બોલીવુડ : ડ્રગ્સ, સેક્સ અને દગાથી ખદબદતી માયાનગરીના ‘ઓડિટ’નો સમય પાકી ગયો છે!

બોલીવુડ : ડ્રગ્સ, સેક્સ અને દગાથી ખદબદતી માયાનગરીના ‘ઓડિટ’નો સમય પાકી ગયો છે!

10/07/2020 Magazine

મહેશ પુરોહિત
જબ કોઈ બાત બિગડ જાયે
મહેશ પુરોહિત
શિક્ષક, વિચારક

બોલીવુડ : ડ્રગ્સ, સેક્સ અને દગાથી ખદબદતી માયાનગરીના ‘ઓડિટ’નો સમય પાકી ગયો છે!

દરેક નાની-મોટી કંપનીનું વાર્ષિક ઓડિટ થાય છે. પણ હવે એવું નથી લાગતું કે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ‘તળિયાઝાટક ઓડિટ’ કરવાનો સમય પાકી ગયો છે?

પ્રશ્નને જરા વિગતે સમજીએ. આજે બોલીવુડ (bollywood) ફિલ્મ ઇન્ડસ્ટ્રી આશરે નવ દાયકા વટાવી ચૂકી છે! ભારતીય સમાજ પર સૌથી વધુ અસર કરતાં પરિબળો પૈકીનું એક અને સૌથી સબળ માધ્યમ જો કોઈ હોય તો એ છે બોલીવુડ. જ્યાં સરખા વીજળી-પાણી નથી પહોંચ્યા એવા ગામડાઓ સુધી પણ બોલીવુડની અસર પહોંચી છે. આવા દુર્ગમ પ્રદેશના લોકો પણ એક્ટર-એક્ટ્રેસીસના દીવાના છે. બોલીવુડ સ્ટાર્સ વિશેનું આપણી પ્રજાનું ગાંડપણ આલા દરજ્જાનું છે. આજના ઓટીટી પ્લેટફોર્મ્સના જમાનામાં પણ ભારતવર્ષમાં એવા રસિકજનો મળી આવશે, જે ટિકિટના પૈસા ભેગા કરવા માટે થોડા દિવસો એક ટાઈમ ભૂખ વેઠી લેવા તૈયાર હોય! આ જનતાનો પ્રેમ છે, જે ફિલ્મમાં કામ કરનારા કલાકારને ફર્શ(જમીન)થી ઊંચકીને અર્શ(આસમાન) સુધી પહોંચાડે છે!

અને જનતા સાવ નિ:સ્વાર્થ ભાવે પ્રેમ આપતી હોય, એની સામે આ કલાકારો–ફિલ્મ ઇન્ડસ્ટ્રી જનતાને શું આપે છે? હજારો કરોડમાં આળોટતી આ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીના ‘હિસાબી ચોપડા’ વિષે હવે ચર્ચા થવી જોઈએ એવું નથી લાગતું?


અત્યાર સુધી જનતાએ મોટે ભાગે બોલીવુડનો રૂપેરી ચહેરો જોયો છે, અને એના નકલી ચળકાટ પર આફરીન... આફરીન કર્યું છે! પણ હવે સમયની માંગ એ છે કે આ રૂપેરી ચળકાટ પાછળના બદબૂદાર ચહેરા વિષે પણ વાત થાય! ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તાર અન્ડરવર્લ્ડ, ડ્રગ્સ અને દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયા હોય, ત્યારે તો ખાસ! બની શકે કે બોલીવુડ વિષે ખાંડ જેવી મીઠી મીઠી વાતો સાંભળવા ટેવાયેલા લોકોને મારો આ લેખ લીમડા જેવો કડવો લાગે. પણ ધ્યાન રાખજો, ખાંડ ધીમું ઝેર છે, જ્યારે કડવો લીમડો જંતુઓનો નાશ કરે છે અને સ્વાસ્થ્ય માટે ઉપકારક છે! આગળ વાંચવું કે નહિ એ આ ક્ષણે જ નક્કી કરી લેજો. ચોઈસ ઇઝ યોર્સ!


સૌથી પહેલા ફિલ્મોના વિષય વિષે વાત થવી જોઈએ.

અહીં દાઉદ ઈબ્રાહીમ, હાજી મસ્તાન જેવા દાણચોરોના જીવન પરથી તો ઢગલો ફિલ્મો બની ગઈ, પણ સરદાર પટેલના જીવન પરથી ફિલ્મ ઉતારવા માટે ફાળો ઉઘરાવવો પડેલો! અરે જે મહાત્મા ગાંધીને રાજકારણીઓએ પૂરેપૂરા વટાવી ખાધા છે, એમના જીવન પરથી ફિલ્મ બોલીવુડે નહિ પણ એક વિદેશી ડાયરેક્ટરે બનાવેલી! બીજી તરફ દાઉદની બહેન હસીના પાર્કર ઉપર ફિલ્મ બનાવનારને ક્યારેય ફંડિંગની સમસ્યા નડી નથી!


કેટલાય પરમવીરચક્ર વિજેતાઓ, કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ-સમાજ માટે જાત ઘસી નાખનારા સમાજસેવકો ઇતિહાસના પાનામાં ધૂળ ખાઈ રહ્યા છે, અને બોલીવુડ ભારતના થિયેટરોમાં હસીના પારકરનું ઈમેજ બિલ્ડીંગ કરી રહ્યું છે! હોલીવુડ યુધ્ધના શૌર્ય અને ગૌરવાન્વિત કથાઓને આલેખતી અનેક ક્લાસિક ફિલ્મો પીરસતું રહ્યું છે. પણ આપણું બોલીવુડ કેટલી યુદ્ધકથાઓ બનાવી શક્યું? કોંગ્રેસ સાથે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને દાયકાઓ જુના સુંવાળા સંબંધો હતા. તેમ છતાં એક્કેય પ્રોડ્યુસર-ડાયરેક્ટરને એવો વિચાર ન આવ્યો કે પાકિસ્તાનના ટુકડા કરીને બાંગ્લાદેશને જન્મ આપનાર લોખંડી મહિલા ઇન્દિરા ગાંધી ઉપર ફિલ્મ બનાવે? રાજકીય વાંધા-વિરોધ-મુદ્દાઓ બાજુએ મૂકીને સરખામણી કરો તો કોનું પલ્લું નમે? ઇન્દિરા ગાંધીનું કે હસીના પારકરનું?


હજી ઐતિહાસિક-પૌરાણિક કથાઓ અને એના પાત્રો વિષે તો આપણે વાત જ નથી કરી હોં! બાકી જોધા-અકબરમાં ‘અવાસ્તવિક પ્રેમ’ને ગ્લોરિફાય અને જસ્ટીફાય કરવામાં જેટલી મહેનત કરી, એનાથી ઓછી મહેનતે વીર શિવાજી પરથી ‘બાહુબલી’ પ્રકારનું એક ધમાકેદાર મેઈન સ્ટ્રીમ મુવી બની શકે એમ છે! ૪૦-૪૦ યુધ્ધો જીતનાર બાજીરાવ પર ફિલ્મ બને, પણ એનો વિષય હોય એક અવાસ્તવિક પ્રેમકથા! હદ છે ને યાર!


ફિલ્મના વિષય પછી બીજો મહત્વનો મુદ્દો છે ધાર્મિક અને સાંકૃતિક એન્ગલનો!

છેલ્લા કેટલાક દાયકાઓથી (બોલીવુડ અન્ડરવર્લ્ડના પ્રભાવમાં આવ્યું ત્યારથી) સાંસ્કૃતિક માધ્યમ ગણાતી આપણી મોટા ભાગની ફિલ્મોએ પ્રજાને મૂળ ભારતીય સંસ્કૃતિથી વિમુખ કરવાનું જ કાર્ય કર્યું હોય, એવું સ્પષ્ટ જણાઈ આવે છે. અહીં હીરો-હિરોઈન બન્ને હિંદુ હોવા છતાં એમના લગ્ન ચર્ચમાં થતા હોય, એવું દ્રશ્ય પૂરી બેશરમી સાથે દેખાડવામાં આવે છે! તમામ મુખ્ય પાત્રો હિંદુ હોવા છતાં ગીતના શબ્દોમાં ‘મૌલા મેરે મૌલા’ની ભરમાર હોય! અહીં બીજા ધર્મોનો કોઈ વિરોધ નથી, પણ થોડું તો લોજીકલ હોવું જોઈએ કે નહિ?! બોલીવુડે હંમેશા ‘ભ્રષ્ટ’ વાણિયો, ‘પાખંડી’ બ્રાહ્મણ અને ‘વ્યભિચારી’ ઠાકુર જ બતાવ્યા! ચાલો વાંધો નહિ! ભલે બતાવ્યા પણ મને સવાલ એમ થાય કે ફક્ત એક ફિલ્મ એવી બતાવી શકો જેમાં મૌલવી કે પાદરી બળાત્કારી હોય?! હકીકતમાં અનેક મૌલવીઓ અને પાદરીઓના બળાત્કાર સહિતના જાતીય દુરાચારો છાપે ચડી ચૂક્યા છે, એટલે એ વિષે અહીં સાબિતીની કોઈ આવશ્યકતા નથી. પણ આપણી ફિલ્મો એ વિષે ક્યારેય હરફ નથી ઉચ્ચારતી!


સાંસ્કૃતિક એન્ગલ વિષે તો શું લખવું! આખો એક અલગ લેખ લંબાણથી લખવો પડે! કાલીદાસ અને ભર્તૃહરિના આ દેશ શૃંગારરસની કોઈ નવાઈ નથી. કામસૂત્ર હોય કે અજંટા-ઈલોરાની ગુફાઓ હોય, ભારતીય માનસ હમેશા ઉચ્ચ કક્ષાના શ્રુંગારરસનો સ્વીકાર કરતું રહ્યું છે. પણ બોલીવુડે પ્રેમનું એવી રીતે ચિત્રણ કર્યું કે નવી પેઢીના દિમાગમાંથી રોમાંસ અને સેક્સ વચ્ચેનો તફાવત જ ભૂંસાઈ ગયો છે! બોલીવુડે આપણા યુવાનોમાં એવા કુસંસ્કાર સિંચ્યા છે કે હવે અંગત સંબંધોમાં (શારીરિક) ‘ઉપભોક્તાવાદ’ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. પરિણામે જાતીય હિંસાથી માંડીને ડિપ્રેશન અને આત્મહત્યાના બનાવોમાં ઉછાળો આવ્યો છે. ફિલ્મોના સ્ત્રી પાત્રો એ હદે બિનજરૂરી અંગપ્રદર્શન કરે છે કે હવે આપણા નાના ના શહેરોમાં વસ્તી ટીન એજર્સ દીકરીઓ માટે પણ શરીરનું પ્રદર્શન કરે એવા સ્કર્ટ્સ-શોર્ટ્સ ‘ન્યૂ નોર્મલ’ છે. ‘સેક્સી’ દેખાવા અંગે નવી પેઢી એ હદે સભાન છે કે પોતે જ પોતાની જાતને એક ‘ઓબ્જેક્ટ’ તરીકે રજૂ કરી નાખે છે!


(વસ્ત્રો પહેરવાની સ્વતંત્રતા અને અંગત અભિવ્યક્તિ એ આખો જુદો વિષય છે, જેની ચર્ચા ફરી ક્યારેક.)  


હવે વાત બહુ ગાજેલા મુદ્દાની, એટલે કે ‘નેપોટિઝમ’ની!

દરેક બિઝનેસમેન એવું ઈચ્છે છે કે એનો દીકરો એના ધંધામાં આવે. અરે ડોક્ટર, સીએ, વકીલ જેવા પ્રોફેશનલ્સ પણ આવું જ ઈચ્છે છે કે એમના સંતાનો એમના ફિલ્ડમાં આવે. પણ એનો અર્થ એવો જરાય નથી થતો, કે પોતાના સંતાનોને આગળ લાવવા માટે કોઈક હોનહારરની કેરિયર બરબાદ કરવી! કંગના બોલીને બૂરી બની છે, બાકી એવા અનેક કલાકારો છે, જેમની કેરિયર જામી પડેલા લોકો ખાઈ ગયા! અહીં નેપોટિઝમ કરતા ય વધુ વિકરાળ મુદ્દો ‘લોબી’નો છે. ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે તમારે કોઈને કોઈ લોબીમાં ઘૂસવું રહેવું પડે છે. એ લોબીના ‘બડે ભાઈલોગ’નો વિશ્વાસ જીતવો પડે છે. અને સ્વાભાવિક રીતે જ એના માટે જે-તે લોબીના મોટા માથાને ‘ખુશ’ કરવા પડે છે! અહીં ‘રાજી રાખવા’ કે ‘ખુશ કરવા’નો મતલબ શું થાય, એ નહિ સમજીએ એટલા નાદાન તો આપણે નથી જ! શું થયું પરવીન બાબીનું? એ સ્ત્રીએ જે અત્યાચારો વેઠ્યા એ નરકની યાતનાથી કમ નહોતા!


ઝિન્નત અમાન તો હીટ હિરોઈન હતી... એના એક સમયના પતિ સંજય ખાને (યસ યસ.... એજ, જેણે ટીપુ સુલતાનની સીરીયલમાં લીડ રોલ કરેલો)  એક પાર્ટીમાં એના પર હુમલો કર્યો અને એટલા ઝનૂનથી ઝિન્નતની પીટાઈ કરવામાં આવી કે ઝિન્નતનો ચહેરો હંમેશ માટે બગડી ગયો! આજેય એની એક આંખ ઝુકેલી જ રહે છે. કેટલાય લોકો એ પાર્ટીમાં હાજર હતા પણ સંજય ખાન સામે કોણ બોલે? ક્યાં ગયેલા એ સમયે પેલા ચીબાવલા ફેમિનિસ્ટો?! ક્યાં હતી મીણબત્તી ગેંગ? આજે તૈમુરના બાળોતિયામાં કેટલા દોરા છે અને અનુષ્કાનો બેબી બમ્પ કેવડો થયો એની વિગતો આપતા પત્તરકારો કેમ આજની તારીખે ય ઝિન્નત અમાનનો ઇન્ટરવ્યુ લઈને આ બધી વાતો નથી પૂછતા?!

સલમાને જ્યારે ઐશ્વર્યાની હેરાનગતિ ચાલુ કરી ત્યારે એ સમયના ઐશ્વર્યાના પ્રેમી વિવેકે પ્રેસ કોન્ફરન્સ કરીને આખી વાત મિડીયા સમક્ષ મૂકેલી! પછી શું થયું? કોઈ ‘જાગૃત પત્રકાર’ ગયો ‘ભાઈ’ને પ્રશ્ન પૂછવા? ઉલટાનું વિવેકની કેરિયર પાટા પરથી ઉતરી ગઈ! ગુલશન કુમારની હત્યા, ‘કહોના પ્યાર હૈ’ની સફળતા પછી રાકેશ રોશન પર થયેલો ખૂની હુમલો... આ બધા પાછળ કોણ છે? આજ સલમાનખાનના અન્ડરવર્લ્ડ સાથેની વાતચીતના ટેપ થયેલા કેટલાય ફોન કોલ્સ આજની તારીખે ય મુંબઈ પોલીસની આર્કાઈવ્ઝમાં પડ્યા પડ્યા સડતા હોય તો નવાઈ નહિ!


અને સૌથી મહત્વનો મુદ્દો છે ડ્રગ્સ અને સેક્સ!

અત્યારે જે કંઈ સમાચાર જોઈએ છીએ, એના પરથી એટલું તો સ્પષ્ટ છે કે આગ લાગ્યા વિના આટલો બધો ધૂમાડો ન જ નીકળ્યો હોય! આજની નહિ પણ વર્ષો જૂની હકીકત એ છે કે બોલીવુડના અનેક કલાકારો ડ્રગ્સ (Drugs) લેતા રહ્યા છે!  થોડા સમય પહેલા નસીરુદ્દીન શાહે અનુપમ ખેર વિષે કંઈક અનાપ-શનાપ વાત કરેલી ત્યારે અનુપમે ઠંડે કલેજે જવાબ વાળતા કહેલું કે “મને ખબર છે, તમે આ બધું એવા પદાર્થને કારણે બોલી રહ્યા છો, જેનું તમે વર્ષોથી સેવન કરો છો!” અહીં અનુપમનો ઈશારો સાફ હતો! ખરેખર ઉડતા પંજાબ કરતાં અનેકગણો વધારે મસાલો મળી આવે જો કોઈ પુરી પ્રામાણિકતા સાથે ‘ઉડતા બોલીવુડ’ ફિલ્મ બનાવે.


ડ્રગ્સના કારોબાર અને બ્લેકમાર્કેટના અઢળક નાણાવ્યવહારો વચ્ચે ‘સેક્સ’નું ગ્લેમર ન હોય તો જ નવાઈ. બોલીવુડના સેક્સ (sex) સ્કેન્ડલ્સ પરથી ય ચાર-પાંચ ફિલ્મોની સિરીઝ બને એમ છે! મહેશ ભટ્ટ જેવા ‘લાભાર્થી’ પાસે એની પટકથા લખાવવી જોઈએ! લાલચ, સ્ટારડમની ભૂખ અને એક મકામ હાંસિલ કરવાના ચક્કરમાં કેટલાય જીવન સેક્સની આગમાં હોમાઇને નરકભેગા થઇ ગયા હશે! અન્ડરવર્લ્ડને હિરોઈન્સમાં આટલો રસ બીજા કયા કારણોસર પડતો હશે ભલા? મંદાકિનીથી માંડીને મમતા કુલકર્ણીના ગેન્ગસ્ટર્સ સાથેના સંબંધો શું સૂચવે છે? બી અને સી ગ્રેડની કેટલીય ‘એકટ્રેસો’ એક્ટિંગ સિવાયની ઈતર પ્રવૃત્તિઓમાં એટલી બધી લિપ્ત છે કે એમણે થોડા થોડા દિવસે દુબઈ સહિતના દેશોની ટ્રીપ મારવી પડે છે!


તમને શું લાગે છે? આ હિરોઈનોનો સમ્પર્ક અન્ડરવર્લ્ડના ગેન્ગસ્ટર્સ સાથે કઈ રીતે થાય છે? એવું નથી લાગતું કે બોલીવુડના જ કેટલાક માંધાતાઓ આમાં ‘દલાલ’ની ભૂમિકા તો નથી ભજવતાને?! મહેશ ભટ્ટ જેવાઓ શા માટે વારંવાર કોઈને કોઈ દેશવિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જોવા મળે છે? (મુંબઈમાં કસાબ આણી મંડળીએ કરેલા હુમલાના કેસ વિશેની વિગતો ઈન્ટરનેટ પરથી મળશે. એમાં ‘મહેશ ભટ્ટ કનેક્શન’ વિષે પૂરતી માહિતી મળી રહેશે.)


ટૂંકમાં, સાંયોગિક દ્રષ્ટિએ વિચારતા એવો કોઈ ગુનો નથી, જે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં થતો ન હોય! દેશની પ્રજાએ આપેલા બેહિસાબ પ્રેમ સામે જો તમારી ઇન્ડસ્ટ્રી દેશદ્રોહીઓ સાથે સંકળાઈને ડ્રગ્સ અને સેક્સના ખેલ પાડતી હોય, તો શું એ દેશની પ્રજા સાથેનો દગો નથી?!

અને એટલે જ લાગે છે, કે હવે બોલીવુડનું તલસ્પર્શી ‘ઓડિટ’ કરવાનો સમય આવી ગયો છે, જેથી કચરો વીણીવીણીને બહાર ફેંકી શકાય અને ફિલ્મો ખરા અર્થમાં સાંસ્કૃતિક ધરોહર અને નિર્ભેળ મનોરંજન પીરસતું માધ્યમ બની રહે.

અંતે જેકી ચેને એકવાર સ્ટેટમેન્ટ આપેલું, ‘હુ કલાકાર છું, પણ એના પહેલા સામાજિક રીતે જવાબદાર વ્યક્તિ પણ છું!’

જયહિન્દ! નટસમ્રાટનો જય હો!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top