CM Devendra Fadnavis: મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરને લઈને તણાવપૂર્ણ સ્થિતિ છે. હિન્દુ સંગઠનોના વિરોધ પ્રદર્શન બાદ અચાનક નાગપુરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જો કે, અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે ઔરંગઝેબની કબરાવાળી તસવીર સાથે એક ચાદર પણ સળગાવવામાં આવી, જેના પર કુરાનની આયાતો લખેલી હતી. એ રમખાણોમાં ઘણા પોલીસકર્મીઓને ઇજા થઇ હતી.
હવે નાગપુર રમખાણોઓને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુર રમખાણોના મામલે વિધાનસભામાં નિવેદન આપ્યું છે. ફડણવીસે કહ્યું કે, 17 માર્ચે નાગપુરના મહલ વિસ્તારમાં કોઈ ધાર્મિક ચાદર સળગાવવામાં આવી નહોતી. કોઈપણ ધાર્મિક વસ્તુઓ જેના પર શ્લોક લખેલા હોય તેને સળગાવવામાં આવી નથી. તે માત્ર એક અફવા હતી, જેને કારણે ત્યાં વધુ ભીડ એકઠી થઈ ગઈ. પોલીસ પર હુમલો કરનારાઓને બક્ષવામાં નહીં આવે, તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નાગપુર હિંસામાં પોલીસ પર હુમલો કરનારાઓને તેમની કબરોમાંથી ખોદીને શોધી કાઢવામાં આવશે.