08/20/2025
ગુજરાતમાં વરસાદની તોફાની ઇનિંગ શરૂ થઇ ચૂકી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું હતું. મેંદરડા તાલુકામાં એકસાથે 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી તાલુકાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. 10 ઈંચ વરસાદથી મેંદરડામાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ ગઇ હતી. મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા.
કેશોદમાં 2 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો તો વંથલીમાં 2 કલાકમાં 2.87 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દાત્રાણા-બગડું જતો રસ્તો બંધ કરાયો હતો. 35થી 40 લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા હતા. વરસાદને પગલે ઓઝત નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ભાટીયા નજીક કોઝવે પર પાણી ફરી વળતા જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરાયો હતો. જેના કારણે ભાટીયા, નવાગામ, બોડકા સહિતના ગામોમાં પાણી ભરાયા હતાં.