05/01/2025
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાને લઈને અમેરિકા ખૂલીને ભારતના સમર્થનમાં આવી ગયું છે. તેણે પાકિસ્તાનને આ જઘન્ય હુમલાની તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવાની સખત માગ કરી છે. મોડી રાત્રે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ-અલગ વાતચીત કરીને આતંકવાદ સામે અમેરિકાની નીતિ સ્પષ્ટ કરી.
અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, અમેરિકન વિદેશ મંત્રી રુબિયોએ આ મુશ્કેલ સમયમાં ભારતને અમેરિકાનો નજીકનો ભાગીદાર ગણાવ્યો અને આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવાનું વચન આપ્યું. સાથે જ અમેરિકન વિદેશ મંત્રી, માર્કો રુબિયોએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે.