તમે આયુર્વેદના આ આઠ અંગો વિષે જાણો છો? હજારો વર્ષ જૂનું આ વિજ્ઞાન તમને આશ્ચર્યચકિત કરી મૂકશે!

તમે આયુર્વેદના આ આઠ અંગો વિષે જાણો છો? હજારો વર્ષ જૂનું આ વિજ્ઞાન તમને આશ્ચર્યચકિત કરી મૂકશે!

10/26/2020 Magazine

વૈદ્ય પાર્થ ઠક્કર
આયુર્ગાથા : આયુર્વેદની જાણી-અજાણી વાતો
વૈદ્ય પાર્થ ઠક્કર
MD (Ayurved), Ayurved Medical Officer, Class-II

તમે આયુર્વેદના આ આઠ અંગો વિષે જાણો છો? હજારો વર્ષ જૂનું આ વિજ્ઞાન તમને આશ્ચર્યચકિત કરી મૂકશે!

મિત્રો, આપણે અષ્ટાંગ યોગ એટલે કે – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – એમ યોગના આઠ અંગો વિશે તો જાણીએ છીએ, પણ આયુર્વેદના આઠ અંગો તો લગભગ બહુ જ ઓછા લોકો જાણતા હશે. તો ચાલો, આજે આપણે જાણીએ આયુર્વેદના આઠ અંગો વિશે.

હંમેશની જેમ, આપણે સંદર્ભથી જ શરૂ કરીએ:

इह खलु आयुर्वेदं नाम उपाम् अथर्ववेदस्यानुत्पाद्यैवप्रजाः श्लोकशत सहस्त्रं अध्याय सहस्त्रं च कृतवान् स्वयम्भू ततो अल्पायुष्ट्वं अल्पमेधस्त्वं चालोक्य नराणां भूयो अष्टधा प्रणीतवान्।

तद्यथा शल्यं शालाक्यं कायचिकित्सा भूतविद्या कौमारभृत्यं अगदतन्त्रं रसायनतन्त्रं वाजीकरणतन्त्रं इति।

(सुश्रुत संहिता सूत्रस्थान अध्याय -: वेदोत्पत्ति)

 

અર્થાત્ આયુર્વેદ એ અથર્વવેદનું ઉપાંગ છે. એના આઠ ભાગ છે. બહુ પહેલાંના સમયમાં સ્વયં ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરતાં પહેલાં એક લાખ શ્લોક અને એક હજાર અધ્યાય વાળા આયુર્વેદને બનાવ્યો હતો. પછી મનુષ્યોની અલ્પ બુદ્ધિ અને અલ્પ આયુષ્ય વિષે ચિંતા કરીને (એમની સરળતા ખાતર) એમણે એની આઠ અંગોમાં વહેંચણી કરી. આ અંગો છે- શલ્યતંત્ર, શાલાક્યતંત્ર, કાયચિકિત્સા, ભૂતવિદ્યા, કૌમારભૃત્ય, અગદતંત્ર, રસાયનતંત્ર, વાજીકરણ તંત્ર.

(જેમ ચાર વેદોની ઉત્પત્તિ પણ બ્રહ્માજી દ્વારા થયેલી માનવામાં આવે છે. એવી રીતે અથર્વવેદના ઉપવેદ એવા આયુર્વેદનો મૂળસ્ત્રોત પણ બ્રહ્માજીને માનવામાં આવે છે.)

હવે જોઈએ કે આ દરેક અંગ કયા ક્ષેત્રને અને કઈ કઈ બાબતોને કવર કરે છે :


(1) શલ્યતંત્ર:

(1)	શલ્યતંત્ર:

तत्र शल्यं नाम विविध तृणकाष्ठपाषाणपांशुलोहलोष्टास्थिबालनख पूयास्त्रावदुष्टव्रण

अन्तर्गर्भ शल्योद्धरणार्थं यन्त्रशस्त्रक्षाराग्निप्रणिधान व्रणविनिश्चयार्थम् च।

(સુશ્રુત)

‘શલ્યતંત્ર’ એટલે આજની સામાન્ય ભાષામાં સર્જરી સાથે સંકળાયેલું આયુર્વેદનું અંગ. પણ એને શલ્યતંત્ર કેમ કહેવાય છે એ જુઓ. “શલ્ય” શબ્દનો અર્થ છે - જે શરીરને આઘાત કરી અને ઇજા પહોંચાડે એને શલ્ય કહેવાય. અને એ “શલ્ય”ના કારણે થતી પીડાને અને શરીરમાં રહેલા કે રહી ગયેલા શલ્યને દૂર કરવાની ચિકિત્સા સાથે સંકળાયેલું આયુર્વેદનું અંગ એટલે શલ્યતંત્ર. અહીં “શલ્યતંત્ર”ની પરિભાષામાં જ આચાર્ય સુશ્રુત લખે છે,વિવિધ પ્રકારના તણખલા, લાકડા, પથ્થર, ધૂળના કણો, લોખંડ વગેરે ધાતુ, માટી, હાડકાં, વાળ, નખ, રસી, ઘા/જખમ અને (બહાર ન નીકળતો અથવા અંદર મૃત્યુ પામેલો) ગર્ભ- આવા દરેક પ્રકારના શલ્યને શરીરની બહાર કાઢવા માટેનું જ્ઞાન એટલે શલ્યતંત્ર. બીજી રીતે વ્યાખ્યા આપીએ તો, “યંત્ર, શસ્ત્ર, ક્ષાર અને અગ્નિકર્મ કરવાનું જ્ઞાન અને વિવિધ પ્રકારના ઘાને બેસાડવા / રૂઝવવા માટેની ચિકિત્સાનું જ્ઞાન એટલે શલ્યતંત્ર.”

આ શલ્યતંત્ર એ સમયે કેટલું વિકસિત હશે એ એની પરિભાષા જ કહી જાય છે. શલ્યતંત્ર માટેનો પ્રમાણભૂત ગ્રંથ સુશ્રુતસંહિતા છે. પ્લાસ્ટિક સર્જરી કરવાની પદ્ધતિનો સૌપ્રથમ ઉલ્લેખ સુશ્રુતસંહિતામાં છે એ મારે અહીં લખવાની જરૂર ન પડે એટલું પ્રખ્યાત છે.


(2) શાલાક્યતંત્ર :

(2)	શાલાક્યતંત્ર :

शालाक्यं नाम उर्ध्वजत्रुगतानां श्रवण-नयन-वदन-घ्राणादि-संश्रितानां व्याधीनां उपशमनार्थम्। (સુશ્રુત)

 

“શાલાક્ય” એટલે ઊર્ધ્વજત્રુ (ગળાથી ઉપરના) પ્રદેશમાં રહેલા શ્રવણ (કાન), નયન (આંખ), વદન (મોઢું- સંયુક્ત રીતે હોઠ, પેઢાં, દાંત, જીભ, તાળવું, ગાલ અને ગળું), નાક વગેરે અંગોમાં થતા રોગોની સારવાર સાથે સંકળાયેલું અંગ. આ નામ “શાલાક્ય-તંત્ર” બહુ જ રસપ્રદ છે. શલાકા એટલે કે ધાતુ કે લાકડાની બનેલી લાંબી અને પાતળી સળી. જે જે અંગોના રોગોની સારી રીતે તપાસ કરવામાં તેમ જ તેમની સારવારમાં ‘શલાકા’નો ઉપયોગ બહુ મહત્વની ભૂમિકા ભજવતો હોય એવા અંગોના રોગો સાથે સંકળાયેલું આયુર્વેદનું અંગ એટલે “શાલાક્ય”. આધુનિક ચિકિત્સા-વિજ્ઞાનની ઇ.એન.ટી., ઓપ્થેલ્મોલોજી અને ડેન્ટિસ્ટ્રી- આ ત્રણ બ્રાન્ચનું કમ્બાઇન્ડ અંગ એટલે “શાલાક્ય તંત્ર”. આ ત્રણેય બ્રાન્ચમાં “પ્રોબ” (Probe) નો ઉપયોગ અનિવાર્ય છે. આજની તારીખે કાન, નાક, આંખ, ગળા વગેરે માટે આધુનિક વિજ્ઞાનમાં વપરાતા પ્રોબના ફોટો ગૂગલમાં સર્ચ કરજો અને પછી આયુર્વેદમાં વર્ણવેલી વિવિધ શલાકાઓના વર્ણન વાંચજો- ચોખ્ખું સામ્ય દેખાશે! સામાન્ય ઉદાહરણ- કાન સાફ કરવા માટે વપરાતી ઈઅર-બડ પણ એક પ્રકારની શલાકા છે. આચાર્ય નિમિને શાલાક્યના પ્રણેતા માનવામાં આવે છે.


(3) કાયચિકિત્સા :

(3)	કાયચિકિત્સા :

આયુર્વેદમાં થોડો-ઘણો રસ ધરાવનારને ખ્યાલ હશે કે આયુર્વેદમાં શરીરના “અગ્નિ”ને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ “અગ્નિ”ને આધુનિક પરિભાષામાં કહેવું હોય તો સ્થૂળ રીતે “મેટાબોલિઝમ” સાથે સરખાવી શકાય. (આમ તો “અગ્નિ” મેટાબોલિઝમ કરતાં પણ વધારે ઊંડો અને વિશાળ કોન્સેપ્ટ છે. પણ અત્યારપૂરતી આટલી સમજણ રાખીએ.) આયુર્વેદ અનુસાર શરીરમાં અંદરથી પોતે થતા રોગોના મૂળભૂત કારણોમાં સૌથી મોટું કારણ ખરાબ થયેલો "અગ્નિ" છે. અને ખરાબ અગ્નિથી થતા બધા રોગો સાથે આયુર્વેદનું જે અંગ ડિલ કરે છે એ "કાયચિકિત્સા". આધુનિક ચિકિત્સાશાસ્ત્રની "જનરલ મેડિસિન" બ્રાન્ચમાં આવતા મોટા ભાગના રોગો આ "કાયચિકિત્સા"માં કવર થઈ જાય છે. જેમ કે મોટા ભાગના સિસ્ટમિક રોગો (પાચનતંત્ર, શ્વસનતંત્ર, ચેતાતંત્ર વગેરે સિસ્ટમના રોગો), લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સ (ખરાબ લાઇફસ્ટાઇલના કારણે થતા સ્થૂળતા, ડાયાબિટીસ, હ્રદયરોગ વગેરે જેવા રોગો) એન્ડોક્રાઇન (અંત:સ્ત્રાવી ગ્રંથિઓના) ડીસીઝ વગેરે. ચરકસંહિતા” એ કાયચિકિત્સાનો પ્રમાણભૂત ગ્રંથ છે.


(4) ભૂતવિદ્યા :

(4)	 ભૂતવિદ્યા :

વિવિધ પ્રકારના માનસિક રોગોની ચિકિત્સાનું વર્ણન આયુર્વેદના આ અંગમાં જોવા મળે છે. આનું નામ “ભૂતવિદ્યા” કેમ છે એ સમજાવવા માટે હું “ભૂલ-ભૂલૈયા” ફિલ્મનું ઉદાહરણ આપીશ. એ ફિલ્મમાં ભૂતના વળગાડની બાબતને જે સુંદર રીતે મનોચિકિત્સા (સાયકીઆટ્રી) સાથે જોડવામાં આવી હતી, એ જ રીતે આપણા ઋષિઓએ પણ જોડી, અને વિવિધ સાયકોલોજિકલ રોગો અને એમની સારવારનું આની અંદર વર્ણન કર્યું છે. આમાં વર્ણવેલી બધી બાબતો આજે પણ વિવિધ માનસિક રોગોમાં ડિટ્ટો જોવા મળે છે.


(5) કૌમારભૃત્ય :

(5)	કૌમારભૃત્ય :

નવજાત શિશુઓથી માંડીને સોળ વર્ષ સુધીના બાળકોનું યોગ્ય લાલનપાલન, એમની યથાયોગ્ય વૃદ્ધિ અને વિકાસ, એમને મળવું જોઈતું સુયોગ્ય પોષણ, એમની ઇમ્યુનિટી અને એમને થતા વિવિધ રોગોની ચિકિત્સા સાથે સંકળાયેલું આયુર્વેદનું અંગ એટલે કૌમારભૃત્ય. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની "પીડિયાટ્રિક્સ" બ્રાન્ચ એટલે આયુર્વેદનું "કૌમારભૃત્ય". "કાશ્યપસંહિતા"એ આ કૌમારભૃત્ય માટેનો આયુર્વેદનો પ્રમાણિત ગ્રંથ છે.


(6) અગદતંત્ર :

(6)	અગદતંત્ર :

अगदतन्त्रं नाम सर्प-कीट-लूता-मूषक-आदिदष्टविषव्यन्जनार्थं विविधविषसंयोग उपशमनार्थम्। (સુશ્રુત)

સાપ, કીટકો, ઝેરી કરોળિયા, ઉંદર અને એમના જેવા અનેક જીવોના કરડવાથી થતા વિષાક્ત લક્ષણો ઓળખવાનું અને એમની સારવાર કરવાનું  તેમ જ વિવિધ પ્રકારના અન્ય (પ્રાણીજ સિવાયના) વિષ એટલે કે ઝેરથી થતી તકલીફોની ચિકિત્સા કરવાનું જ્ઞાન આયુર્વેદના જે અંગમાં મળે છે એ “અગદતંત્ર”.


(7) રસાયનતંત્ર :

(7)	રસાયનતંત્ર :

આ “રસાયન” એટલે કેમિસ્ટ્રીવાળા રસાયણો નહીં. વૃદ્ધત્વના લક્ષણો અને વૃદ્ધત્વમાં થતી તકલીફો બને એટલી મોડી આવે અને મૃત્યુ સુધી બને એટલી ઓછી આવે એ માટેની ખાસ દવાઓ, પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ સાથે સંકળાયેલું આયુર્વેદનું અંગ એટલે “રસાયન તંત્ર’. સ્થૂળ રીતે એને રીજુવેનેશન અને એન્ટી-એજિંગ સાથે સંકળાયેલું અંગ કહી શકાય. પણ સૂક્ષ્મ અને સંપૂર્ણ અર્થમાં જવું હોય તો આચાર્ય ચરક રસાયનની વ્યાખ્યા આપતાં કહે છે એ વાંચવું પડે: રસાયન ચિકિત્સાથી દીર્ઘ આયુ, સ્મૃતિ, મેધા (બુદ્ધિશક્તિ), આરોગ્ય, તરુણ વય જેવું શરીર મળે છે; પ્રભા (વ્યક્તિત્વનું તેજ), વર્ણ (સ્કીન ટોન) અને સ્વર (અવાજ) ઉદ્દાત બને છે, અને શરીર અને ઇન્દ્રિયોને પરમ બલ (ઇમ્યુનિટી અને સ્ટ્રેન્થ) મળે છે.” (FYI: હમણાં વ્યાજબી રીતે જ બહુ પોપ્યુલર થઈ ગયેલી ઔષધિ ગિલોય એટલે કે ગળો પણ એક રસાયન ઔષધ છે.)


(8) વાજીકરણ :

(8)	વાજીકરણ :

મનુષ્યની પ્રજનન ક્રિયા, યૌન શક્તિ અને બીજની ગુણવત્તા સાથે સંકળાયેલું આયુર્વેદનું અંગ એટલે વાજીકરણ. પ્રચલિત માન્યતા મુજબ વાજીકરણ એ માત્ર યૌનશક્તિ વધારવા પૂરતું મર્યાદિત ક્ષેત્ર નથી. પણ સ્ત્રી-પુરુષના બીજની ક્વોલિટી અને ક્વોન્ટિટી શ્રેષ્ઠ બને એ માટેની દવાઓ અને પ્રક્રિયાઓ પણ એની અંદર સમાહિત છે. કારણ કે એમના બીજની ગુણવત્તા પર જ ભવિષ્યની પેઢીઓના શરીર-મનની શ્રેષ્ઠતા કે નિકૃષ્ટતા આધારિત છે. એટલે વાજીકરણની અંતિમ ફલશ્રુતિ એ શારીરિક-માનસિક-આધ્યાત્મિક સ્તરે ઉત્તમ ગુણવત્તાયુક્ત સંતતિ છે. આ ફલશ્રુતિ એટલા માટે ખૂબ મહત્વની છે કે વિશ્વની કમાન ભવિષ્યની જે પેઢીઓના હાથમાં આવવાની છે એ પેઢીઓ શરૂઆતથી જ શારીરિક-માનસિક-આધ્યાત્મિક સ્તરે ઉચ્ચ ગુણવત્તાવાળી રહે એની ઋષિઓએ ચિંતા કરી છે. એટલે પુરુષ અને સ્ત્રી બંનેના પ્રજનનતંત્રની શ્રેષ્ઠ અવસ્થા સાથે અને એમાં થતા દરેક પ્રકારના રોગોની ચિકિત્સા સાથે વાજીકરણ તંત્ર સંકળાયેલું છે.

તો મિત્રો, જેને અત્યાર સુધી ‘ડોશીમાનું વૈદુ’ ગણતા હતા, એ આયુર્વેદ કેળું વિસ્તૃત વિજ્ઞાન છે એનો આછેરો ખ્યાલ આવ્યો ને?!

આ આઠ અંગો વિષે લખવાનું કારણ એ જ છે કે આજથી હજારો વર્ષ પહેલાં કેટલી ફુલ ફ્લેજ્ડ, સુવ્યવસ્થિત સ્ટ્રક્ચરમાં ગોઠવાયેલી અને આજની ભાષામાં કહીએ તો અનેક સ્પેશ્યલાઇઝેશન ધરાવતી મેડિકલ સિસ્ટમ આપણે ત્યાં કાર્યરત હતી એનો વાંચનારને ખ્યાલ આવે.

તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આમાંથી કાયચિકિત્સા, શલ્યતંત્ર, શાલાક્યતંત્ર, કૌમારભૃત્ય, અને અગદતંત્ર- આટલી શાખાઓમાં આજે પણ આયુર્વેદના સ્નાતકો સ્પેશ્યલાઇઝેશન (એમ.ડી. અને પી.એચ.ડી.) કરે છે. આના સિવાયની પણ અનેક સ્પેશ્યલિટી છે, જેમાં બાકી રહી ગયેલા અંગો ક્યાંક ને ક્યાંક આવી જાય છે. અહીં અમુક અંગોના વર્ણનમાં શ્લોક એટલા માટે લખ્યા છે કે કેટલું પ્રિસાઇઝલી, એક્યુરેટલી અને સિસ્ટમેટિકલી આપણા ઋષિઓએ આ બધુ વર્ણન કર્યું છે એનો વાંચનારને અંદાજ આવી શકે. પણ આયુર્વેદના ગ્રંથોનો વાંક એટલો જ છે કે એ ઇંગ્લિશ નહીં પણ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે (જુઓ ને! આપણા પોતાના વારસાની વસ્તુઓ સમજાવવા માટે મારે આ લેખમાં જ ઠેકઠેકાણે એના ઇંગ્લિશ કે આધુનિક નામ આપવા જ પડ્યા ને!) અને એમના લખનાર પશ્ચિમના વૈજ્ઞાનિકો નહીં પણ પૂર્વના (આપણા પોતાના) નિ:સ્વાર્થ અને જેમણે આજીવન માત્ર વિશ્વકલ્યાણની જ ચિંતા કરી હતી એવા ઋષિઓ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top