નેપાળે 100 રૂપિયાની નવી નોટ જાહેર કરી, જેમાં 3 ભારતીય પ્રદેશોનો નકશો શામેલ
નેપાળની કેન્દ્રિય બેંક, નેપાળ રાષ્ટ્ર બેંક (NRB)એ ગુરુવારે 100 રૂપિયાની નવી નોટ જાહેર કરી હતી. આ નોટમાં નેપાળનો સુધારેલો નકશો છે, જેમાં કાલાપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યા છે. આ વિસ્તારોને નેપાળનો ભાગ તરીકે બતાવવા સામે ભારત વાંધો દર્શાવતું રહ્યું છે.
નવી નોટ પર ભૂતપૂર્વ રાજ્યપાલ મહાપ્રસાદ અધિકારીના હસ્તાક્ષર છે. નોટ જાહેર કરવાની તારીખ 2081 વિક્રમી સંવત (2024) લખેલી છે. મે 2020માં તત્કાલીન વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે એક નવો રાજકીય નકશો જાહેર કર્યો હતો, જેમાં નેપાળની સરહદોમાં આ ત્રણ વિવાદિત વિસ્તારો દર્શાવવામાં આવ્યા હતા. બાદમાં, નેપાળી સંસદે પણ આ નકશાને મંજૂરી આપી હતી.
તે સમયે ભારતે નેપાળના પગલાનો સખત વિરોધ કર્યો હતો, તેને એકપક્ષીય નિર્ણય ગણાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે નકશાનું આટલું અતિશયોક્તિપૂર્ણ વિસ્તરણ અસ્વીકાર્ય છે. ભારત દાવો કરે છે કે આ ત્રણેય વિસ્તારો તેના છે. નેપાળ રાષ્ટ્ર બેંકના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જૂની 100 રૂપિયાની નોટમાં પણ નેપાળનો નકશો હતો, પરંતુ સરકારના નિર્ણય બાદ નવી નોટમાં સુધારો કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે 10, 50, 500 અને 1000 રૂપિયાની નોટોમાં નકશો નથી હોતો. ફક્ત 100 રૂપિયાની નોટમાં નેપાળનો નકશો છે.
નવી નોટમાં ઘણા એલિમેંટ શામેલ છે. નોટની ડાબી બાજુ માઉન્ટ એવરેસ્ટની છબી છે. જમણી બાજુ નેપાળનું રાષ્ટ્રીય ફૂલ, લાલ રોડોડેન્ડ્રોનની વોટરમાર્ક છબી છે. નોટના મધ્યમાં નેપાળનો આછો લીલો નકશો છે. નકશાની બાજુમાં અશોક સ્તંભ અને લુમ્બિની લખવામાં આવ્યું છે.
નોટની પાછળની બાજુમાં એક શિંગડાવાળો ગેંડો છે. સાથે જ તેમાં સુરક્ષા માટે તેમાં સિક્યોરિટી થ્રેડ અને દૃષ્ટિહીન લોકો દ્વારા સરળતાથી ઓળખવા માટે એક ઉભરેલું કાળું ટપકું છે. નેપાળ ભારત સાથે આશરે 1850 કિમી લાંબી સરહદ ધરાવે છે, જે સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને જોડે છે. ભારતમાં 100 નેપાળી રૂપિયાની કિંમત 62.56 થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp