આને કહેવાય જવાબ! ‘તૂટેલા એરબેઝ, સળગેલા હેન્ગરને જીત બતાવી રહ્યા છે તો..’, UNમાં ભારતીય દીકરીએ પાકિસ્તાનને ધોઈ નાખ્યું; જુઓ વીડિયો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરીને ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ, પેટલ ગેહલોતે આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું હતું.
પેટલ ગેહલોતે કહ્યું કે, સવારે ગૃહે પાકિસ્તાનના વડાપ્રધાનનું ભાષણ સાંભળ્યું, જેમાં તેમણે ફરી એકવાર આતંકવાદનું મહિમામંડન કર્યું, જે તેમની વિદેશ નીતિનો મુખ્ય ભાગ છે. તેમણે યાદ કર્યું કે 25 એપ્રિલ, 2025ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં, પાકિસ્તાને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠન ‘રેઝિસ્ટન્સ ફ્રન્ટ’નો બચાવ કર્યો હતો, જે જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓના નરસંહાર માટે જવાબદાર હતો.
તેમણે કહ્યું કે આ એ જ પાકિસ્તાન છે જેણે આતંકવાદ સામે લડવાનો ઢોંગ કરીને વર્ષો સુધી ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો. તેના મંત્રીઓએ પોતે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન દાયકાઓથી આતંકવાદી શિબિરો ચલાવતું આવ્યું છે. ભારતીય રાજદ્વારીએ ખોટા દાવાઓ માટે પણ પાકિસ્તાનને ઘેર્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાની વડાપ્રધાન જે ‘જીત’ની વાત કરી રહ્યા છે તે વાસ્તવમાં ભારતીય હુમલામાં નષ્ટ થયેલા તેમના એરબેઝ, બળી ગયેલા હેંગરો અને ભારતીય હુમલામાં તૂટેલા રનવેની સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છબીઓ છે. જો પાકિસ્તાન આને વિજય માને છે, તો તેને માનવા દો.
ગેહલોતે કહ્યું કે સત્ય એ છે કે ભારતમાં નિર્દોષ નાગરિકો પર આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાન જવાબદાર છે અને ભારત હંમેશા તેના લોકોની સુરક્ષા માટે જવાબી પગલાં લેશે. ભારતે પુનરોચ્ચાર કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ માત્ર દ્વિપક્ષીય સ્તરે જ ઉકેલાશે અને આમાં કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા રહેશે નહીં.
પેટલ ગેહલોતની કહાની પણ પ્રેરણાદાયક છે. નવી દિલ્હીમાં જન્મેલા પેટલ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક થયા છે. ત્યારબાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજ ફોર વુમન (LSR)માંથી રાજકીય વિજ્ઞાનમાં M.A. કર્યું અને 2015માં ભારતીય વિદેશ સેવા (IFS)માં જોડાયા.
IFSમાં જોડાયા બાદ તેમણે વિદેશ મંત્રાલયમાં સહાયક સચિવ, પેરિસમાં ભારતીય દૂતાવાસમાં ત્રીજા અને બીજા સચિવ અને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટમાં કાઉન્સેલર તરીકે સેવા આપી. રસપ્રદ વાત એ છે કે, રાજદ્વારી હોવા છતાં પેટલ ગેહલોત એક ખૂબ જ કલાત્મક વ્યક્તિત્વ ધરાવે છે. તેમને ગિટાર વગાડવાનું અને ગાવાનું પસંદ છે અને તેમના ફ્રી સમયમાં તેઓ ઘણીવાર સંગીતમાં વ્યસ્ત રહે છે.
UNGAમાં પાકિસ્તાન વિરુદ્ધ તેમનું ધારદાર ભાષણ ન માત્ર ભારતની રાજદ્વારીની મજબૂત ઝલક આપે છે, પરંતુ તે સાબિત કરે છે કે યુવા ભારતીય રાજદ્વારીઓ વૈશ્વિક મંચ પર મજબૂત રીતે બોલવામાં સક્ષમ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp