ભારતના લોકવાદ્ય વૈશ્વિક મંચ પર લોકપ્રિયતા અપાવનાર આ ‘ઉસ્તાદ’ની આજે પુણ્યતિથી

ભારતના લોકવાદ્ય વૈશ્વિક મંચ પર લોકપ્રિયતા અપાવનાર આ ‘ઉસ્તાદ’ની આજે પુણ્યતિથી

08/21/2020 Glamour

નરેશ કાપડિયા
આજ કે સિતારે
નરેશ કાપડિયા
નાટ્યકાર, ફિલ્મ ક્રિટીક

ભારતના લોકવાદ્ય વૈશ્વિક મંચ પર લોકપ્રિયતા અપાવનાર આ ‘ઉસ્તાદ’ની આજે પુણ્યતિથી

મહાન શેહનાઈ (શરણાઈ) વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન ૧૩વર્ષ પહેલાં, ૨૧ ઓગસ્ટ, ૨૦૦૬ના રોજ અલ્લાહને પ્યારા થઇ ગયા હતા. ત્યારે તેઓ ૯૦ વર્ષના હતા. ભારતમાં સદીઓથી જાણીતું લોકવાદ્ય આ ઉસ્તાદે દુનિયાભરમાં લોકપ્રિય બનાવ્યું. જે શેરીઓમાં, ખેતરોમાં કે મંગળ પ્રસંગે વગાડતું તે વાદ્ય શેહનાઈને ઉસ્તાદ મંચ પર લાવ્યા. સુરતના ચોકબજારના નગીનચંદ હોલમાં પણ તેઓ શેહનાઈ વાદન કરવા આવ્યા હતા.

આપણા દેશે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનને દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’થી ૨૦૦૧માં નવાજ્યા હતા. તેઓ એ સન્માન મેળવનારા એમ. એસ. સુબ્બુલક્ષ્મી, રવિ શંકર બાદ ત્રીજા શાસ્ત્રીય સંગીતકાર હતા.


૨૧ માર્ચ ૧૯૧૬ ના રોજ તેમનો જન્મ બિહારના ડૂમરાવ ગામે કમરૂદ્દીન ખાન રૂપે પૈગમ્બર બક્ષ ખાનના મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના વડીલો ભોજપુરના રાજાના નક્કારખાનામાં મંગળ વાદ્યનું સંગીત વગાડતા. પિતાજી ડુમરાવના રાજા કેશવ પ્રસાદ સિંઘના દરબારમાં શેહનાઈવાદન કરતા હતા.તેમના જન્મ બાદ દાદા રસુલ બક્ષ ખાને બાળકને પહેલીવાર જોઇને ‘બિસ્મિલ્લાહ’ યાને ‘ખુદાના નામે’ એવું સંબોધન કરતાં તેમનું નામ બિસ્મિલ્લાહ ખાન પડ્યું હતું. પાંચ વર્ષની ઉમરે બિસ્મિલ્લાહ બિહારમાં ડુમરાવના રાજાના મહેલ પાસે ગીલ્લી-દંડા રમતા. ત્યાર બાદ તેઓ નિયમિત રીતે નજીકના બીહારજી મંદિરમાં જઈને ભોજપુરી લોકસંગીત ‘ચૈતા’ ગાતાં અને રાજા સાહેબ તેમને સવા કિલોનો મોટો લાડુ ભેટમાં આપતા. છ વર્ષની ઉમરે બિસ્મિલ્લાહ બનારસ તેમના મામાને ત્યાં રહેવા ગયા હતા. મામાજી અલીબક્ષ વિલાયતુ ખાન વિખ્યાત કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના શેહનાઈ વાદક હતા. ૧૯૩૨માં ૧૬ વર્ષની ઉમરે બિસ્મિલ્લાહના પરિવારે તેમને પિત્રાઈ બહેન સાથે પરણાવ્યા હતા.


બિસ્મિલ્લાહ ખાનને શેહનાઈ જેવા લોક વાદ્યને એકલે હાથે શાસ્ત્રીય સંગીતના મંચ પર લાવવાનું શ્રેય અપાય છે. ૧૯૩૭ની ઓલ ઇન્ડિયા મ્યુઝીક કોન્ફરન્સ, કોલકાતામાં તેમણે તે કરી બતાવ્યું હતું. તેમના વાદ્ય અને વાદન રૂપે તેઓ ખૂબ જ વિખ્યાત થયાં અને શેહનાઈ અને બિસ્મિલ્લાહ ખાન એકબીજાના પર્યાય બની ગયાં. ભારતીય શાસ્ત્રીય સંગીતના તેઓ સૌથી લોકપ્રિય વાદક રહ્યા અને દુનિયાભરના મંચ પર ઉસ્તાદે શેહનાઈ વાદન કર્યું. તેઓ પોતાના વાદ્ય શેહનાઈ માટે એટલા ભાવક હતા કે તેમના પત્નીના નિધન બાદ ઉસ્તાદ શેહનાઈને જ પોતાની બીજી બેગમ રૂપે ઉલ્લેખતા. સંગીત દ્વારા પ્રેમ અને શાંતિના દૂત રૂપે બિસ્મિલ્લાહ ખાનના શેહનાઈ વાદનને માન મળતું.


૧૯૪૭માં દેશ આઝાદ થયો તેની પૂર્વ સંધ્યાએ ઉસ્તાદે દિલ્હીના લાલ કિલ્લા પર શેહનાઈ વાદન કર્યું હતું. તેજ રીતે દેશ પ્રજાસત્તાક બન્યો તે ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પણ તેમણે લાલ કિલ્લા પરથી શેહનાઈ પર રાગ કાફી વગાડ્યો હતો. પછી તો વડાપ્રધાન પંડિત નેહરુ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરે ત્યાર બાદ વર્ષો સુધી ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનું શેહનાઈ વાદન થતું, જે આકાશવાણી – દૂરદર્શન પર પ્રસારિત થતું. ગત વર્ષે ગુગલે બિસ્મિલ્લાહ ખાનના જન્મ દિને ડુડલ બનાવી ઉસ્તાદને માન આપ્યું હતું. 


કન્નડ સુપર સ્ટાર ડૉ. રાજ કુમારની ફિલ્મ માટે ઉસ્તાદે શેહનાઈ વગાડી હતી અને ફિલ્મ સુપર હીટ થઇ હતી. ઉસ્તાદે સત્યજીત રાયની ફિલ્મ ‘જલસાઘર’માં અભિનય કરીને શેહનાઈ વાદન કર્યું હતું, તો ‘ગુંજ ઊઠી શેહનાઈ’ ફિલ્મના ગીતોમાં પણ ઉસ્તાદની શેહનાઈ ગુંજે છે. મહાન દિગ્દર્શક ગૌતમ ઘોષે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન પર ‘સંગે મીલ સે મુલાકાત’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.

ઉસ્તાદ બનારસમાં રહેતાં અને સવારે ચાર વાગ્યે ઊઠીને ગંગા કિનારે શેહનાઈનો રીયાઝ કરતા. ત્યારે પણ ચાહકો તેમને ઘેરીને સાંભળતા રહેતાં. તેઓ ઓલિયા પ્રકારના તદ્દન સામાન્ય માનવી જેવું જીવતાં.


બિસ્મિલ્લાહ ખાન પાક મુસ્લિમ હતા અને કોમી એખલાસના પ્રતિક મનાતા. તેમના આધ્યાત્મિક ગુરુ પ્રેમ રાવત માટે પણ બિસ્મિલ્લાહ શેહનાઈ વાદન કરતા. પોતાની શેહનાઈ વગાડવાની આવડતને ઉસ્તાદ ભગવાન વિશ્વનાથની કૃપા માનતા હતા. તેઓ ભાગ્યે જ શાગિર્દ બનાવતા. છતાં, કોઈક યોગ્ય વ્યક્તિને પોતાની આવડતનો નાનો પણ ભાગ આપી શકાય તો રાજી થતા. તેમના અનુયાયીઓમાં શેહનાઈ વાદક એસ. બલ્લેશ અને તેમના સુપુત્રો નઝીમ હુસૈન અને નય્યર હુસૈનનો સમાવેશ થાય છે. ઉસ્તાદને પાંચ દીકરીઓ અને ત્રણ દીકરાઓ હતાં. પોતાના સંતાનો, પૌત્રો અને પ્રપૌત્રો સાથે તેઓ આનંદથી રહેતા.


દેશના શહીદોને અંજલી આપવા માટે દિલ્હીના ઇન્ડિયા ગેટ પર શેહનાઈ વાદન કરવાનું ઉસ્તાદનું સપનું અધૂરું રહ્યું. તેઓ માંદા પડ્યા અને બનારસની હેરીટેજ હોસ્પિટલમાં દાખલ કરાયા તેના ચાર દિવસ બાદ પહેલાં જ હૃદય રોગના હુમલાથી ૯૦ વર્ષની વયે તેમનું નિધન થયું. ત્યારે દેશે એક દિવસનો રાષ્ટ્રીય શોક પાળ્યો. બનારસના કબ્રસ્તાનમાં લીમડાના વૃક્ષ નીચે તેમની વહાલી શેહનાઈ સાથે ઉસ્તાદને દફનાવાયા ત્યારે સેનાએ ૨૧ તોપોની સલામી આપી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top