08/07/2020
હિન્દી અને મરાઠી ફિલ્મોના સુપ્રસિદ્ધ ગાયક સુરેશ ઈશ્વર વાડકરનો ૬૫મો જન્મ દિન. ૭ ઓગસ્ટ, ૧૯૫૫ના રોજ કોલ્હાપુરમાં તેમનો જન્મ. તેમણે ભોજપુરી અને કોંકણી ફિલ્મોમાં પણ ગાયું છે. તેમના ભજનોના આલબમ પણ છે.
સુરેશજી સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ લઈને ‘પ્રભાકર’ પરીક્ષા પસાર કરીને મુંબઈના આર્ય વિદ્યા મંદિરના શિક્ષક બન્યા હતા. આજે તેમની મ્યુઝિક સ્કૂલ મુંબઈ, ન્યુ જર્સી અને ન્યુ યોર્કમાં ચાલે છે. ઓપન યુનિવર્સીટીની આસ્વામાં ઓનલાઈન મ્યુઝિક સ્કૂલમાં કોઈ પણ ભણી શકે.
ભારતીય શાસ્ત્રીય સંગીત ભણીને સુરેશ વાડકર ૧૯૭૬માં સૂર સિંગાર સ્પર્ધામાં ‘મદન મોહન એવોર્ડ’ જીત્યા ત્યારે જયદેવ નિર્ણાયક હતા. તેમણે સુરેશ પાસે ‘સિને મેં જલન – ગમન’ ગવડાવ્યું, પછી ‘પહેલી’માં પણ ગવડાવ્યું. ત્યારે તેમના અવાજથી પ્રભાવિત થયેલાં લતાજીએ લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આનંદજી અને ખય્યામને જણાવ્યું અને આપણને ક્રોધી, પાંચ, પ્યાસા સાવન, પ્રેમ રોગ, હીના, પ્રેમ ગ્રંથ, રામ તેરી ગંગા મૈલી, બોલ રાધા બોલ, વિજય જેવી ફિલ્મોના ગીત મળ્યાં.