12 જૂન 2025નો દિવસ ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે. આ દિવસે અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ ગુજરાત સહિત દેશને હચમચાવી નાખ્યો હતો. લંડન જતી ફ્લાઇટમાં 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ એક પેસેંજરનો ચમત્કારિક બચાવ થયો હતો. 11A સીટ પર બેઠેલા વિશ્વકુમાર રમેશ એકમાત્ર મુસાફર હતા, જેનો જીવ બચી ગયો હતો. દુર્ઘટના બાદ તે કાટમાળમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. બધાએ તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ ગણાવ્યો, પરંતુ રમેશ હજુ પણ અકસ્માતની દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે. તેમની શારીરિક ઇજાઓમાંથી સારો થઈ રહ્યો છે, પરંતુ માનસિક ઘા એટલા ઊંડા છે કે તેઓ તેમના પરિવારથી દૂર થઈ ગયા છે.
રમેશનો નાનો ભાઈ અજય દુર્ઘટના સમયે થોડી સીટ દૂર બેઠો હતો. આ અકસ્માતમાં તેનું મોત થઈ ગયું. રમેશની આંખો આજે પણ ભીની થઈ જાય છે જ્યારે તે કહે છે કે, ‘હું એકમાત્ર સર્વાઈવર છું. મને હજુ પણ વિશ્વાસ થતો નથી. આ ચમત્કાર છે, પરંતુ મેં મારો ભાઈ ગુમાવી દીધો. અજય મારી કરોડરજ્જુ હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે હંમેશાં મારો સાથ આપ્યો હતો.’
અજયના નિધનથી રમેશ એકલતા અનુભવે છે. BBC સાથે વાત કરતા તેણે કહ્યું કે, ‘હવે હું એકલો છું. હું મારા રૂમમાં એકલો બેસી રહું છું. હું મારી પત્ની કે પુત્ર સાથે વાત કરતો નથી. બસ ઘરમાં એકલો રહેવાનું પસંદ કરું છું.’
માનસિક રીતે રમેશ પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)થી પીડાય છે. ભારતમાં હોસ્પિટલમાં દાખલ થયા બાદ, તેઓ ઘરે લેસ્ટર પાછો ફર્યો હતો. પરંતુ અહી અત્યાર હજુ સુધી અહીં કોઈ સારવાર મેળવી શક્યો નથી. રાતો બેચેનીમાં વીતે છે. તે કહે છે કે, ‘આ દુર્ઘટના મારા અને મારા પરિવાર માટે શારીરિક અને માનસિક બંને રીતે ખૂબ જ મુશ્કેલ રહી છે. છેલ્લા 4 મહિનાથી મારી માતા દરરોજ દરવાજાની બહાર બેસી રહે છે, કોઈની સાથે વાત કરતી નથી, કંઈ કરતી નથી. હું બીજા કોઈ સાથે વાત કરી રહ્યો નથી. મને બીજા કોઈ સાથે વાત કરવાનું પસંદ નથી આવતું. હું વધારે બોલી શકતો નથી. હું આખી રાત વિચારતો રહું છું, હું માનસિક યાતનામાં છું. દરેક દિવસ આખા પરિવાર માટે દર્દનાક છે.’
શારીરિક ઇજાઓ પણ રમેશને પરેશાન કરી રહી છે. તેના પગ, ખભા, ઘૂંટણ અને પીઠમાં દુઃખાવાથી તેને હરવા-ફરવામાં પરેશાની થાય છે. તે ધીમે-ધીમે ચાલી શકે છે, પત્ની સહારો આપી રહી છે. દીવમાં માછલીનો વ્યવસાય, જે ભાઈ સાથે ચલાવતો હતો, તે હવે ઠપ્પ થઈ ગયો છે. આર્થિક મુશ્કેલીઓએ પરિવારને વધુ તબાહ કરી દીધો છે.
અહેવાલ મુજબ, સમુદાયના નેતા સંજીવ પટેલ અને પ્રવક્તા રેડ સીગરે કહ્યું, ‘તે માનસિક, શારીરિક અને આર્થિક સંકટમાં છે. આ અકસ્માતે તેના પરિવારને વધુ તબાહ કરી દીધો છે. જવાબદારોએ જમીન પર આવીને પીડિતોને મળવું જોઈએ અને તેમની જરૂરિયાતો સમજવી જોઈએ.’
રેડ સીગરે એર ઇન્ડિયા પર પણ સવાલ ઉઠાવ્યા. પોતાની નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ‘રમેશને આ સહન કરવું પડી રહ્યું છે તે શરમજનક છે. એર ઇન્ડિયાના એક્ઝિક્યુટિવે અહીં આવીને વસ્તુઓ સુધારવાની જવાબદારી લેવી જોઈતી હતી. કૃપયા આવીને તેમની સાથે વાત કરો જેથી આ પીડા ઓછી થઈ શકે.’
બીજી તરફ એર ઇન્ડિયાએ કહ્યું કે, કંપનીના સીનિયર લીડર્સ પરિવારો સાથે મુલાકાત કરી રહ્યા છે અને સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. એરલાઇને જણાવ્યું કે, ‘રમેશ સાથે સંકળાયેલા લોકોને પણ તેમની સાથે મુલાકાત કરવા વિનંતી કરવામાં આવી છે. અમે સતત સંપર્કમાં રહીશું અને સકારાત્મક પ્રતિભાવ મળવાની આશા રાખીએ છીએ.’ કંપનીએ એમ પણ કહ્યું કે, રમેશે કોઈપણ મીડિયા ઇન્ટરવ્યુ આપ્યા તે પહેલાં આ ઓફર કરવામાં આવી હતી. કંપનીએ રમેશને વળતર તરીકે 21,500 પાઉન્ડ (લગભગ 25.09 લાખ) આપ્યા છે, જેને રમેશે સ્વીકારી લીધા છે. જોકે, તેમના સલાહકારો તેને અપૂરતું માને છે.