રાજસ્થાનની આ વિરાંગના વૃક્ષો બચાવવા માટે પોતાનો જીવ આપતા પણ ના ખચકાઈ!

રાજસ્થાનની આ વિરાંગના વૃક્ષો બચાવવા માટે પોતાનો જીવ આપતા પણ ના ખચકાઈ!

10/04/2020 Magazine

કનુ યોગી
વનવગડાની વાટે
કનુ યોગી
પ્રોજેક્ટ ઓફીસર - ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ

રાજસ્થાનની આ વિરાંગના વૃક્ષો બચાવવા માટે પોતાનો જીવ આપતા પણ ના ખચકાઈ!

અત્યારે વૃક્ષોને બચાવવા માટે આંદોલન કે આ કૃત્યનો વિરોધ કરવા માટે ભલે ઓછી સંખ્યામાં પણ લોકો એકત્ર થાય છે ત્યારે દિલને એટલી તો ટાઢક જરૂર થાય છે કે વૃક્ષોની હત્યા માટે જીવ બાળનારા કોઈક તો આપણી વચ્ચે હજુય જીવી રહ્યા છે.

પણ વૃક્ષોને બચાવવા જ્યારે એક મોટો સમુદાય આગળ આવીને મોતને પણ વહાલું કરી નાખે તેવી ઘટના વિશે જાણવામાં આવે ત્યારે તો હૃદય હચમચી જાય છે.

જોધપુરથી આશરે ૨૦ કિ.મી. દૂર આવેલું નાનકડું પણ રળિયામણું ગામ તે ખેજડી. કેટલાક તેને ખેજલડીના નામે પણ ઓળખે. અહીં ખીજડાનાં વૃક્ષો વધુ પ્રમાણમાં હોવાથી આ ગામનું નામ ખેજડી પડ્યું હશે તેવી માન્યતા છે. ગામમાં બિશ્નોઈ પરિવારોની મોટી વસ્તી.  ગામમાં છોડ, વૃક્ષો, પ્રાણીઓનું આ પરિવારો ખુબ ધ્યાન રાખે. બકરી, હરણ, મોર વગેરે પણ અહીં મુક્તપણે વિહરે. ગામ લોકો સાથે તેઓનું ઘનિષ્ઠ તાદાત્મ્ય હતું.

આ ગામમાં અમૃતાદેવી નામની એક બાળકીને વૃક્ષો, હરણ અને બીજા પ્રાણીઓ ખુબ ગમતાં. તે રોજ સવારે વહેલા ઉઠીને પોતાના મિત્ર સમાન વૃક્ષો પાસે જઈને વૃક્ષના થડને ભેટી પડતી અને કહેતી – મિત્રો તમે ખુબ જ મજબૂત અને સુંદર છો. તમે અમારી કાળજી લો છો. તમારો ખુબ ખુબ આભાર. હું તમને ખુબ જ પ્રેમ કરું છું. તમારી તાકાત મને આપો.અમૃતાની જેમ બીજા બાળકો પણ રોજ નવાં ઝાડ પાસે જતાં અને ભેટીને પછી રમતો રમતાં.

આ તો થઈ બાળપણની વાત. સમય પસાર થતો ગયો અને અમૃતા મોટી થઈ ગઈ. તેનો રોજ સવારે વૃક્ષો પાસે જવાનો ક્રમ તો ચાલુ જ હતો.

વર્ષ ૧૭૮૭ માં જોધપુર (મારવાડ રાજ્ય) ના મહારાજા અભયસિંહને વિચાર આવ્યો કે હું મહેરગઢમાં એક સુંદર મજાનો ‘‘ફૂલ મહેલ’’ બનાવું. પછી તો રાજાનો આદેશ થયો અને તંત્ર કામે લાગી ગયું. રાજાના માણસોએ જોયું કે મહેલ નિર્માણ માટે ચુનો તૈયાર કરવા માટે મોટા જથ્થામાં લાકડા જોઈશે અને લાકડા માટે ખેજડી ખુબ નજીક અને વૃક્ષોથી સમૃદ્ધ હતું. રાજાની આજ્ઞા મળતાં જ તંત્રના માણસો ખેજડી ગામે પહોંચી ગયા.


અમૃતાએ તંત્રને રોકવા ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ તેની વાત માનવા તૈયાર ન થતાં તે દોડીને ઝાડ પાસે ગઈ અને થડને પોતાના હાથ વડે સખત ચીપકીને ભેટી પડી. પેલા માણસોએ બૂમો પાડીને ધમકી આપી કે ‘તું આવું ના કર.’ પણ અમૃતા ટસની મસ ના થઈ. બિશ્નોઈ જ્ઞાતિમાં ખીજડાના વૃક્ષને ખુબ પવિત્ર ગણવામાં આવે છે અને તેને કાપવાની સખ્ત મનાઈ હોવાથી અમૃતા ઝાડને બચાવવા કંઈ પણ કરવા તૈયાર હતી. રાજાના માણસોને આજ્ઞાનું પાલન કરવાનું હતું. તેથી અમૃતા ઝાડથી વિખુટી ના પડતાં તેને અને વૃક્ષને તેમણે કાપી નાખ્યાં.

અમૃતા દેવીની જેમ જ આસુ, રત્ની અને ભાગુ નામની ત્રણ કન્યાઓ પણ વૃક્ષને બચાવવા વૃક્ષો પાસે દોડી ગઈ અને તેમની પણ હત્યા કરવામાં આવી.


અમૃતા અને ૩ દિકરીઓની હત્યાના સમાચાર આસપાસના ગામોમાં ફેલાઈ ગયા અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયાં. ૬૦ ગામોના ૨૧૭ પરિવારોના ૨૯૪ પુરૂષો અને ૬૫ સ્ત્રીઓએ ભેગા મળીને વિરોધ કરવા ઘેરો ઘાલ્યો. આ બધા જ લોકો ઝાડને પકડીને ઉભા રહી ગયા અને રાજાના માણસોએ એક પછી એક એમ બધાંને મારી નાખ્યા. એકી સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવાના સમાચાર મહારાજા સુધી પહોંચ્યા તો તેઓએ તુરંત પોતાના માણસોને પરત બોલાવી લીધા અને પોતે જાતે ખેજડી ગામની મુલાકાતે આવ્યા અને લોકોનો પશુઓ તથા વૃક્ષો પ્રત્યેનો પ્રેમ – લાગણી જોઈ અભિભૂત થઈ ગયા. પછી જોધપુર જઈ તેમણે આદેશ કર્યો કે ‘હવેથી આ વિસ્તારમાંથી ક્યારેય કોઈ જ ઝાડ નહીં, કપાય અને કોઈપણ પ્રાણીને હેરાન નહીં કરાય.’

રાજાને ખેજડીમાંથી લોકો દ્વારા એ પણ જાણવા મળ્યું કે ‘ગામના વડીલો એમ કહેતા હતા કે જો વૃક્ષો નથી તો આપણે નથી. વનસ્પતિઓ અને પ્રાણીઓ આપણા વિના રહી શકશે, પણ આપણે તેમના વિના રહી શકીશું નહીં. 

ખેજડી ગામમાં જ્યારે વૃક્ષો સાથે માનવીઓની પણ હત્યા થઈ તે દિવસ હતો ભાદરવા સુદ દશમનો.

આ દિવસને બલિદાન દિવસના રૂપમાં ખેજડી ગામના લોકો મનાવે છે. આ દિવસે મેળો ભરાય છે. અહીં શહિદોનું એક સ્મારક બનાવવામાં આવ્યું છે અને વનક્ષેત્રનો વિકાસ પણ કરવામાં આવ્યો છે. મેળામાં હજારો શ્રધ્ધાળુઓ આવે છે અને શહિદ થનારાઓને યાદ કરીને શ્રધ્ધા સુમન અર્પણ કરે છે.


આજે ૩૦૦ ઉપરાંત વર્ષોનાં વહાણાં વીતી ગયા બાદ પણ બિશ્નોઇ પરિવારો વૃક્ષો અને પ્રાણીઓને સ્નેહથી સાચવે છે. રણના મધ્ય ભાગમાં પણ આ વૃક્ષોને કારણે આ વિસ્તાર લીલો દેખાય છે અને પ્રાણીઓ ભયમુક્ત રીતે વિહરે છે. જોધપુર નગરમાં બાંસની ઓવરબ્રીજ પાસે આવેલ પાર્કને ' શહીદ અમૃતાદેવી બિશ્નોઇ પાર્ક ' નામ આપવામાં આવ્યું છે. અમૃતાદેવી વિશે નાની લઘુ ફિલ્મો પણ બનાવવામાં આવેલ છે. રાજસ્થાનના શિક્ષણ વિભાગે અમૃતાદેવીના બલિદાનનો એક પાઠ પણ અભ્યાસક્રમમાં દાખલ કરેલ છે .


ખીજડો એ રાજસ્થાનના રણપ્રદેશનું ઝાડ છે. જેને સંસ્કૃતમાં ‘શમી વૃક્ષ’ કહે છે અને તેનું વૈજ્ઞાનિક નામ Prosopis cineraria છે. સુકા અને વેરાન પ્રદેશમાં આ વૃક્ષ વધુ થાય છે. રાજસ્થાનના રેગિસ્તાનને લીલુ રાખવામાં આ વૃક્ષનો મોટો ફાળો છે. તેના વૃક્ષ પર લાગતી સાંગરી (શીંગો) શાક બનાવવામાં વપરાય છે જ્યારે વૃક્ષનાં પાનથી બકરીઓને પોષક આહાર મળે છે. આથી ખીજડો આર્થિક રીતે ઉપયોગી વૃક્ષ છે. પાંચ તારક હોટલોમાં પણ સાંગરીનું શાક ઉંચી કિંમતે પીરસવામાં આવે છે. તેમજ રેગિસ્તાનના ગ્રામિણોનો તે મહત્વનો અને પૌષ્ટિક ખોરાક છે. તેની સુકી શીંગો પણ ખાઇ શકાય છે, જે બિસ્કીટ જેવો સ્વાદ ધરાવે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ તેના ઝાડ સારી એવી સંખ્યામાં જોવા મળે છે.

ભારત સરકારશ્રી તરફથી અમૃતાદેવી અને તેના સાથીદારોની યાદમાં વૃક્ષોને બચાવવા માટે આપેલ બલિદાનની યાદગીરી સ્વરૂપે “અમૃતાદેવી બિશ્નોઇ એવોર્ડ” ૨૦૦૧ થી વ્યક્તિગત અને સંસ્થાઓને આપવામાં આવે છે. સૌ પ્રથમ એવોર્ડ જોધપુર પાસેના ચિરાલ ગામના ગંગારામ બિશ્નોઇને વાઇલ્ડ લાઇફ કન્ઝરવેશન માટે એનાયત થયો હતો. પ્રતિ વર્ષ અન્ય જીવને બચાવવા અદમ્ય સાહસિકતાનો પરિચય આપનારાઓને ૧ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આ એવોર્ડ અંતર્ગત આપવામાં આવે છે.

પ્રકૃતિ બોધ:-

તરૂવર, સરોવર, સંતજન, ચોથા વર્ષે મેહ

પરમાર્થ   કે   કારણ  ચારોં  દરિયો  દેહ    

                                    - સંત કબીર


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top