અમદાવાદમાં ગુરુવારે એક મોટી વિમાન દુર્ઘટના બની. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ઉડાણ ભરતા જ ક્રેશ થઈ ગયું. જે સમયે આ અકસ્માત થયો, એ સમયે વિમાનમાં લગભગ 242 લોકો સવાર હોવાનું કહેવાય છે. આ દરમિયાન, વિમાન દુર્ઘટને લઈને અનેક પ્રકારની માહિતી સામે આવી ગઈ છે, જેમાંથી સૌથી મહત્ત્વની જાણકારી એવી પણ આવી છે કે વિમાનના પાયલોટે ક્રેશ અગાઉ નજીકના ATCને સિગ્નલ મોકલ્યું હતું, જે જોખમનો અંદાજો બતાવી રહ્યો હતો અને તેના થોડા સમય બાદ વિમાન ક્રેશ થયું. અત્યાર સુધી 133 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોચ્યા છે.
વિમાન દુર્ઘટના બાદ DGCA દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ મુજબ, 12 જૂન, 2025ના રોજ, અમદાવાદથી ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન B787 (AI-171) ટેકઓફ બાદ તરત જ ક્રેશ થયું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 2 પાયલોટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. કેપ્ટન સુમિત સભરવાલ આ વિમાનનું પાયલોટ હતા, જ્યારે ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર તેમની સાથે હતા. સુમિત સભરવાલને 8200 કલાક ઉડાણનો અનુભવ હતો, જ્યારે ક્લાઇવને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો.
સૌથી મહત્ત્વપૂર્ણ માહિતી એ છે કે આ વિમાને અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી બપોરે 1:39 વાગ્યે ઉડાણ ભરી હતી.ઉડાણ ભરતા જ તેણે નજીકના ATCને MAYDAY કોલ આપ્યો, પરંતુ ત્યારબાદ વિમાન તરફથી ARCને કોઈ સિગ્નલ ન આપવામાં આવ્યું. ઉડાણ ભર્યાના થોડીક સેકન્ડ બાદ જ, વિમાન એરપોર્ટ પરિસરની બહાર પડી ગયું.
કોઈપણ ફ્લાઇટમાં, 'Mayday કોલ' એક ઈમરજન્સી મેસેજ છે, જે પાઇલટ ત્યારે આપે છે, જ્યારે વિમાન ગંભીર મુશ્કેલીમાં હોય અને મુસાફરો અથવા ક્રૂના જીવ જોખમમાં હોય. જેમ કે વિમાનનું એન્જિન ફેલ થવું, વિમાનમાં આગ લાગવી, હવામાં ટકરાવાનો ભય, અથવા હાઇજેકિંગ જેવી પરિસ્થિતિ બની જાય. આ કોલ દ્વારા, કોઈપણ પાઇલટ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને નજીકના વિમાનોને ચેતવણી આપે છે કે વિમાનને તાત્કાલિક મદદની જરૂર છે. વિમાનના રેડિયો પર 3 વખત ‘Mayday, Mayday, Mayday’ કહેવામાં આવે છે જેથી સ્પષ્ટ થાય કે આ મજાક નથી પણ અસલી કટોકટી છે.
માહિતી અનુસાર, Mayday કોલ આવતાની જ કંટ્રોલ રૂમ તે વિમાનને પ્રાથમિકતા આપે છે અને તેને મદદ કરવા માટે તમામ સંસાધનો લગાવે છે, જેમ કે ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી, રનવે સાફ કરવો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને તૈયાર રાખવી. ‘Mayday’ શબ્દ ફ્રેન્ચના “m’aider” પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મારી મદદ કરો. એ ધ્યાન આપવા જેવી વાત એ છે કે જો પરિસ્થિતિ ખૂબ ગંભીર ન હોય પરંતુ ચિંતાનો વિષય હોય, તો પાઇલટ Pan-Pan કોલ કરે છે, જે 'Mayday' કરતા ઓછો ગંભીર માનવામાં આવે છે.