ડેનિયલના જીવનમાં જાણવા જેવું ખાસ કશું નથી, પણ...

ડેનિયલના જીવનમાં જાણવા જેવું ખાસ કશું નથી, પણ...

09/23/2020 Magazine

જવલંત નાયક
ભાત ભાત કે લોગ
જવલંત નાયક
લેખક, પત્રકાર

ડેનિયલના જીવનમાં જાણવા જેવું ખાસ કશું નથી, પણ...

ડેનિયલ અમેરિકાના ઉટાહ રાજ્યના મોઆબ શહેરનો વતની છે. સોરી, એને શહેરનો વતની કહીએ એ યોગ્ય નથી. હકીકતે ડેનિયલ મોઆબ શહેરની બહાર આવેલી ગુફાઓમાં વસે છે, ઘરડા મા-બાપને મળવું હોય ત્યારે જ શહેરમાં આવે છે. એને રખડપટ્ટી પસંદ છે, પરંતુ યાત્રાઓ કરવા માટે એ ક્યારેય ટીકીટ નથી ખરીદતો. કેમકે એની પાસે ટીકીટ ખરીદવા માટે એક્કેય ફદિયું નથી હોતું! એવું નથી કે ડેનિયલ ગરીબ છે, બલકે એ 'મનીલેસ' (અકિંચન) છે! નવી સહસ્ત્રાબ્દીના પ્રારંભે ઇસ ૨૦૦૦માં જ ડેનિયલે પોતાની પાસેના તમામ ડોલર્સ-સિક્કા દાન કરી દીધેલા! પોતાની પાસે બચેલા છેલ્લા કેટલાક ડોલર્સ એક ટેલીફોન બૂથમાં નોંધારા મૂકી દઈને એણે ચાલતી પકડેલી. 'મનીલેસ મેન' તરીકે ઓળખાતો ડેનિયલ લગભગ છેલ્લા બે દાયકાથી કરન્સીનો ઉપયોગ કર્યા વિના જીવે છે... અને તો ય એ જીવે છે, બોલો! આ બાબતે એને વૈશ્વિક ખ્યાતિ અપાવી છે.

વિચારો, રૂપિયા વિના આપણી શું હાલત થાય? આપણે દિવસના ઓછામાં ઓછા ૮ કલાક (જીવનનો ત્રીજો ભાગ) નોકરી-ધંધા પાછળ ખર્ચીએ છીએ. કેમકે આપણે એ દ્વારા રૂપિયા કમાવા છે. રૂપિયા વિનાના જીવનની કલ્પના કરીએ તો પણ લોકો હસી નાખે! પૈસો હાથનો મેલ છે, એમ કહેવું આસાન છે...પણ હાથ ધોઈને ખંખેરી નાખવાનું ગજું કેટલાનું? ડેનિયલ સુએલો નામના અમેરિકને ખરેખર આવું ગજું દેખાડ્યું. એણે માત્ર કરન્સીનો જ ત્યાગ નથી કર્યો, પરંતુ સરકાર દ્વારા અપાતા કોઈ પણ પ્રકારના લાભ પડતા મૂક્યા છે. ડેનિયલે તો પોતાના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ સુધ્ધાં નથી કઢાવ્યો! ડેનિયલ આધુનિક સમયનું મુખ્ય લક્ષણ ગણાતા નાણાનો ઉપયોગ કર્યા વિના કઈ રીતે જીવતો હશે? ખોરાકની અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓ કઈ રીતે મેળવતો હશે? અને મુખ્ય પ્રશ્ન, કે આવો ગાંડપણભરેલો વિચાર ડેનિયલના દિમાગમાં પેદા કઈ રીતે થયો? આજે હવા સિવાયનું કશું મફત નથી મળતું. તમારે જીવવા માટે ડગલેને પગલે દામ ચૂકવવા પડે. એવા સંજોગોમાં કોઈ બહુ મોટું કારણ હોય, કોઈક ઘટના બની હોય તો જ અંદરથી એવો જોરદાર ધક્કો લાગે કે માણસને પૈસા પ્રત્યે આવો અભાવ પેદા થઇ જાય. ડેનિયલના કેસમાં એવું કયું કારણ હતું?

પોતાના બ્લોગ ઉપર ડેનિયલ મનીલેસ જીવન સ્વીકારવા પાછળનો તર્ક રજૂ કરે છે. “મનુષ્યનું મગજ કુદરતી રીતે કંઈ ડેબિટ-ક્રેડિટ કે કરન્સીના ચક્કરમાં હોતું જ નથી, પરંતુ એ પુખ્ત વયનું થાય ત્યાં સુધીમાં આજુબાજુનો માનવ સમાજ પેલા કુમળા મગજનું એવું કંડીશનિંગ કરી નાખે કે એને જીવનની દરેક બાબતને પૈસા દ્વારા મૂલવવાની ટેવ પડી જાય છે. બાકી બાળકોને મન તો કરન્સીનું ઝાઝું મહત્વ હોતું જ નથી. હું પુખ્ત વયનો થયો તેમ છતાં કરન્સી પ્રત્યે ઉદાસીન રહેવાની મારી બાળસહજ વૃત્તિ બરકરાર રહેવા પામી છે. મારો જન્મ એક શ્રદ્ધાળુ ખ્રિસ્તી પરિવારમાં થયો અને ઉછેર પણ એવા જ અધ્યાત્મિક વાતાવરણમાં થયો. પણ ઉંમર વધતા મેં અનુભવ્યું કે દુનિયામાં લોકો ભલે ધર્મની ગમે એટલી વાતો કરતા હોય, પરંતુ એમના આચરણમાં ક્યાંય ધર્મ તો દેખાતો જ નથી! માલિકીભાવ ન રાખવો, દેવું માફ કરી દેવું, કશુંક આપ્યા બાદ કદી સામે કશું મેળવવાની આશા ન રાખવી... આ બધા પાયાના સિદ્ધાંતોને બદલે લોકો દરેક કામ પૈસાને કેન્દ્રમાં રાખીને જ કરતા હોવાનું મેં અનુભવ્યું! વળી ધર્મ વિશેનો મારો અભ્યાસ જેમ જેમ વધતો ગયો તેમ તેમ મેં જાણ્યું કે ખ્રિસ્તી ધર્મના જે પાયાના સિદ્ધાંતો છે, એવા જ સિદ્ધાંતો હિન્દુઇઝમ, ઇસ્લામ, બુદ્ધિઝમમાં પણ છે જ! બધા ધર્મો લગભગ સરખો જ સંદેશ આપે છે, અને મૂળ ધર્મોમાં ક્યાંય પૈસાની બોલબાલા જણાતી નથી. કુદરત તમને દરેક ચીજ મફતમાં જ આપે છે. બીજી તરફ, દરેક ધર્મના અનુયાયીઓના જીવનમાં સૌથી વધુ મહત્વ પૈસાનું જ દેખાયું! આ પરિસ્થિતિએ મને દુઃખી કરી નાખ્યો. જેટલી વાર મેં કામ-ધંધો-નોકરી કરવાની કોશિશ કરી, એટલી વાર હું (કુદરતના નિયમો સાથે) ચીટીંગ કરતો હોઉં એવી ભાવના પેદા થવા માંડી.”


ડેનિયલનો તર્ક ઝટ ગળે પણ ઉતરી જાય એવો છે. તેમ છતાં માત્ર આવા વિચારોનો શું એવડો મોટો પ્રભાવ પડે કે માણસ સાવ અકિંચન રહેવાની પ્રતિજ્ઞા લઇ બેસે? ડેનિયલ પોતે પીસ આર્મીના હિસ્સા તરીકે ઇક્વાડોર જઈ આવેલો. ત્યાં એણે જોયું કે અહીં લોકો પાસે ખાસ પૈસા નથી, પરંતુ રાજકીય ઉથલપાથલને બાદ કરતા લોકોના જીવનમાં બહુ ઝંઝટ પણ નથી. એકંદરે લોકો સુખી છે. બીજી તરફ અમેરિકામાં ડોલર્સનો પ્રભાવ છે, પણ એ ડોલર્સના ચક્કરમાં જ લોકોના સુખ-ચેન ગીરવે મૂકાઈ ગયા છે. પોતાની આર્થિક મુશ્કેલીઓ વખતે ડેનિયલ પણ ગંભીર પ્રકારના ડિપ્રેશનનો શિકાર બન્યો. પરંતુ જ્યારે પૈસાનો ત્યાગ કરીને 'મનીલેસ' જીવન સ્વીકાર્યું, ત્યારે બધું ડિપ્રેશન જાણે હવામાં ઓગળી ગયું! ટૂંકમાં, આધુનિક જીવનની મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં પૈસો છે! પૈસાનો મોહ છોડો, તો સમસ્યાઓથી આપોઆપ પીછો છૂટે!

અહીં ડેનિયલની વાતમાં બીજા પણ એન્ગલ્સ છે. એના પિતા કહે છે કે મારો પરિવાર ચુસ્ત ધાર્મિક છે, અને ડેનિયલ હોમો સેક્સ્યુઅલ - ગે છે. બની શકે કે તેની આ વૃત્તિને કારણે તે સમાજથી દૂર થઇ ગયો હોય. જો કે અમે તો એને એ જેવો છે તેવા સ્વરૂપે સ્વીકારી લીધો છે. ડેનિયલના ટીકાકારો વળી જુદો સૂર આલાપે છે. એમના મતે ડેનિયલ એક ભાગેડુ વૃત્તિના પરોપજીવીથી વિશેષ કશું નથી. પોતાનું પેટ ભરવા માટે તે વન-વગડામાંથી કુદરતી રીતે જે કંઈ મળે એ ખાઈ લે છે. લોકોએ કચરાપેટીમાં ફેંકી દીધેલા ખાદ્યપદાર્થો પણ શોધી શોધીને આરોગે છે. બીજી જીવનજરૂરી વસ્તુઓ માટે પણ તે ક્યાં તો ડસ્ટબિન પર ક્યાંતો લોકોએ આપેલા દાન પર આધાર રાખે છે. ડેનિયલ પોતાની વેબસાઈટ ધરાવે છે અને નિયમિત બ્લોગ પણ મેઇન્ટેન કરે છે, જેના માટે તે મફત સેવા આપતી સરકારી લાઈબ્રેરીની સગવડો વાપરે છે. આનો અર્થ એવો થાય કે બીજા લોકો મહેનત કરીને કમાય છે-ચીજવસ્તુઓ અને ખાદ્ય પદાર્થો પેદા કરે છે, ટેક્સ ભરે છે અને ડેનિયલ એ બધું મફતમાં વાપરે છે. આવા માણસને સંત તો ગણી જ ન શકાય ને?! આ તર્ક પણ સાચો જ છે.

આવી દલીલો સામે વ્યથિત થયા વિના ડેનિયલ કહે છે કે કુદરત તો ફ્રી ગીવીંગ-ફ્રી ટેકિંગના સિદ્ધાંત ઉપર જ કામ કરે છે. કરન્સીની સિસ્ટમ કુદરતી નથી, પણ આપણે પેદા કરેલી છે. હવા, પાણી અને વનસ્પતિઓના બદલામાં કુદરત ક્યાં કશું માંગે છે? મધમાખીએ પેદા કરેલું મધ લેતી વખતે રીંછ એના દામ નથી ચૂકવતું. બલ્કે આ બધું કુદરતી ચક્રના એક ભાગરૂપે થાય છે. હું, તમે, આપણે બધા પણ કુદરતી ચક્રની એક કડીરૂપે જ જીવીએ છીએ ને! ડેનિયલ પોતાના માટે સ્ટેટમેન્ટ આપતા કહે છે, "આઈ એમ એમ્પ્લોય્ડ બાય ધી યુનિવર્સ!" (હું બ્રહ્માંડની-કુદરતની નોકરીએ રહ્યો છું.) ડેનિયલનો આ વિચાર તાર્કિક જ નહિ, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ સાચો જ છે. માનવસમાજ પરસ્પર આદાન-પ્રદાનના એક વિશાળ ચક્રના ભાગરૂપે જ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે, અને આ વિશાળ ચક્રમાં માનવ સમાજ સિવાય ક્યાંય કરન્સીનું કોઈ મહત્વ જ નથી! એક પ્રખ્યાત પબ્લિશિંગ હાઉસે ડેનિયલની આત્મકથા પ્રકાશિત કરવા માટેની ઓફર મૂકી, ત્યારે એણે એ પુસ્તક વેચવાને બદલે વહેંચવાની સામી શરત મૂકેલી!

તમે આમ જુઓ તો ડેનિયલે સ્વીકારેલી 'મનીલેસ' અવસ્થા સિવાય એના જીવનમાં જાણવા જેવું કશું નથી, પણ.... ડેનિયલ વિષે જાણ્યા બાદ આપણી પોતાની આર્થિક ઘેલછા વિષે પ્રશ્નો જરૂર ઉભા થાય છે. આપણે કરન્સીને વધુ પડતું જ મહત્વ આપી દીધું છે. ક્યારેક આપણે જાણતા હોઈએ છીએ, કે આપણો જ કોઈ મિત્ર-પરિવારનો સભ્ય આર્થિક ઉપાધિઓમાં કચડાઈ રહ્યો છે... જો જલ્દી કોઈ સહારો નહિ મળે, તો એ ડૂબી જશે - વેડફાઈ જશે - કાળની ગર્તામાં ધકેલાઈ જશે! પરંતુ એવા સમયે એનો હાથ ઝાલવાને બદલે આપણે એના ગુણદોષનું વિવેચન કરવા બેસીએ છીએ. એની મદદ માટે ગજવામાંથી પૈસા કાઢવાને બદલે આપણે એની ભૂલો કાઢીએ છીએ! આપણી આ વૃત્તિ આપણે સ્વીકારેલા કરન્સી કેન્દ્રી જીવનને કારણે જ પેદા થઇ છે ને! અને ભૌતિકવાદને પ્રતાપે જાણ્યે-અજાણ્યે આપણે આવી તો અનેક નાનીમોટી વિકૃતિઓના ભોગ બની ગયા છે. આ બધાને કારણે કદાચ, માનવ સમાજ એક 'બોગસ સિસ્ટમ' બનવા તરફ ધસી રહ્યો છે.

...બાકી ડેનિયલના જીવનમાં જાણવા જેવું ખાસ કશું નથી, પણ...

(ભાત ભાત કે લોગ, મુંબઈ સમાચારમાં પ્રકાશિત)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top