ડૉ કલાબેન પટેલની અંતિમ વિદાય! દક્ષિણ ગુજરાતના તબીબી તેમજ સહકારી ક્ષેત્રે આ નામ હંમેશા ઝળહળતું રહેશે
ડૉ કલાબેન પટેલની અંતિમ વિદાય: ગતરોજ બારડોલીના પ્રખર લોકસેવક તબીબ ડૉ કલાબેન પટેલે અંતિમ વિદાય લીધી. ડૉ કલાબેન માત્ર તબીબી પ્રેક્ટિસને કારણે જ નહિ પણ એમની લોકાભિમુખ વિચારસરણી અને એ મુજબના જીવનકવનને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખ્યાતિ પામ્યા. એમના મૃત્યુ થકી આખા પ્રદેશને પૂરી ન શકાય એવી ખોટ પડી છે. શતાયુને આરે પહોંચેલા ડૉ કલાબેન પટેલ સાંપ્રત સમયના એવા જૂજ વ્યક્તિત્વોમાં સ્થાન ધરાવતા હતા, જેમણે અંગ્રેજોનું રાજ જોયું, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો અને સ્વાતંત્ર્યોત્તર કાળમાં સાચા લોકસેવક બની રહ્યા. બારડોલીના પ્રાધ્યાપિકા ડૉ સંધ્યાબેન ભટ્ટ દ્વારા અપાયેલ માહિતીને આધારે અત્ર પ્રસ્તુત છે ડૉ કલાબેન પટેલની જીવનઝરમર.
જે જમાનામાં કન્યા શિક્ષણ એક વિરલ ઘટના ગણાતી, એ જમાનામાં કોઈ તરુણી તબીબ બનવાનું સ્વપ્ન સેવે, એ કેટલી મોટી વાત ગણાય! માત્ર પંદર વર્ષની વયે કલાબેને પરિવાર સમક્ષ તબીબ બનવાનો ઈરાદો જાહેર કરી દીધેલો. એ સમયે તો આ ઉંમરની કન્યાઓના લગ્નગીત ગવાઈ જતા, એટલે કલાબેનની મંશા જાણ્યા પછી પરિવારે સ્વાભાવિકપણે જ સખત વિરોધ કર્યો. પરંતુ મોટા ભાઈએ રાજીખુશીથી નાની બેનને સાથ આપ્યો. આખરે પરિવારે નમતું જોખ્યું અને કલાબેનને આગળ ભણવાની પરવાનગી મળી.
જો કે કારકિર્દી પ્રત્યેની સ્પષ્ટતા કામ લાગી, એ સાથે જ સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવાનો મોકો પણ ઉભો થયો. એ સમયે ભારતમાં અંગ્રેજો વિરુદ્ધ ચળવળ જોરમાં હતી. કલાબેનને એક યુવતી સાથે પત્રમૈત્રી હતી. એ યુવતી એટલે બીજું કોઈ નહિ પણ જાણીતા સાહિત્યકાર તરીકે ભારે પ્રતિષ્ઠા પામેલા કુન્દનિકાબેન કાપડિયા. કુન્દનિકા અને કલા વચ્ચે સારો મનમેળ હતો, જેના કારણે કુન્દનિકાબેનની સામાજિક નિસ્બત કલાબેન સુધી વિસ્તરી અને કલાબેને પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાનું પસંદ કર્યું. પરિણામે અભ્યાસ માટે મળતી મહારાણી ચિમનાબાઈ સ્કોલરશીપ ગુમાવવાનો વારો આવ્યો. જો કે પાછળથી મુંબઈની રુઈયા કોલેજમાં પ્રવેશ મળ્યો. એ પછી ય કારકિર્દીમાં ઘણા ચડાવ-ઉતાર અને તકલીફો આવતા રહ્યા, તેમ છતાં પોતાની ધગશને જોરે કલાબહેને 1952માં તબીબી ભણતર સફળતાપૂર્વક પૂરું કર્યું,અને અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે જોડાયા. એ પછી વાયા નવસારી અને મુંબઈ કારકિર્દી અને શિક્ષણ સમાંતરે ચાલતા રહ્યા. 1956માં એમ.ડી. થયા.
આટલું ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ જીવનસાથી મળવો મુશ્કેલ, પણ ડૉ કલાબેનને પીએચડીની ડિગ્રી મેળવ્યા બાદ સામાજિક નિસ્બત સાથે કામ કરનાર યુવાન ડૉ દયારામ પટેલનો ભેટો થયો. ગાંધી-સરદારની વિચારસરણીને વરેલા આ દંપત્તિએ પ્રજાજીવનમાં ઓતપ્રોત થઈને છેવાડાના માણવી સુધી સેવાની સરવાણી વહેવડાવવા માટે જાત નીચોવી નાખી. ડૉ દયારામે સહકારી ક્ષેત્રે તેમજ ડૉ કલાબેને તબીબી ક્ષેત્રે લોકસેવાની ધૂણી ધખાવી. ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને સંપત્તિએ ઘણા કાર્યો કર્યા. કલાબેને ‘સત્યાગ્રહ એટલે શું?’ અને ‘ખેડૂતસમાજને ઓળખો’ નામે પુસ્તિકાઓ લખીને પ્રકાશિત કરી. એ ઉપરાંત ખેડૂતવાણી’ નામે સાપ્તાહિક પણ પ્રકાશિત કર્યું.
તબીબી ક્ષેત્રે બારડોલી હોસ્પિટલથી માંડીને સાર્વજનિક દવાખાનાઓ સુધી ડૉ કલાબેને સેવાની સુવાસ પ્રસરાવી. હોસ્પિટલમાં નવા વિભાગોની શરૂઆત કરવાની હોય કે પછી બહેનોના પ્રશ્ને વડાપ્રધાન સુધીની કક્ષાએ આક્રમક રજૂઆત કરવાની હોય, એમાં ડૉ કલાબેનનો સિંહફાળો હોય જ.
1985માં ડૉ દયારામ પટેલે વિદાય લીધી. એમણી સ્મૃતિમાં કલાબેને ‘દયારામ સંસ્કૃતિ સિંચન ટ્રસ્ટ’ શરુ કર્યું. છેલ્લા ચારેક દાયકાથી ડૉ કલાબેન વેદોનો અભ્યાસ કરતા રહ્યા. તેમણે ગીતાનો સમશ્લોકી અનુવાદ આપ્યો. વેદાંતી હોવાને નાતે તેઓ પોતાના નિવાસ સ્થાને વિવિધ અધ્યાત્મમતોને લગતા પ્રવચનો ગોઠવતા રહ્યા, જેનો લાભ ગીતા, ઉપનિષદ તેમજ અન્ય શાસ્ત્રોને જાણવા માગતા અભ્યાસુઓને મળતો રહ્યો. એમના પુત્ર ડૉ અપૂર્વ પટેલ બેન્ગલોરના ‘ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ’માં રિસર્ચ પ્રોફેસર છે. તેમણે પાર્ટીકલ ફિઝીક્સમાં પીએચડી કર્યું છે. અમેરિકા અને સ્વિત્ઝરલેન્ડ જેવા દેશોની સંશોધન સંસ્થાઓમાં પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે, અને એ સાથે જ પોતાની વિશિષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિચંદ્રક પણ મેળવ્યો છે.
ડૉ કલાબેન અને ડૉ દયારામ પટેલ જેવા કર્મયોગી દંપત્તિના પ્રદાનને સમજવું હોય તો બારડોલી વિસ્તારનો છેલ્લા સો વર્ષનો ઇતિહાસ તપાસવો પડે. પોતાનું જીવનકર્મ પૂરું કરીને ડૉ કલાબેન પટેલે 10 ઓગસ્ટ, 2025ના રોજ અંતિમ શ્વાસ લીધા. પરંતુ એમના કર્મો અને અધ્યાત્મની સુવાસ આવનારી પેઢીઓ સુધી અચૂક વિસ્તરશે.
SidhiKhabar.com તરફથી સ્મૃતિશેષ વિભૂતિને વંદન
(આ લેખ માટેની સમગ્ર માહિતી જાણીતા સાહિત્યકાર અને પ્રોફેસર ડૉ સંધ્યાબેન ભટ્ટ તરફથી મળી છે. એમનો સવિશેષ આભાર.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp