T20 World Cup 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમની પસંદગી માટે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારોની એક બેઠક મુંબઈમાં યોજાઈ હતી. જે બાદ 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ ટીમની જાહેરાત કરી હતી. આ વખતે પણ ટીમનું સુકાની પદ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. જ્યારે અક્ષર પટેલને વાઈસ કેપ્ટન પદ મળ્યું છે.
અહીં ચોંકાવનારી વાત એ છે કે, વન ડે અને ટેસ્ટના ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન અપાયું નથી. જો કે આ વખતે શુભમન ગિલને ચાન્સ ન મળતાં સંજુને તક આપવામાં આવી હતી. તેને અનેકવાર ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઈશાન કિશનને પણ ટીમમાં સ્થાન મળી ગયું છે. મહત્વનું છે કે, ઇશાન બે વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. જ્યારે વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવને સ્પિન એટેક તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ, ઈશાન કિશન.
આ T20 વર્લ્ડ કપનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને ફાઇનલ 8 માર્ચે યોજાવાની છે. આ ટુર્નામેન્ટ માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ગ્રુપ Aમાં મૂકવામાં આવ્યું છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA), નામિબિયા, નેધરલેન્ડ્સ અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે.