04/17/2025
Pakistan Army Chief Asim Munir: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે વિદેશી પાકિસ્તાનીઓના પ્રથમ વાર્ષિક પરિષદમાં ભારત, હિન્દુ ધર્મ, દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત, કાશ્મીર અને ગાઝા જેવા મુદ્દાઓ પર નિવેદનો આપ્યા હતા જે ન માત્ર વિવાદાસ્પદ હતા, પરંતુ વિભાજનકારી અને નફરત ફેલાવનારા પણ હતા. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં 13-16 એપ્રિલ 2025 દરમિયાન આયોજિત કાર્યક્રમમાં તેણે વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ પાસેથી આર્થિક મદદની પણ અપીલ કરી હતી. કોન્ફરન્સમાં પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનો અંદાજ કોઈ કમાન્ડર જેવો નહીં, પરંતુ એક કટ્ટર ધાર્મિક પ્રચારક જેવો હતો.
જનરલ મુનીરે આ કાર્યક્રમમાં કહ્યું કે, ‘જીવનના દરેક પાસામાં આપણે હિન્દુઓથી અલગ છીએ.’ આ નિવેદન મોહમ્મદ અલી ઝીણાના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતનું એ જ જૂનું અર્થઘટન છે, જેમાં ધર્મને રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાવવામાં આવ્યો હતો. જનરલ મુનીરે વધુમાં કહ્યું કે, આપણો ધર્મ, રીત-રિવાજો, પરંપરાઓ, વિચાર અને મહત્ત્વકાંક્ષાઓ અલગ છે, એટલે જ આપણા પૂર્વજોએ પાકિસ્તાનનો પાયો નાખ્યો હતો.