શું તમે જાણો છો, શરીરની “પ્રકૃતિ” શું છે અને કેમ મહત્વની છે?

શું તમે જાણો છો, શરીરની “પ્રકૃતિ” શું છે અને કેમ મહત્વની છે?

02/22/2021 Magazine

વૈદ્ય પાર્થ ઠક્કર
આયુર્ગાથા : આયુર્વેદની જાણી-અજાણી વાતો
વૈદ્ય પાર્થ ઠક્કર
MD (Ayurved), Ayurved Medical Officer, Class-II

શું તમે જાણો છો, શરીરની “પ્રકૃતિ” શું છે અને કેમ મહત્વની છે?

આયુર્વેદમાં વ્યક્તિની “પ્રકૃતિ”ને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. આ “પ્રકૃતિ” ત્રણ દોષો એટલે કે વાત, પિત્ત અને કફ સાથે સંબંધિત છે. અત્યાર સુધીમાં આપણે ત્રિદોષ વિષે ઊંડાણપૂર્વક જોયું છે. એ ત્રણ દોષો જ શરીરની પ્રકૃતિ માટે જવાબદાર છે.

આ પ્રકૃતિ શું છે એ આજે સમજીએ. સૌથી પહેલાં તો પ્રકૃતિ શબ્દનો શાબ્દિક અર્થ જોઈએ. “પ્રકૃતિ” એટલે નેચર, કુદરત, સ્વાભાવિક સ્થિતિ અને ગતિવિધિની પેટર્ન. આ સૃષ્ટિની જે સ્વાભાવિક સ્થિતિ અને ગતિવિધિઓ છે એ પ્રકૃતિ છે. એમાં વિકૃતિ આવે એ કુદરતી આફતો છે. જેમ કે સમુદ્ર છે એ પ્રકૃતિ છે, પણ કોઈ કારણસર વાવાઝોડું, ત્સુનામી આવે એ વિકૃતિ છે. શિયાળામાં ઠંડી પડે એ પ્રકૃતિ છે પણ માવઠું થાય એ વિકૃતિ છે. એવી જ રીતે દરેક શરીરની એક સ્વાભાવિક સ્થિતિ અને ગતિવિધિ હોય છે, જે ત્રણ દોષોમાંથી કોઈ એક, બે કે ત્રણેયની પ્રધાનતા એટલે કે “ડોમિનન્સ” પર આધારિત હોય છે. એ પ્રકૃતિમાં કોઈ વિકૃતિ આવે એ જ રોગ થવાની શરૂઆત છે.

પ્રકૃતિના પ્રકાર:

પ્રકૃતિ સાત પ્રકારની હોય છે: ત્રણ એકદોષજ એટલે કે એક દોષના કારણે બનતી - (1) વાત પ્રકૃતિ, (2) પિત્ત પ્રકૃતિ, (3) કફ પ્રકૃતિ ; ત્રણ દ્વિદોષજ એટલે કે બે દોષોના સંયોગથી બનતી – (4) વાત + પિત્ત પ્રકૃતિ, (5) પિત્ત + કફ પ્રકૃતિ, (6) કફ + વાત પ્રકૃતિ ; અને એક ત્રિદોષજ (8) વાત + પિત્ત + કફ પ્રકૃતિ. એક વ્યક્તિની કઈ પ્રકૃતિ છે એ નક્કી કરવા માટે દરેક દોષ આધારિત ચોક્કસ ક્રાઇટેરિયા આપેલા છે. એ અનુસાર પ્રકૃતિ નક્કી થાય. (એ વિગતવાર આવતા લેખમાં જોઈશું.)

પ્રકૃતિ કઈ રીતે બને?

शुक्रशोणित संयोगे तु यो भवेद्दोष उत्कट:

प्रकृति: जायते तेन...   ...   ...   ...   ...   ...                    (सुश्रुतसंहिता शारीरस्थान अध्याय ४/६२)

અર્થાત્ ગર્ભની ઉત્પત્તિની પ્રક્રિયામાં પુરુષ બીજ અને સ્ત્રીબીજના મિલન સમયે દોષોની પ્રબળતા હોય એ અનુસાર પ્રકૃતિ બને છે. જેમ કે વાત દોષની પ્રબળતા હોય તો ગર્ભની વાત પ્રકૃતિ બનશે, પિત્ત દોષની પ્રબળતા હશે તો પિત્ત પ્રકૃતિ બનશે અને કફ દોષની પ્રબળતા હશે તો કફ પ્રકૃતિ બનશે. એમાં બે દોષોનું ઇન્વોલ્વમેન્ટ હશે તો દ્વિદોષજ પ્રકૃતિ બનશે.

પ્રકૃતિ કેમ મહત્વની છે અને કેટલી મહત્વની છે?

દોષો એ શરીરના ક્રિયાત્મક અને ઊર્જાના એકમો છે જે શરીરની રચના અને ક્રિયા, સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન્સ (એટલે કે એનાટોમી અને ફિઝિયોલોજિ)- બંને બાબતોનું રેગ્યુલેશન કરે છે એ આપણે વિગતવાર સમજ્યું છે. આ ત્રણેય દોષો શરીરમાં હોય જ, પણ પ્રકૃતિ અનુસાર એ દોષની પ્રબળતા હશે શરીરમાં, જે શરીરની એક ચોક્કસ પ્રકારની ટેન્ડન્સી બનાવશે, જેને આપણે સામાન્ય ભાષામાં “તાસીર” તરીકે ઓળખીએ છીએ.

એક વૈદ્ય પાસે દર્દી જાય ત્યારે સૌથી પહેલાં જે વસ્તુઓ જોવી પડે એમાં પ્રકૃતિ મોખરે આવે. એ જાણવાથી વૈદ્યને દર્દીની ઊર્જાના આયામો, એના શરીરની ઊર્જાની ક્વોલિટી તેમ જ શરીરના વિવિધ તંત્રોની કાર્યપદ્ધતિ અને ક્ષમતા અંગે મોટા ભાગનો પ્રાથમિક આઇડિયા આવી જાય.

વ્યક્તિના જીવનનું કોઈ પાસું એવું નથી જેના પર એની પ્રકૃતિનો પ્રભાવ ન હોય. શરીરનો બાંધો , વજન, દેખાવ, વિવિધ અંગો-અવયવોની ક્વોલિટી, મળક્રિયાઓ, ભૂખ, અગ્નિ, પાચનશક્તિ, શરીરના વિવિધ તંત્રોના કાર્યો, પ્રવૃત્તિ, શરીરની ક્ષમતા, તાકાત, રોગપ્રતિકારક શક્તિ, અવાજ, વાણી, માનસિકતા, યાદશક્તિ, ઊંઘ, સપના, આદતો, લાગણીઓ, મનોભાવો- આ અને આવી બીજી પણ દરેક બાબતો પર કયા દોષની પ્રબળતા વાળી પ્રકૃતિ છે એની અસર પડે છે. દરેક પ્રકૃતિના લોકોને પોતપોતાની પ્રકૃતિ મુજબ અમુક પ્રકારના રોગો થવાની શક્યતા વધારે હોય અને અમુક પ્રકારના રોગ થવાની શક્યતા ઓછી હોય. અમુક પ્રકારના રોગોમાં એની સારવાર અઘરી પડે જ્યારે અમુક પ્રકારના રોગોમાં ખૂબ સરળ થઈ જાય.

હવે પાછું પ્રકૃતિ કેમ બને છે એ યાદ કરો. ગર્ભની ઉત્પત્તિની પ્રક્રિયામાં પુરુષ બીજ અને સ્ત્રીબીજના મિલન સમયે દોષોની પ્રબળતા હોય એ અનુસાર પ્રકૃતિ બને છે. વિચારો, પુરુષ બીજ, સ્ત્રી બીજના મિલન સમયે જે દોષ વધારે ઉત્કટ હોય એ દોષ ગર્ભની પ્રકૃતિ બનાવશે, જે એને એના આખા જીવનમાં, ઉપર કહી એ દરેક બાબતોમાં પ્રભાવિત કરશે. વિચારો, સંતાન માટેનો પ્રયત્ન દોષની વ્યવસ્થિત અવસ્થા હોય ત્યારે, ઉત્તમ પ્રકૃતિ બને ગર્ભની એવા દોષો હોય એવી પરિસ્થિતિમાં પૂરી સભાનતા સાથે કરવામાં આવે તો ભવિષ્યના બાળક માટે કેટલું ઉત્તમ રહે?

એક વ્યક્તિની પ્રકૃતિ જાણવાથી નીચેની બંને બાબતો ખૂબ સરળ બને છે અને એ બંને બાબતો માટે સાચી દિશા મળે છે-

(1) સ્વાસ્થ્યની જાળવણી અને થનારા રોગનો પ્રતિકાર:

દોષો વિશેના ગયા લેખમાં આપણે જોયું કે કયા દોષનો પ્રકોપ કયા કારણ કે પરિબળના કારણે થાય છે. એ અનુસાર વ્યક્તિની જે પ્રકૃતિ હોય એ દોષનો પ્રકોપ એ વ્યક્તિને વધારે ઝડપથી અને એના પ્રકોપક કારણના થોડું, હળવું એક્સપોઝર મળે તો પણ થઈ જાય. એ વ્યક્તિ પોતાની પ્રકૃતિ અનુસાર એ દોષનો પ્રકોપ ન થાય એવું ધ્યાન આહાર-વિહારમાં રાખે, તો એનું સ્વાસ્થ્ય સરસ રહે, પ્રમાણમાં વધારે જળવાયેલું રહે. ઉદાહરણ તરીકે વાત પ્રકૃતિનો વ્યક્તિ સતત વધારે પડતી કસરત કરે, પિત્ત પ્રકૃતિનો વ્યક્તિ વધારે પડતા અંદરથી ગરમ પડે એવા આહાર લે, કે કફ પ્રકૃતિનો વ્યક્તિ વધારે પડતી આળસ કરે એ એના માટે વધારે નુકસાનકારક બને. વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે દિનચર્યા-ઋતુચર્યામાં અમુક ચોક્કસ બાબતો ઉમેરાય જે સામાન્ય રીતે બધાએ કરવાની જરૂર ન હોય. જેનું પાલન વ્યક્તિના સ્વાસ્થ્યને વધારે ઉત્તમ રાખે. ઇન શોર્ટ, વ્યક્તિની પોતાની હેલ્ધી લાઇફસ્ટાઇલ નક્કી કરવામાં પ્રકૃતિ કામ આવે.

(2) થયેલા રોગની ચિકિત્સા:

ક્યો રોગ કઈ પ્રકૃતિના વ્યક્તિને થયો છે એ અનુસાર એની ચિકિત્સામાં અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે. જેમ કે પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિ માટે અંદરથી ગરમ પડે એવા અને તીક્ષ્ણ પ્રભાવ વાળા ઔષધો/ચિકિત્સા કર્મો બહુ જરૂર ન હોય ત્યાં સુધી ઉપયુક્ત નથી. વાત પ્રકૃતિના વ્યક્તિને પચવામાં હળવા કે રુક્ષ (શુષ્ક) ગુણ ધરાવતા ઔષધ જોઈએ એવો ફાયદો નહીં કરે. કફ પ્રકૃતિના વ્યક્તિને પચવામાં બહુ ભારે હોય એવું ઔષધ ફાયદો ઓછો અને નુકસાન વધુ કરશે. એટલે ચિકિત્સા નક્કી કરવામાં પ્રકૃતિનું જ્ઞાન બહુ જરૂરી છે.

પ્રકૃતિ વિષે આટલી પ્રારંભિક સમજણ મેળવી આજે આપણે. આવતા લેખમાં ત્રણેય દોષની પ્રકૃતિ નક્કી કરવાના ક્રાઇટેરિયા અને એ પ્રકૃતિના વ્યક્તિઓના લક્ષણો વિષે જોઈશું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top