ગુજરાતના આ શહેરો દિલ્હી સાથે વાયુ પ્રદુષણની રેસમાં, આરોગ્ય સામે ખતરાની ઘંટડી, જાણો એ શહેરોની નાજુક સ્થિતી
અત્યારે સમગ્ર દેશના લોકો માટે દિલ્હીનું વાયુ પ્રદુષણ ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ અહીં વાયુ પ્રદુષણની રેસમાં ભારતના અન્ય મોટા શહેરો પણ સામેલ થઇ ચુક્યા છે. દિલ્હીમાં પ્રદૂષણની જે ગંભીર સ્થિતિ સર્જાય છે તેવી જ ગંભીર હવામાન પરિસ્થિતિ હવે ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મેટ્રો શહેરમાં જોવા મળી રહી છે. શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)ના આંકડાઓ વધી રહેલા પ્રદુષણને દર્શાવી રહ્યા છે, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે. રાજકોટના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ઉચ્ચતમ સ્તરે નોંધાયું છે.
રાજકોટ શહેરના સોરઠીયા વાડી સર્કલ, સેન્ટ્રલ ઝોન RMC કચેરી અને જામ ટાવર સહિતના વિસ્તારમાં હવાનું પ્રદુષણ 300નો આંકડો પાર કરતા વધુ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. જે હવાની ગુણવત્તા 'ખુબ જ વધારે ખરાબ' દર્શાવે છે. જ્યારે અનેક વિસ્તારોમાં AQI લેવલ 200 કરતા વધુ નોંધાયું છે. જે પણ ખતરાની ઘંટડી સામન છે. જેની પાછળ મુખ્ય કારણ શિયાળામાં ધૂમમ્સ અને વાહનોનું પ્રદુષણ છે. પ્રદુષણ વધતા લોકોમાં શ્વાસની બીમારીઓમાં વધારો થવાની સંભાવના રહેલી છે. આરોગ્ય વિભાગ દ્વારા હવાનું પ્રદુષણ વધુ નોંધાતા શ્વાસની બીમારી હોઈ તેવા લોકોએ માસ્ક પહેરવા સૂચના આપવામાં આવે છે.
બીજી તરફ ઝડપથી વિકાસની ગતિ કરતાં સુરતમાં પણ હવામાનની સ્થિતિ વણસી ચુકી છે. પાછલા દિવસોમાં શહેરમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તેની સામે હવાના પ્રદૂષણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરતની હવામાં PM 10 (પાર્ટિક્યુલેટ મેટર)નું સ્તર 328ના અત્યંત ચિંતાજનક લેવલે પહોંચી ગયું છે, જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 198 નોંધાયો છે, જે 'મધ્યમથી ખરાબ' શ્રેણીની નજીક છે. જો કે, સુરતમાં પ્રદૂષણ વધારવા માટે ઔદ્યોગિક ધુમાડો, મેટ્રોનું બાંધકામ, અને ખાનગી બાંધકામની રજકણોને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. પાંડેસરા, સચિન, સચિન જીઆઇડીસી સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ઢગલાબંધ ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતા ધુમાડાથી પ્રદૂષણ વધી રહ્યું છે. તબીબી નિષ્ણાતોએ લોકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા, માસ્ક પહેરવા અને શ્વાસની બીમારી ધરાવતા લોકોએ ખાસ કાળજી રાખવા અપીલ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp