10/03/2023
આગામી વનડે વર્લ્ડકપને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે, આગામી 5મી ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા આઇસીસી વનડે વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની નહીં યોજાય, જોકે, ઓપનિંગ મેચ જરૂર અમદાવાદમાં રમાશે. આ ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ ઓપનિંગ સેરેમની વિના જ શરૂ થશે, જોકે, આ દરમિયાન માત્ર વર્લ્ડકપની 10 ટીમોના કેપ્ટનોનું જ ફોટોશૂટ કરાશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આ અંગે બુધવારે ઓફિશિયલ પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવશે.
સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 5 મી ઓક્ટોબરથી આઇસીસી વનડે વર્લ્ડકપની શરૂઆત થઇ રહી છે, અહીં ઓપનિંગ મેચ ગઇ ચેમ્પીયન ઇંગ્લેન્ડ અને રનરઅપ રહેલી ન્યૂઝીલેન્ડ ટીમ વચ્ચે રમાશે. આ મેચ પહેલા અહીં ઓપનિંગ સેરેમની યોજવાનું પ્લાનિંગ હતુ, જોકે, સુત્રો તરફથી માહિતી છે કે, આ વખતે ઓપનિંગ સેરેમની નહીં યોજાય.