વ્હાઇટ હાઉસ પાસે 2 નેશનલ ગાર્ડ સૈનિકોને ગોળી મારી દેવાઈ, ટ્રમ્પની આવી પ્રતિક્રિયા
વ્હાઇટ હાઉસ નજીક બે નેશનલ ગાર્ડ સૈનિકોને ગોળી મારી દેવામાં આવી છે, બંનેની હાલત ગંભીર છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાની સખત નિંદા કરી છે, તેને એક જઘન્ય હુમલો અને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. તેમણે પેન્ટાગોનને અમેરિકન રાજધાનીમાં 500 વધારાના સૈનિકો તૈનાત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
બુધવારે બપોરે વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના આ સૈનિકો પર વ્હાઇટ હાઉસથી થોડા બ્લોક દૂર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ, સંકુલને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું અને કાયદા અમલીકરણ એજન્સીઓ આ વિસ્તારની તપાસ કરી રહી છે. ઘટના સમયે ટ્રમ્પ ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો ક્લબમાં હતા.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો સંબોધનમાં જણાવ્યું હતું કે થેંક્સગિવિંગ રજાની પૂર્વસંધ્યાએ વોશિંગ્ટન ડી.સી.માં સેવા આપતા 2 નેશનલ ગાર્ડ સભ્યોને વ્હાઇટ હાઉસથી થોડે દૂર એક ભયાનક હુમલોમાં ગોળી વાગી હતી. તેમણે કહ્યું કે, ‘આ આપણા સમગ્ર રાષ્ટ્ર સામે ગુનો છે, માનવતા વિરુદ્ધ ગુનો છે.’
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનના શાસનકાળમાં અફઘાનિસ્તાનથી અમેરિકામાં પ્રવેશેલા દરેક એલિયનની ફરીથી તપાસ કરવામાં આવશે. નેશનલ ગાર્ડના સભ્યો સાથે થયેલી ગોળીબારની ઘટના અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે DHS માને છે કે શંકાસ્પદ વ્યક્તિ 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકામાં પ્રવેશ્યો હતો. ટ્રમ્પની જાહેરાતથી હવે અમેરિકામાં રહેતા અફઘાન નાગરિકોની મુશ્કેલીઓ વધુ વધશે, કારણ કે હવે તેમને કડક તપાસમાંથી પસાર થવું પડશે.
29 વર્ષીય રહેમાનુલ્લાહ લકનવાલ નામના શંકાસ્પદ વ્યક્તિને ગોળીબારમાં ઇજાગ્રસ્ત થયા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. લકનવાલ નામનો અફઘાન નાગરિક 2021માં અમેરિકા આવ્યો હોવાનું કહેવાય છે. ન્યાય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગોળીબારની તપાસ આતંકવાદી કૃત્ય તરીકે કરવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp