10/25/2025
ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણ ખુબ જ ડહોળાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે શનિવારે વહેલી સવારે મહેસાણા, ઊંઝા, પાલનપુર સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કારતક મહિનામાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકતાં અષાઢી માહોલ જામ્યો હતો. આગામી 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દરિયાકાંઠે પવનની ગતિ વધીને 55 KMPH સુધી પહોંચવાની શક્યતા છે. જેને અનુસંધાને હવે દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.