10/07/2020
દરેક નાની-મોટી કંપનીનું વાર્ષિક ઓડિટ થાય છે. પણ હવે એવું નથી લાગતું કે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ‘તળિયાઝાટક ઓડિટ’ કરવાનો સમય પાકી ગયો છે?
પ્રશ્નને જરા વિગતે સમજીએ. આજે બોલીવુડ (bollywood) ફિલ્મ ઇન્ડસ્ટ્રી આશરે નવ દાયકા વટાવી ચૂકી છે! ભારતીય સમાજ પર સૌથી વધુ અસર કરતાં પરિબળો પૈકીનું એક અને સૌથી સબળ માધ્યમ જો કોઈ હોય તો એ છે બોલીવુડ. જ્યાં સરખા વીજળી-પાણી નથી પહોંચ્યા એવા ગામડાઓ સુધી પણ બોલીવુડની અસર પહોંચી છે. આવા દુર્ગમ પ્રદેશના લોકો પણ એક્ટર-એક્ટ્રેસીસના દીવાના છે. બોલીવુડ સ્ટાર્સ વિશેનું આપણી પ્રજાનું ગાંડપણ આલા દરજ્જાનું છે. આજના ઓટીટી પ્લેટફોર્મ્સના જમાનામાં પણ ભારતવર્ષમાં એવા રસિકજનો મળી આવશે, જે ટિકિટના પૈસા ભેગા કરવા માટે થોડા દિવસો એક ટાઈમ ભૂખ વેઠી લેવા તૈયાર હોય! આ જનતાનો પ્રેમ છે, જે ફિલ્મમાં કામ કરનારા કલાકારને ફર્શ(જમીન)થી ઊંચકીને અર્શ(આસમાન) સુધી પહોંચાડે છે!
અને જનતા સાવ નિ:સ્વાર્થ ભાવે પ્રેમ આપતી હોય, એની સામે આ કલાકારો–ફિલ્મ ઇન્ડસ્ટ્રી જનતાને શું આપે છે? હજારો કરોડમાં આળોટતી આ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીના ‘હિસાબી ચોપડા’ વિષે હવે ચર્ચા થવી જોઈએ એવું નથી લાગતું?