જેને ‘ત્રિદોષ’ કહેવામાં આવે છે એ વાત, કફ અને પિત્ત વિષેની આ વાતો તમને ભાગ્યે જ ખબર હશે!

જેને ‘ત્રિદોષ’ કહેવામાં આવે છે એ વાત, કફ અને પિત્ત વિષેની આ વાતો તમને ભાગ્યે જ ખબર હશે!

01/04/2021 Magazine

વૈદ્ય પાર્થ ઠક્કર
આયુર્ગાથા : આયુર્વેદની જાણી-અજાણી વાતો
વૈદ્ય પાર્થ ઠક્કર
MD (Ayurved), Ayurved Medical Officer, Class-II

જેને ‘ત્રિદોષ’ કહેવામાં આવે છે એ વાત, કફ અને પિત્ત વિષેની આ વાતો તમને  ભાગ્યે જ ખબર હશે!

આયુર્વેદ આખું વાત, પિત્ત અને કફ ઉપર આધારિત છે... આવું વાક્ય કોઈ પણ વ્યક્તિ પાસે આયુર્વેદની વાત કરીએ એટલે એના મનમાં આવે, અને એ કહે પણ ખરો જ. પણ સોમાંથી નવ્વાણું લોકો નીચેના માર્ગેથી નીકળતા કે ઉપર ઊંધા ચડતા ગૅસને “વાત”, પેટના પાચક રસોને “પિત્ત” અને શરદી-ઉધરસ થઈ હોય ત્યારે નીકળતા સફેદ ઘટ્ટ પ્રવાહીને “કફ” સમજતા હોય છે. પણ આયુર્વેદમાં કહેલા શરીરના “ત્રિદોષ” (વાત, પિત્ત, કફ) ઘણી ઊંડી અને વિશાળ બાબત છે. જે આયુર્વેદના મૂળભૂતમાં મૂળભૂત પાયારૂપ સિદ્ધાંતોમાં ગણાય એની વાસ્તવિક સમજ આયુર્વેદના જન્મસ્થળ ભારતની પ્રજા પાસે જ નથી. તો આજથી આવતા અમુક સોમવાર સુધી આપણે “ત્રિદોષ સિદ્ધાંત” વિષે વાત કરીશું, એટલે કે “વાત, પિત્ત અને કફ”ને ઊંડાણમાં સમજીશું.

આયુર્વેદ અનુસાર શરીર, મન અને આત્મા- આ “ત્રિદંડ” છે. આ ત્રણ પરિમાણો સંયુક્ત રીતે આપણા જીવનને ચલાવે છે (એકલું શરીર નહીં). દરેકની અલગથી ચર્ચા કરીશું આપણે ભવિષ્યમાં, પણ અત્યારે દોષની વાતથી શરૂ કરવાનું છે. તો આ ત્રિદંડમાંથી આપણું શરીર બનેલું છે ત્રણ દોષ (વાત, પિત્ત, કફ), સાત ધાતુ (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર) અને ત્રણ મલ (પુરીષ, મૂત્ર, સ્વેદ) થી. “दोषधातुमलमूलं हि शरीरम्” આ દોષ, ધાતુ અને મલ એ આપણા શરીરની એ-બી-સી-ડી છે.

वायु: पित्तं कफश्चोक्त: शारीरो: दोषसंग्रह: (चरकसंहिता सूत्रस्थान अध्याय – 1 : 57)

વાયુ, પિત્ત અને કફ – આ ત્રણ શરીરના “દોષ” છે. સાત ધાતુ અને ત્રણ મલ એ શરીરના “દૂષ્ય” છે. દોષ એટલે જે દૂષ્યને દૂષિત કરી શકે (બગાડી શકે) એ. અહીં “દૂષિત” શબ્દ રોગના અર્થમાં છે. દોષ દ્વારા ધાતુ કે મલનું દૂષિત થવું એટલે કે બગડવું એ જ શરીરના આંતરિક “રોગ” થવાનું કારણ છે.

આ ત્રણ દોષને ભૌતિક રીતે શરીરમાં જોઈ શકાતા નથી. કે આ રહ્યો એ “વાત”, આ “પિત્ત” અને આ “કફ”. પણ આ દોષો શરીરના ક્રિયાત્મક પ્રેરકબળો છે. દોષોને અને શરીરમાં દોષોની સ્થિતિને શરીરમાં એમના કર્મો દ્વારા જાણી શકાય છે. આ તર્કને વિદ્યુતના-ઇલેક્ટ્રિસિટીના ઉદાહરણથી સમજીએ. ઇલેક્ટ્રિસિટીને જોઈ શકાતી નથી, પણ બધા ઈલેક્ટ્રિક ઉપકરણોને સારી રીતે ચલાવનાર એ જ છે, અને ઈલેક્ટ્રિક લોડમાં વધઘટ થવા પર જ ઉપકરણ બગડે છે. એમ વાત, પિત્ત અને કફ આપણા શરીરને ચલાવે છે અને વધ-ઘટ થવા પર બગાડે છે.

આ જ કોલમમાં આપણે આગળ પંચમહાભૂત વિષે જોયું છે. આકાશ, વાયુ , અગ્નિ, જલ અને પૃથ્વી આ પાંચ મહાભૂતોની જ આખી સૃષ્ટિ બનેલી છે એ કઈ રીતે એ સમજયું છે આપણે. તો આપણા શરીરના આ ત્રણ દોષ પણ પંચમહાભૂતો સાથે સંબંધિત છે. કયા દોષમાં કયા મહાભૂતોની પ્રધાનતા છે એ જોઈએ.

  • વાત દોષ    :    આકાશ + વાયુ મહાભૂત
  • પિત્ત દોષ    :    અગ્નિ + જલ મહાભૂત
  • કફ દોષ      :    જલ + પૃથ્વી મહાભૂત

એક-એક કરીને ત્રણેય દોષો વિષેની પ્રાથમિક સમજ અને એમના કાર્યોને જોઈએ : (ત્રણેય સંહિતના સંદર્ભો લઈને આ કાર્યો લખ્યા છે પણ શ્લોક માત્ર “અષ્ટાંગહ્રદય” ના લીધા છે.)


(1) वात:

(1) वात:

_ _ _   _ _ _   _ _ _   ‌‌‌‌‌‌तं चल: ।

उत्साहोच्छवासनि:श्वास चेष्टावेगप्रवर्तनैः ॥

सम्यग्गत्या च धातूनां अक्षाणां पाटवेन च ।

अनुगृह्णाति अविकृतः _ _ _   _ _ _   _ _ _   

(अष्टांगह्रदय सूत्रस्थान अध्याय - 11/1-2)

વાયુ ત્રણેય દોષોમાં સૌથી વધુ બળવાન દોષ છે. એ શરીરને અને અંગોને સાબૂત રાખે છે. એ શરીરનું પ્રેરક અને ચાલક બળ છે. નીચેની દરેક બાબતો શરીરમાં પ્રાકૃત એટલે કે ન બગડેલા “વાત દોષ”નું કાર્યક્ષેત્ર છે.

- શરીરમાં સેલ્યુલર લેવલથી માંડીને સ્થૂળ સ્તરે થતી કોઈ પણ પ્રકારની ગતિ

- મનનું નિયંત્રણ, વિવિધ બાબતોમાં મનનું પ્રવૃત્ત થવું

- પાંચ જ્ઞાનેન્દ્રિયો (કાન, ત્વચા, આંખ, જીભ અને નાક)નું એમના વિષયો (અવાજ, સ્પર્શ, દ્રશ્ય, સ્વાદ અને ગંધ અનુભવવા)માં પ્રવૃત્ત થવું,

- શરીરની ધાતુઓની ગોઠવણી યોગ્ય જગ્યાએ થવી

- વાણી-સ્પીચની પ્રવૃત્તિ

- શરીરના વિવિધ અંગો અને અલગ અલગ તંત્રોનું એકબીજાના તાલમેલમાં રહેવું

-  હર્ષ અને ઉત્સાહ

- અગ્નિના શરીરમાં યથાયોગ્ય કાર્ય (મેટાબોલિઝમ)નું નિયમન

- શ્વાસોચ્છવાસ

- મળો (મળ, મૂત્ર સ્વેદ)નું શરીરમાંથી બહાર નીકળવું

- ગર્ભની આકૃતિનું નિર્માણ

- આયુષ્ય-જીવનને આગળ વધારવું

(ક્લિનિકલ ઉદાહરણ : ઉપરના ઘણા મુદ્દાઓ આપણા “ચેતાતંત્ર” – ન્યૂરોલોજિકલ સિસ્ટમ સાથે જોડાયેલા છે. એ સિસ્ટમને લગતા રોગો લઈને તમે જ્યારે વૈદ્ય પાસે જાઓ ત્યારે એ તમારી ચિકિત્સા “વાત દોષ”ને ધ્યાનમાં રાખીને કરે.)


(2) पित्त

(2) पित्त

_ _ _   _ _ _   पित्तं पक्ति उष्म दर्शनैः ।

क्षुत्तृड् रुचि प्रभा मेधा धी शौर्य तनुमार्दवैः ॥

(अष्टांगह्रदय सूत्रस्थान अध्याय - 11/2-3)

પિત્ત એ શરીરનું અગ્નિ તત્ત્વ છે. જે વસ્તુઓનું “પાચન” કરે છે પિત્ત. પાચન એટલે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ. શરીરમાં થતી દરેક કેમિકલ ટ્રાન્સફોર્મેશન (રૂપાંતરણ) અને મેટાબોલિક ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયાઓ પિત્ત દોષને આભારી છે. નીચેની બાબતો એ શરીરમાં પ્રાકૃત એટલે કે ન બગડેલા “પિત્ત દોષ”નું કાર્યક્ષેત્ર છે:

- પાચન – આહારનું પાચન અને આહારના તેમ જ શરીરના વિવિધ ઘટકોનું એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ

- ઉષ્ણતા – શરીરના તાપમાનનું નિયમન (ક્લિનિકલ ઉદાહરણ : “તાવ”ની ચિકિત્સા કરવામાં વૈદ્યએ પિત્તનું ધ્યાન રાખવું પડે.)

- દર્શન - આંખથી જોઇ શકવું (પંચમહાભૂતનો લેખ વાંચ્યો હોય તો અગ્નિ મહાભૂતનો વિષય “રૂપ” યાદ કરો.) (ક્લિનિકલ ઉદાહરણ : આંખના રોગોમાં પિત્તને ફોકસમાં રાખવો પડે.)

- ક્ષુધા – ભૂખ લાગવી

- તૃષા – તરસ લાગવી-

- રુચિ – જમવામાં રુચિ થવી

- પ્રભા – શરીરનું તેજ

- મેધા અને બુદ્ધિ – ઇન્ટેલેક્ચ્યુયલ પાવર

- શૌર્ય – પરાક્રમ- વીરતા

- શરીરની મૃદુતા- નમણાશ

(ક્લિનિકલ ઉદાહરણ :ઉપરના ઘણા મુદ્દાઓ પાચનતંત્ર સાથે જોડાયેલા છે. પાચનતંત્રના રોગોમાં પિત્ત દોષ અને અગ્નિની જ સારવાર કરવાની હોય.)


(3) कफ

(3) कफ

श्लेष्मा स्थिरत्व स्निग्धत्व सन्धिबन्ध क्षमादिभि: ।

(अष्टांगह्रदय सूत्रस्थान 11/3)

કફ એ શરીરનું જલ તત્ત્વ છે. જે શરીરમાં વિવિધ વસ્તુઓને સાથે “જોડી/બાંધી” રાખે છે એ કફ દોષ. શરીરને  આધાર આપનાર દોષ “કફ દોષ” છે. નીચેની બાબતો શરીરમાં પ્રાકૃત એટલે કે ન બગડેલા “કફ દોષ”નું કાર્યક્ષેત્ર છે:

- સ્થિરત્વ – શરીર-મનની સ્થિરતા

- સ્નિગ્ધતા

- શરીરની વૃદ્ધિ

- સંધિબંધન – સાંધાઓને વ્યવસ્થિત રીતે જોડાયેલા રાખવા ( ક્લિનિકલ ઉદાહરણ : ગોઠણના દુ:ખાવાના એક્સ-રેમાં સાંધા વચ્ચેની જગ્યા ઓછી થઇ છે કે વધી છે એવું દેખાય, કે પછી “સાયનોવિઅલ ફ્લૂઈડ” એટલે કે સાંધા વચ્ચે રહેલા પ્રવાહીમાં વધ-ઘટ થાય તો વૈદ્ય તમારી ચિકિત્સામાં કફ દોષને ધ્યાનમાં રાખશે.)

- ક્ષમા – ક્ષમાશીલતા, કોઈને માફ કરી શકવાની તાકાત

- જ્ઞાન

- બલ (ક્લિનિકલ ઉદાહરણ : આયુર્વેદમાં “બલ” શબ્દનો અર્થ ઇમ્યુનિટીની નજીકનો છે. નબળી રોગપ્રતિકારક શક્તિ હોય તો કફ દોષને ધ્યાને લઈને સારવાર કરવાની હોય.)


હવે એક બહુ જ રસપ્રદ સરખામણી જુઓ. ભારતના પ્રાચીન જ્ઞાનનું એક અદ્ભુત સૂત્ર છે – यथा पिण्डे तथा ब्रह्माण्डे જેની ચર્ચા આપણે આ જ કોલમમાં પંચમહાભૂતની વાત કરતી વખતે કરી હતી. જે એક શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે. તો આ ત્રણ દોષ છે એ પણ સૃષ્ટિની ત્રણ શક્તિઓની સાથે જોડાયેલા છે. આ ત્રણ શક્તિઓ છે હવા/પવન (વાત), સૂર્ય/અગ્નિ (પિત્ત) અને ચન્દ્ર/સોમ/જલ (કફ). બહારની સૃષ્ટિમાં જે કામ પવન કરે છે (ગતિ કરાવવાનું વગેરે) એ જ કામ આપણા શરીરમાં “વાત દોષ“ કરે છે. બહારની સૃષ્ટિમાં જે કામ સૂર્ય કે અગ્નિ કરે છે (સૃષ્ટિને ઊર્જા આપવી અને ઉષ્મા-ઊર્જા એટલે કે થર્મલ એનર્જી આપીને સૃષ્ટિના વિવિધ તત્ત્વોનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવું) એ જ કામ આપણા શરીરમાં “પિત્ત દોષ” કરે છે (પાચન વગેરે). બહારની સૃષ્ટિમાં જે કામ જલ કે ચન્દ્ર કરે છે (સૃષ્ટિને સ્થિરતા આપવી, બાંધવું, સ્નેહ-શાંતિ આપવી) એ જ કામ આપણા શરીરમાં “કફ દોષ” કરે છે (સ્થિરતા, સ્નિગ્ધતા વગેરે)

તો આ છે આયુર્વેદના નહીં, પણ આપણા શરીરના ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ. આ ત્રિદોષને શરીરની ઊર્જાના આયામો સમજી શકાય. વાત દોષ એ શરીરની Kinetic Energy (ગતિ-ઊર્જા), પિત્ત દોષ એ શરીરની Thermal Energy (ઉષ્મા-ઊર્જા) અને કફ દોષ એ શરીરની Potential Energy (ક્ષમતા) નું નિયમન કરે છે એવું આની સાથે સમજી શકાય. આ ત્રણ દોષો, એમના પણ પ્રકારો અને સ્વાસ્થ્ય જાળવણીમાં અને ચિકિત્સામાં એમના મહત્વ વિષે વધુ ઊંડાણમાં આવતા લેખોમાં સમજીશું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top