09/23/2020
ડેનિયલ અમેરિકાના ઉટાહ રાજ્યના મોઆબ શહેરનો વતની છે. સોરી, એને શહેરનો વતની કહીએ એ યોગ્ય નથી. હકીકતે ડેનિયલ મોઆબ શહેરની બહાર આવેલી ગુફાઓમાં વસે છે, ઘરડા મા-બાપને મળવું હોય ત્યારે જ શહેરમાં આવે છે. એને રખડપટ્ટી પસંદ છે, પરંતુ યાત્રાઓ કરવા માટે એ ક્યારેય ટીકીટ નથી ખરીદતો. કેમકે એની પાસે ટીકીટ ખરીદવા માટે એક્કેય ફદિયું નથી હોતું! એવું નથી કે ડેનિયલ ગરીબ છે, બલકે એ 'મનીલેસ' (અકિંચન) છે! નવી સહસ્ત્રાબ્દીના પ્રારંભે ઇસ ૨૦૦૦માં જ ડેનિયલે પોતાની પાસેના તમામ ડોલર્સ-સિક્કા દાન કરી દીધેલા! પોતાની પાસે બચેલા છેલ્લા કેટલાક ડોલર્સ એક ટેલીફોન બૂથમાં નોંધારા મૂકી દઈને એણે ચાલતી પકડેલી. 'મનીલેસ મેન' તરીકે ઓળખાતો ડેનિયલ લગભગ છેલ્લા બે દાયકાથી કરન્સીનો ઉપયોગ કર્યા વિના જીવે છે... અને તો ય એ જીવે છે, બોલો! આ બાબતે એને વૈશ્વિક ખ્યાતિ અપાવી છે.
વિચારો, રૂપિયા વિના આપણી શું હાલત થાય? આપણે દિવસના ઓછામાં ઓછા ૮ કલાક (જીવનનો ત્રીજો ભાગ) નોકરી-ધંધા પાછળ ખર્ચીએ છીએ. કેમકે આપણે એ દ્વારા રૂપિયા કમાવા છે. રૂપિયા વિનાના જીવનની કલ્પના કરીએ તો પણ લોકો હસી નાખે! પૈસો હાથનો મેલ છે, એમ કહેવું આસાન છે...પણ હાથ ધોઈને ખંખેરી નાખવાનું ગજું કેટલાનું? ડેનિયલ સુએલો નામના અમેરિકને ખરેખર આવું ગજું દેખાડ્યું. એણે માત્ર કરન્સીનો જ ત્યાગ નથી કર્યો, પરંતુ સરકાર દ્વારા અપાતા કોઈ પણ પ્રકારના લાભ પડતા મૂક્યા છે. ડેનિયલે તો પોતાના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ સુધ્ધાં નથી કઢાવ્યો! ડેનિયલ આધુનિક સમયનું મુખ્ય લક્ષણ ગણાતા નાણાનો ઉપયોગ કર્યા વિના કઈ રીતે જીવતો હશે? ખોરાકની અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓ કઈ રીતે મેળવતો હશે? અને મુખ્ય પ્રશ્ન, કે આવો ગાંડપણભરેલો વિચાર ડેનિયલના દિમાગમાં પેદા કઈ રીતે થયો? આજે હવા સિવાયનું કશું મફત નથી મળતું. તમારે જીવવા માટે ડગલેને પગલે દામ ચૂકવવા પડે. એવા સંજોગોમાં કોઈ બહુ મોટું કારણ હોય, કોઈક ઘટના બની હોય તો જ અંદરથી એવો જોરદાર ધક્કો લાગે કે માણસને પૈસા પ્રત્યે આવો અભાવ પેદા થઇ જાય. ડેનિયલના કેસમાં એવું કયું કારણ હતું?
પોતાના બ્લોગ ઉપર ડેનિયલ મનીલેસ જીવન સ્વીકારવા પાછળનો તર્ક રજૂ કરે છે. “મનુષ્યનું મગજ કુદરતી રીતે કંઈ ડેબિટ-ક્રેડિટ કે કરન્સીના ચક્કરમાં હોતું જ નથી, પરંતુ એ પુખ્ત વયનું થાય ત્યાં સુધીમાં આજુબાજુનો માનવ સમાજ પેલા કુમળા મગજનું એવું કંડીશનિંગ કરી નાખે કે એને જીવનની દરેક બાબતને પૈસા દ્વારા મૂલવવાની ટેવ પડી જાય છે. બાકી બાળકોને મન તો કરન્સીનું ઝાઝું મહત્વ હોતું જ નથી. હું પુખ્ત વયનો થયો તેમ છતાં કરન્સી પ્રત્યે ઉદાસીન રહેવાની મારી બાળસહજ વૃત્તિ બરકરાર રહેવા પામી છે. મારો જન્મ એક શ્રદ્ધાળુ ખ્રિસ્તી પરિવારમાં થયો અને ઉછેર પણ એવા જ અધ્યાત્મિક વાતાવરણમાં થયો. પણ ઉંમર વધતા મેં અનુભવ્યું કે દુનિયામાં લોકો ભલે ધર્મની ગમે એટલી વાતો કરતા હોય, પરંતુ એમના આચરણમાં ક્યાંય ધર્મ તો દેખાતો જ નથી! માલિકીભાવ ન રાખવો, દેવું માફ કરી દેવું, કશુંક આપ્યા બાદ કદી સામે કશું મેળવવાની આશા ન રાખવી... આ બધા પાયાના સિદ્ધાંતોને બદલે લોકો દરેક કામ પૈસાને કેન્દ્રમાં રાખીને જ કરતા હોવાનું મેં અનુભવ્યું! વળી ધર્મ વિશેનો મારો અભ્યાસ જેમ જેમ વધતો ગયો તેમ તેમ મેં જાણ્યું કે ખ્રિસ્તી ધર્મના જે પાયાના સિદ્ધાંતો છે, એવા જ સિદ્ધાંતો હિન્દુઇઝમ, ઇસ્લામ, બુદ્ધિઝમમાં પણ છે જ! બધા ધર્મો લગભગ સરખો જ સંદેશ આપે છે, અને મૂળ ધર્મોમાં ક્યાંય પૈસાની બોલબાલા જણાતી નથી. કુદરત તમને દરેક ચીજ મફતમાં જ આપે છે. બીજી તરફ, દરેક ધર્મના અનુયાયીઓના જીવનમાં સૌથી વધુ મહત્વ પૈસાનું જ દેખાયું! આ પરિસ્થિતિએ મને દુઃખી કરી નાખ્યો. જેટલી વાર મેં કામ-ધંધો-નોકરી કરવાની કોશિશ કરી, એટલી વાર હું (કુદરતના નિયમો સાથે) ચીટીંગ કરતો હોઉં એવી ભાવના પેદા થવા માંડી.”