ડોનાલ્ડ ટ્રમ્પને 440 વૉલ્ટનો ઝટકો! ભારતવંશીએ ન્યૂયોર્ક મેયરની ચૂંટણી જીતી
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ આપત્તિજનક વાત કહી હતી
અમેરિકાના સૌથી મોટા શહેરોમાથી એક ન્યૂયોર્કમાં એક નોંધપાત્ર ઘટના બની છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાની મેયર તરીકે ચૂંટાયા છે. તેમણે શાનદાર પ્રદર્શન સાથે મેયરની ચૂંટણી જીતી હતી. છેલ્લા 100 વર્ષમાં મમદાની ન્યૂયોર્કના સૌથી યુવા અને પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નહોતા ઇચ્છતા કે મમદાની જીતે, પરંતુ હવે ટ્રમ્પને પણ 440 વૉલ્ટનો ઝટકો લાગ્યો છે.
મમદાની માત્ર 34 વર્ષની ઉંમરે ન્યૂયોર્ક શહેરના મેયર બન્યા છે. તેઓ ચૂંટણી સર્વેક્ષણોમાં આ પદ માટે સૌથી લોકપ્રિય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા. મમદાની પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર છે અને પોતે પણ રેપર (સંગીત કલાકાર) રહી ચૂક્યા છે. તેમનો જન્મ યુગાન્ડાના કમ્પાલામાં થયો હતો. જોકે, તેઓ 7 વર્ષની ઉંમરે ન્યૂયોર્ક જતાં રહ્યા હતા અને અહીના નાગરિક બન્યા. મમદાનીના વિવાદાસ્પદ નિવેદનો માટે ખૂબ ચર્ચામાં રહ્યા છે. તેમણે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ વાંધાજનક નિવેદનો આપ્યા હતા.
ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં મમદાની સાથે અન્ય બે ઉમેદવારો મેદાનમાં હતા. ન્યૂયોર્કના પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જોકે તેઓ અગાઉ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય હતા. રિપબ્લિકન પાર્ટીએ પણ કર્ટિસ સ્લિવાને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ કુઓમો અને કર્ટિસને નિરાશ મળી. બંને ઉમેદવારો મતદાન સર્વેમાં પાછળ ચાલી રહ્યા હતા.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મમદાનીને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું કે, ‘જીતનારા તમામ ડેમોક્રેટિક ઉમેદવારોને અભિનંદન. આ એ વાતને સાબિત કરે છે કે જ્યારે આપણી પાસે મજબૂત અને દૂરંદેશી નેતાઓ હોય છે જેઓ એ મુદ્દાઓની ચિંતા કરે છે તો આપણે જીતી શકીએ છીએ. આપણી પાસે હજુ ઘણું કામ કરવાનું બાકી છે, પરંતુ ભવિષ્ય હવે ઉજ્જવળ દેખાય છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp