માંડવીમાં ગેરકાયદેસર ધર્માંતરણના ષડયંત્રનો પર્દાફાસ: ડૉ. અંકિત ચૌધરીના યૌન શોષણ કેસમાં થયેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો, પિતાની પણ ધરપકડ
અંકિત ચૌધરી યૌન શોષણ કેસની પોલીસ તપાસમાં માંડવી તાલુકામાં આદિવાસીઓના થતા ગેરકાયદેસર ધર્માંતરણનો પર્દાફાસ થયો છે. ડૉક્ટર અંકિત ચૌધરી, જે માંડવીમાં ન્યૂ ક્લિનિક હૉસ્પિટલ ચલાવે છે, તેણે એક મહિલાનું યૌન શોષણ કર્યું હતું અને ગેરકાયદેસર ધર્માંતરણ કરાવી હતી ત્યારબાદ પીડિતાના પરિવારને પણ ધર્માંતરણ કરવા માગ કરવામાં આવી હતી. મહિલાનું યૌન શોષણ કર્યા બાદ મહિલાને તરછોડી દીધી હતી. આ મામલે માંગરોળના DySP વનાર અને તેમની ટીમે કરેલી તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. માંડવી પોલીસે અગાઉ પુત્રની ધરપકડ કર્યા બાદ હવે તેના પિતા, પીપલવાડા સરકારી શાળાના આચાર્ય અને પાદરી રામજી ચૌધરીની પણ ધરપકડ કરી હતી.
લાખગામ ગામના ડૉ. અંકિત ચૌધરીએ એક આદિવાસી યુવતીને લાલચવીને શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપી ફરિયાદ નોંધવા રજૂઆત કરાઇ હતી. જેના આધારે પોલીસે ડૉ. અંકિત ચૌધરીની ધરપકડ કરી હતી.
આદિવાસી સમાજના આગેવાનોએ વધતી ધર્માંતરણની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી કડક કાર્યવાહીની માગ કરી હતી. ડૉક્ટર અંકિત ચૌધરીના પિતા પીપલવાડા સરકારી શાળામાં ફરજ બજાવે છે. તેઓ પોતે આદિવાસી હોવા છતા પાદરી બનીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા હતા અને આદિવાસીઓને ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરાવતા હતા. રામજી ચૌધરી ‘ધ પ્રે ફોર એવરલાફ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ છે. આ ટ્રસ્ટના માધ્યમથી તેઓ આદિવાસીઓને લાલચ આપીને ધર્માંતરણ કરાવતા હતા. તેણે પીડિત યુવતીને પણ બાપ્તિસ્મા વિધિ કરાવી ગેરકાયદેસર ધર્માંતરણ કરાવ્યું હતું. કલેક્ટરની મંજૂરી વિના ગેરકાયદેસર ધર્માંતરણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે અપનાવાતી બપ્તિસ્મા વિધિ નદીમાં, તળાવમાં કે કુંડમાં ડૂબકી લગાવીને ધર્મ અંગીકાર કરવા માટે શપથ લેવડાવવામાં આવે છે.
ગ્રામ્ય પોલીસે કરેલી તપાસમાં આરોપીઓના મોબાઈલ કબજે કરી બેન્ક ડેટાની પણ વિગતો મેળવવામાં આવી હતી. જેમાં ધર્મ પરિવર્તનને સમર્થન આપતા પુરાવા મળી આવ્યા હતા. આરોપીઓના ઘર અને ટ્રસ્ટમાં પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસને અહીથી પણ પુરાવા મળ્યા હતા.
મળતી માહિતી અનુસાર ડૉ. અંકિત ચૌધરી, તેનો પિતા રામજી ચૌધરી સહિતની ટોળકી પ્રિ-પ્લાન્ડ ધર્માંતરણનું નેટવર્ક ચલાવતી હતી. દર્દી ક્લિનિકમાં આવે તો યેનકેન પ્રકારે સહાનુભૂતિ કેળવતો. મંત્રેલૂ પાણી આપવાને બહાને સ્ટીરોઈડ અને પેઇનકિલર દવા આપવામાં આવતું હતું. આ રીતે બ્રેઇન વોશ કરવામાં આવતું હતું. પોલીસને આરોપીઓના ઘરથી દવાનો જથ્થો પણ મળી આવ્યો હતો.
માત્ર અંકિત ચૌધરી અને પિતા રામજી ચૌધરીનો કેસ જ નહીં, પરંતુ આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણની પ્રક્રિયા ખૂબ જ ફળી-ફૂલી રહી છે. સતત બીમાર રહેતા અથવા ગંભીર બીમારીની ઝપેટમાં આવેલા, પથારીવશ થયેલા લોકોને સારા ડૉક્ટર પાસે જવાની સલાહ આપવાની જગ્યાએ પાદરીઓ, ખ્રિસ્તી ધર્મમાં માનતા લોકો ચર્ચમાં આવવા અથવા ખ્રિસ્તી પ્રાર્થના કરાવીને સારા કરવાની વાત કહીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે, પરંતુ આદિવાસીઓ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી તેમનો પનો ટૂંકો પડે છે જેથી ખૂલીને આ મામલે કોઈ સામે આવતું નથી, પરંતુ અંદરોઅંદર લોકો ચર્ચા કરે છે કે તેમના કારણે બાપ-દાદાઓ નિભાવતા આવેલા આદિવાસી સંસ્કૃતિ જોખમમાં મુકાઇ રહી છે.
જો આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવે તો કદાચ 80-90 ટકા લોકો એવા નીકળી શકે છે જેમણે બીમાર પડ્યા બાદ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. આ ગેરકાયદેસર ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાને કારણે આદિવાસી સંસ્કૃતિ પણ મોટા પાયે પ્રભાવિત થઈ રહી છે અને પ્રકૃતિ પૂજકો કહેવાતા આદિવાસીઓની સંસ્કૃતિ હવે જોખમમાં મુકાઇ ગઈ છે. જો આદિવાસીઓને ગેરકાયદેસર ધર્માંતરણ કરતા અટકાવવામાં નહીં આવે તો આગામી વર્ષોમાં આદિવાસીઓની સંસ્કૃતિ જોખમમાં મુકાઇ જશે. આ દિશામાં સરકારે વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત લાગી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં માંડવી પોલીસ ધર્માંતરણને લઈને શું ખુલાસા કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp