં બબડતાં કાનમાં હેડસેટ ખોસ્યાં અને ફરી આવતા વીકએન્ડમાં મળનારી રજાની રાહ જોવાનું શરૂ કરી દીધું.
આ મુંબઈ શહેરના દરેક રેલવે સ્ટેશને દરરોજ સવારે દેખાતું દ્રશ્ય છે.
પણ, પણ, પણ..
હવે થયું એવું કે અચાનક 'વક્તને કરવટ લી' અને કહાનીમાં કોરોનાનું આગમન થયું! એની સાઇડ ઇફેક્ટ એ થઈ કે છેલ્લા લગભગ પાંચેક મહિનાથી આ બધાં મુંબઈકર ઘરે જ પુરાઈ રહ્યા. અનેક પ્રાર્થનાઓ, કાકલૂદીઓ છતાં કદી નહિ મળેલી લાંબી રજાઓ ભોગવતા રહ્યા!
...પણ લોકડાઉનના કારણે આવી પડેલી ફરજિયાત રજા પર જે હવે એમને ભયંકર સજા જેવી લાગી!!!
કોઈ પણ બાબતથી બહુ જ જલ્દી બોર થવા લાગવું એ માનવ સ્વભાવનો મોટો માઇનસ પોઇન્ટ છે. એક સમયે રજા માટે – રૂટીન લાઈફમાં બ્રેક માટે ઝૂરતા લોકોને ફરજિયાતપણે મળેલી લાંબી રજા સજા જેવી લાગવી, એ બાબત પણ આમાં આવી ગઈ. અંકિત કે અંકિતાની એ ક્ષણો જે એક નાનકડા વીકએન્ડ બ્રેક માટે ઝૂર્યા કરતી એ હવે 'જેલમાં પૂરાઈ ગયા છીએ' એવા બળાપા કાઢવામાં વીતે છે. જ્યાં ઘડીભર પણ શાંતિથી પલાંઠી વાળીને બેસવાની ફુરસત નહોતી ત્યાં ઝોળીમાં આવી પડેલી આ અસંખ્ય અણધારી ફૂરસતની ઘડીઓનો આનંદ લઈ શકાય એટલી ધીરજ લલિત કે લલિતામાં નથી એ સ્પષ્ટ થયું. ઘરમાં ગોઠવાયેલા અન્ય ફર્નિચરની સાથે ફર્નિચર જેવું નિર્જીવ જીવન જીવતાં પ્રીત કે પ્રીતામાં પણ આવી કોઈ સમજણનો સદંતર અભાવ છે એ વાત હવે જગજાહેર છે. ફૂલોનો શોખ હોવો એ અલગ વાત છે પણ ફૂલો વિશે સમજણ હોવી એ દાદ માંગી લે એવી વાત છે.
આ તો થઈ લોકડાઉન પહેલાની અને લોકડાઉન દરમિયાનની વાત. હવે એક ઔર ટ્વિસ્ટ જુઓ. ઘણીખરી જગ્યાએ હવે લોકડાઉન હળવું થયું છે. રૂટીન ચાલુ થઈ ગયું છે ત્યારે ફરી એ જ દોડધામ, એ જ ફરિયાદ અને એ જ કંટાળો પણ પાછા આવી ગયા છે. સોમથી શુક્ર 'ઢસરડાં' જેવું લાગતું કામ કરવું અને વીકએન્ડમાં મળનારી રજાની રાહ જોવી. માનવ સ્વભાવની એક વિચિત્ર ખાસિયત છે કે જે એની પાસે નથી હોતું એ જ એને જોઈતું હોય છે. વાસ્તવિક દુઃખ કે સુખ કરતાં એને કાલ્પનિક દુઃખ કે સુખ વધુ લાગતું હોય છે. પણ જે છે એના કરતાં બીજી પરિસ્થિતિ સારી જ હશે કે આવશે એની કોઈ ગેરંટી આપી શકે ખરું? તો હાલ જે હોય એને ખેલદીલીથી સ્વીકારી લેવામાં કે સ્વીકારી જોવામાં ડહાપણ નથી?
અહીં જે મુંબઈકર્સના નામ લખ્યાં છે એની જગ્યાએ તમને અન્ય કોઈપણ નામ ધારવાની છૂટ છે. એ ટ્રેનમાં કે બસમાં, બાઇક પર કે પછી પોતાના ફોરવ્હીલર પર નોકરી કે ધંધાર્થે સવારના આઠ કે નવ વાગ્યાથી રાતના આઠ કે નવ સુધી આખું અઠવાડીયું મશીનની જેમ કામ કરતું અને રજાઓની રાહ જોતું મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ કે પછી દિલ્હી જેવા કોઈ પણ શહેરમાં રહેતું કોઈ પણ નામ હોઈ શકે.
અત્યારે જો તમે મુંબઈકર હોવ, તમારે રોજ સવારના દોડધામ કરીને બોરીવલીથી સાત ઓગણપચાસની લોકલ પકડીને ભીંસી નાખતી ભીડમાં ગ્રાંટરોડ કે ચર્ચગેટ નોકરીએ જવાનું હોય તો તમારું રીએક્શન કેવું હોય?
કાદાચ તમારી મનોસ્થિતિ પણ આવી જ હોય, સખળડખળ!
મોજ એ લોકોને નથી કરી શકતાં જે લોકો એને માંગે છે, પણ એ લોકોને મળે છે જે એને માણે છે.
બી. આર. ચોપડાની 'મહાભારત'માં બેકગ્રાઉન્ડમાં ગુંજતો પેલો હરીશ ભીમાણીનો અવાજ યાદ છે? 'મૈં સમય હું' - ના હુંકાર સાથે 'સમય' પોતાની કથા માંડે. એ જે લાવે, જે આપે એ આપણને મળે. એક્ચ્યુલી એ જ મળે કહેવું યોગ્ય રહેશે. એ લાવશે, આપશે અને પોતાનું કાર્ય પૂરું કરીને પસાર થઈ જશે. એ કાયમ પોતાની આગવી છટાઓ સાથે આવતો હોય છે. એનો કોઈક એક ટુકડો નર્યા થનગનાટથી ભરેલો હોય છે. એ ક્યારે આવીને ક્યારે જતો રહે છે એની ખબર જ પડતી નથી. કોઈક ધસમસતો આવે છે અને નખોરિયાં ભરીને ચાલતો થાય છે. કોઈક સાથે ભારોભાર કંટાળો અને અવસાદ લઈને આવે છે તો કોઈક ભારોભાર આનંદ. અમુક ટૂકડા ભારેભરખમ હોય તો અમુક સાવ હળવાફૂલ. અમુક પરાણે વહાલાં લાગે એવા હોય તો અમુક દવલાં! તમારે કયા રાખવા છે અને કયા સરી જવા દેવા છે એ તમારા હાથમાં છે.
આર્થિક સમસ્યાઓ વગેરે તો છે જ, એના પર તો બહુ બધી ચર્ચાઓ થઈ રહી છે, થતી રહેશે. પણ અહીંયા વાત એ સિવાય જે રૂટીન લાઇફ છે એની છે. વિચારજો.
આવતા એપિસોડમાં ફરી મળીએ, આવી જ કોઈક 'સખળડખળ' નિમિત્તે.
મિયાઉં :
કાશ, જીવનમાં સમયના અમુક ટુકડાઓ ફાસ્ટ ફોરવર્ડ કરી શકાતા હોત! પણ કુદરતે આપણને એ ઓપ્શન આપ્યું નથી. સારું જ છે. નહીંતર અમુક અધીરા આખી જિંદગી જ ફાસ્ટ ફોરવર્ડમાં જીવી નાખત!