10/10/2020
જેમ જેમ ‘મારે મંદિરીયે’ સિરીઝ આગળ વધતી જાય છે તેમ તેમ આપણા પૂર્વજો વિશેનો અહોભાવ વધતો જાય છે. એ સમયે મંદિરો-સ્થાપત્યોના બાંધકામમાં એમણે જે કૌશલ્ય દાખવ્યું, એનું ૫% કૌશલ્ય પણ આજે જોવા નથી મળતું! આટઆટલી ટેકનોલોજીકલ પ્રગતિ થઇ હોવા છતાં આજની તારીખે આપણે એવા સ્થાપત્યો બનાવવાનું સ્વપ્નેય નથી વિચારી શકતા, કે જે આપણા પૂર્વજો હજારો વર્ષો પહેલા તદ્દન ટાંચા સાધનો વડે બનાવી ગયા છે. આજે એવા જ કેટલાક સ્થાપત્યો વિષે વાત આગળ વધારીએ.
વાત છે દક્ષિણનું વારાણસી કહેવાય તેવા હસન જીલ્લાની. આ પ્રદેશ મૂળે પ્રખ્યાત ‘હોયસલ’ રાજ્યનો જ એક ભાગ હતો. હોયસલ નામ નવું લાગે છે ને?! એનું કારણ એ છે કે આપણે ભારતનો ખરેખર ભણવા જેવો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો ભાગ્યે જ થોડો ઘણો સમજ્યા છીએ.
સાલ નામના એક યુવાન શિષ્યને કારણે એ રાજ્યનું નામ ‘હોયસાલ’ પડ્યું. એક વાર સાલ પોતાના ગુરૂજી સુદત્ત સાથે જંગલ વચ્ચેથી પસાર થતો હતો. પહેલા મોટા ભાગના લોકો પગપાળા જ મુસાફરી કરતા. આવી મુસાફરી દરમિયાન વન-વગડા અને જંગલોમાંથી પસાર થવું પડતું. ક્યારેક વાઘ-સિંહ જેવા રાણી પશુઓનો પણ સામનો થઇ જતો. સાલ અને એના ગુરુ સુદત્તને પણ જંગલમાં ખૂંખાર સિંહનો ભેટો થઇ ગયો. આ જોખમી પરિસ્થિતિમાં ગુરુએ સાલને પાનો ચડાવતા કહ્યું, ‘હોયસાલ’. આ કન્નડ શબ્દનો અર્થ થાય, “હે સાલ, આ સિંહ પર હુમલો કર (અને એનો વધ કર)” ગુરુનો આદેશ થતા જ સાલ તીક્ષ્ણ ચપ્પુ લઈને સિંહ ઉપર તૂટી પડ્યો અને એનો વધ કર્યો. આ ઘટના બાદ સાલની બહાદુરીની વાત ચારેય દિશામાં પ્રસરી. આગળ જતા જયારે સાલ રાજા બન્યો ત્યારે આ ઘટના ઉપરથી એના રાજ્યને ‘હોયસલ’ નામ આપવામાં આવ્યું.