એ આદિવાસીએ એક ખાસ વનસ્પતિના રસના ટીપાં નાખ્યા કે થોડી જ વારમાં દૂધમાંથી દહીં બની ગયું!

એ આદિવાસીએ એક ખાસ વનસ્પતિના રસના ટીપાં નાખ્યા કે થોડી જ વારમાં દૂધમાંથી દહીં બની ગયું!

10/25/2020 Magazine

કનુ યોગી
વનવગડાની વાટે
કનુ યોગી
પ્રોજેક્ટ ઓફીસર - ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ

એ આદિવાસીએ એક ખાસ વનસ્પતિના રસના ટીપાં નાખ્યા કે થોડી જ વારમાં દૂધમાંથી દહીં બની ગયું!

પોતાની ધૂનમાં મસ્ત રહીને કુદરતના ખોળે ભમવું અને તેની લીલાઓને મન ભરીને માણવી તે જાણે કે આદિવાસી સમાજની ગળથૂથીમાં જ વણાઈ ગયું છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જીલ્લાના આદિવાસી પહાડી વિસ્તારમાં આ લખનારને વિચરણ કરવાનું થયુ ત્યારે તો અચંબામાં પડી જવાયું. કેટકેટલી કળાઓ તેમનામાં પડી છે તે જાણીને સૌ કોઈને નવાઈ લાગે તેટલું વૈવિધ્ય તેમનામાં છે. સંગીત, જડીબુટ્ટીવિદ્યા, નૃત્યકલા, ચિત્રકલા, વિવિધ પ્રસંગે ગવાતાં ગીતો, તેના માર્મિક અર્થો, પહેરવેશ, છુંદણાં, દાગીના-ઘરેણાં.... આ બધા વિશે જાણવું ખુબ રોમાંચક બની જાય છે.

સવારે આદિવાસી પુરૂષ બકરાં અને અન્ય ઢોર લઈને ચરાવવા માટે જંગલમાં નિકળી પડે. તેના હાથમાં પાવો અને ખભા પર રૂમાલમાં મકાઈનો રોટલો બાંધેલો હોય... ઢોર લઈને તે ટેકરીઓ ચડે-ઉતરે, થોડો વિસામો લે... પોતાનો કોઈ મિત્ર કે જાણીતી વ્યક્તિ મળી જાય તો તેની સાથે થોડીક વાતચીત કરીને આગળ ચાલવા માડે. ઢોર ચરતાં હોય તે સાથે તેના પાવાના સૂર પણ ચાલુ હોય. અને એકલો મસ્તીમાં પોતાને આવડતાં ગીતો ગાતો હોય. તેમાં પ્રણયનાં અને વિરહનાં પણ ગીતો હોય. પાવાના સુર, પોતાના કંઠે ગવાતાં ગીતો અને વનભ્રમણ વચ્ચે બપોરનો સૂરજ ક્યારે માથે આવી જાય તેની પણ ખબર પડે નહીં. ઉપર સુરજ જુએ ત્યારે તેને એમ લાગે કે હવે જમવાનો સમય થઈ ગયો છે તો જમી લઉં.

        જંગલમાં ઉગેલા ખાખરાનાં ઝાડ કે બીજાં કોઈ ઝાડનાં મોટાં પાન લઈ તેનો પડીયો બનાવી, સળીથી સીવી લઈ, આ પડીયામાં બકરીનું દુધ દોહી લાવી કોઈ એક ઝાડ નીચે તે બેસી જાય. આ દુધમાં તે પાસે ઉગેલા ઝાડનાં પાન તોડી લાવીને પાનમાંથી નીકળતા દુધ (latex) નાં થોડાંક ટીંપા પડીયાના દૂધમાં ઉમેરીને પોતાના ખભે લટકાવેલ રૂમાલને ખોલીને મકાઈનો પીળો રોટલો બહાર કાઢે. નવાઈ વચ્ચે થોડીક મિનિટોમાં જ પડીયામાં રહેલા દૂધનું દહીંમાં રૂપાંતર થઇ જાય છે! અને ત્યાર પછી પેલો સુખિયો જીવ મકાઈનો રોટલો અને તાજુ મોળું દહીં ખાઈને પેટ ભરી લે, અને એ ઝાડ નીચે જ ઉંઘી જાય. ઢોર તો આસપાસમાં ચરતાં હોય અને આદિવાસી પુરૂષ ઝાડ નીચે આરામ કરતો જોયા કરે, ગીતો ગાય અને પાવામાંથી સંગીતના સૂર રેલાવતો જાય. આવતી કાલની કે મિનિટ પછીનીય કોઈ ચિંતા નહીં. બસ કુદરતના ખોળે પોતાની મસ્તીમાં જીવન જીવવુ અને પોતાના ઢોર અને વૃક્ષો સાથે દોસ્તી બાંધીને મુક્ત મને નિજાનંદ માણવો એ જાણે કે તેની આદત બની ગઈ હોય છે.

આપણને પ્રશ્ન થાય કે એવું તે કયું ઝાડ હશે કે જેનાં ટીંપાંથી થોડાક જ સમયમાં દૂધમાંથી મસ્ત મજાનું દહીં બની જતું હશે? તો મિત્રો તેનો જવાબ છે દૂધલો નામનું વૃક્ષ. કે જે ઘણું કરીને ગુજરાતના તમામ જંગલોમાં થાય છે પણ તેના આ ગુણની ઘણા ઓછા લોકોને જાણકારી હોય છે.

તમિલનાડુ રાજ્યના સેલમ જીલ્લાની વેલ્લાલર કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગના ડૉ. એસ. ગીથા, જી. લક્ષ્મી અને પી. રજનીકાન્ત દ્વારા ‘Ethnic Method of milk curding using plants’ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તે દ્વારા દૂધને દહીંમાં જમાવી દેનાર વનસ્પતિ દૂધલો (Wrightiatinctoria) વિશે ઘણાં તથ્યો સામે આવ્યાં હતા.


Ancient Science of life ના July-2016 ના અંકમાં પ્રકાશિત આ અંગેના લેખમાં સંશોધનકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દૂધમાંથી દહીં બનાવવા માટે વનસ્પતિઓનો ઉપયોગ કરવો તે આદિવાસી પ્રજા માટે એક અસામાન્ય બાબત છે. પરંતુ તમિલનાડુના સેલમ જીલ્લાના કોલી પર્વતમાળાનો સર્વે એમ જણાવે છે કે અહીંની આદિવાસી પ્રજા દૂધમાંથી દહીં બનાવવા માટે દૂધલો વનસ્પતિનો ઉપયોગ કરે છે. આ વનસ્પતિનાં થોડાંક ટીપાં દૂધ સાથે મેળવીને થોડોક સમય રાખવાથી દહીંની જેમ તે જામી જાય છે. આ દહીંનો સ્વાદ પણ સારો હોય છે.

ગુજરાતના તમામ જંગલોમાં દૂધલોનાં ઝાડ વત્તા-ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેનું હિન્દીમાં નામ દૂધી અને કરૈયા છે. અંગ્રેજીમાં તે Pala Indigo અથવા Sweet Indrajaoતરીકે ઓળખાય છે. આયુર્વેદમાં ફુટજ, ઇન્દ્રજવ, કડો જેવા વિવિધ નામો ધરાવતી વનસ્પતિ (Holarrhenaantidysenterica) એ કડવો ઇન્દ્રજવ છે. જ્યારે અહીં જેની વાત થાય છે તે દૂધલો એ મીઠો ઇન્દ્રજવ છે. બન્ને વચ્ચે થોડીક સામ્યતાઓ જરૂર જોવા મળે છે, પરંતુ તે બન્ને છે તો અલગ જ ઝાડ. ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારમાં તે ખન્ની કે ખરણી અથવા દૂધલો નામથી જાણીતું ઝાડ છે. તે વાનસ્પતિક વર્ગીકરણની દષ્ટિએ APocynaceae Family નું સભ્ય છે. ભારતમાં જોવા મળતી Flowering Plants Species માં તે અગત્યની વનસ્પતિ છે. ભારત ઉપરાંત તે બર્મા, નેપાળ, વિયેટનામ, દક્ષિણ પૂર્વે એશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે.


સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ ડીન અને પીએચ. ડી. ગાઇડ તેમજ ગુજરાતના પ્રખર વનસ્પતિશાસ્ત્રી ડૉ. મીનુ પરબિયાએ આ લખનારને એક મુલાકાતમાં જણાવેલું કે બાળપણમાં તેઓ સોનગઢ (તાપી) ખાતે રહેતા, અને શાળાકીય અભ્યાસ ત્યાં જ પૂરો કર્યો. અભ્યાસ દરમ્યાન મિત્રો સાથે તેઓ જંગલમાં ફરવા નીકળી પડતા અને એવામાં દૂધલાના ટીપામાંથી સત્વરે દહીં બનતું હોવાની વાત જાણીને તેમને તેમાં વધુ રસ પડ્યો. પછી તેઓને વનસ્પતિઓની દુનિયા પ્રત્યે ભારે આકર્ષણ થયું. પછી તો એમણે વનસ્પતિશાસ્ત્રનો વિષય પસંદ કરીને તે ક્ષેત્રમાં આગળ અભ્યાસ કર્યો, તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી.

દૂધલો (Wrightiatinctoria)નું મધ્યમ કદનું ઝાડ થાય છે, જે ૩ થી ૧૫ મીટર જેટલી ઉંચાઇનું હોય છે. તેનું થડ સુંવાળું, બદામી-પીળાશ પડતો રંગ ધરાવતું હોય છે. છાલ ૧૦ એમ. એમ. ની જાડાઇ ધરાવે છે. પાન સાદાં, સામ સામે ગોઠવાયેલાં, ૧૦ થી ૧૨ સે.મી. લાંબાં અને ૫ સે.મી. જેટલાં પહોળાં હોય છે. માર્ચ થી મે મહિનામાં ઝાડ પર સફેદ રંગનાં ફૂલ જોવા મળે છે. ફૂલમાં પાંચ પાંખડીઓ હોય છે. ઓગસ્ટમાં ફળ (શીંગો) આવે છે. જે નળાકાર લીલા રંગની પરંતુ કાળાશ પડતી હોય છે. બીજ બદામી રંગનાં, સીધાં અને અસંખ્ય રોમયુક્ત હોય છે. બીજનો ફેલાવો પવનથી થાય છે જ્યારે કીટકો દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે.


દૂધલો વનસ્પતિનો ઉપયોગ અનેક રીતે થાય છે. આદિવાસી પ્રજા તેના ફૂલની કઢી બનાવીને ખાય છે. તો પાનની પણ ભાજી બને છે. દિવાસળીની પેટી (Match Box) અને પેકીંગ માટેની નાની પેટીઓ(boxes) બનાવવામાં તેમજ ફર્નિચરમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેના લાકડામાંથી કપ, પ્લેટ, કાંસકા, પેન હોલ્ડર, પેન્સીલ, પલંગના પાયા અને રમકડાં બનાવવામાં આવે છે. ચન્નાપટ અને ઇડરનો રમકડા ઉદ્યોગ આ વનસ્પતિનો વિશાળ સ્તર પર ઉપયોગ કરતો હતો. હવે તેમાં અન્ય લાકડાનો પણ ઉપયોગ થવા માંડ્યો છે.

આમ દૂધલો એ દૂધને દહીં બનાવવા ઉપરાંત અનેક ઔષધીય અને આર્થિક મહત્વ ધરાવતી અમૂલ્ય વનસ્પતિ છે. આવી અમુલ્ય વનસ્પતિઓનું જતન થવું જરૂરી છે.

તરૂ બોધ:

વૃક્ષન સે મત લે, મન તુ વૃક્ષન સે મત લે

કાટે વાકો ક્રોધ ન કરહીં, સિંચત ન કરહીં નેહ

ધૂપ સહત અપને સિર ઉપર, ઔર કો છાંવ કરેત

જો વાહી કો પથ્થર ચલાવે, તાહી કો ફલ દેત

ધન્ય ધન્ય યે પર ઉપકારી, વૃથા મનુજકી દેહ

સૂરદાસ પ્રભુ કહં લગિ બરનૌં, હરિજન કી મત લે.

--- સંત સૂરદાસ

અર્થાત

તું વૃક્ષો જેવા વિશાળ હૃદયવાળો બન. તેઓ પોતાને પાણી પાનાર પર ખુશ નથી થઇ જતા કે નથી કાપનાર પર ક્રોધ કરતા. મુસાફરોને છાંયડો આપવા માટે તેઓ બધો જ તાપ પોતાના માથા પર લઇ લે છે અને જેઓ તેમના તરફ પથ્થરો ફેંકે છે તેમને પણ ફળ આપે છે. હંમેશાં બીજાઓનું ભલુ વિચારવાવાળાં વૃક્ષો મહાન છે. જ્યારે મનુષ્યનો દેહ મેળવીને પણ આપણે તેનો મોટે ભાગે દુરૂપયોગ જ કરીએ છીએ.

--- સંત સૂરદાસ

વનવગડામાં અમુક એવા રહસ્યો છુપાયેલા છે, જેના વિષે જાણીને આપણે આશ્ચર્યચકિત થઇ જઈએ.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top