સ્થળ : હાર્પડન, ઈંગ્લેન્ડ
ડિસેમ્બર, 2010
જ્યારે ડિસેમ્બરની ઠંડીએ પોતાનું સામ્રાજ્ય જમાવવાનું શરૂ કરી દીધું હતું અને ઇંગ્લેન્ડમાં ક્રિસમસની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી, ત્યારે એક સવારે હાર્પડનના પોલીસ સ્ટેશનમાં એક યુવતીની ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી. પચીસ વર્ષીય જોએના ગ્રેનસાઈડ નામક યુવતી, જે એક ફિટનેસ સેન્ટરમાં ઇન્સ્ટ્રક્ટર હતી; એ પોતાના સાંજના બેચ માટે સેન્ટર પર પહોંચી નહોતી. એની કાર પાર્કિંગમાં પડી હતી, જ્યારે એમાં કોઈ જ નહોતું. પહેલા એના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ એમને જોએના ક્યાં હોઈ શકે એના વિશે કોઈ માહિતી નહોતી. છેવટે પોલીસ સ્ટેશનમાં જોએના વિષે માહિતી આપવામાં આવી.
પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ. જોએના રેગ્યુલર જે જગ્યાએ જતી હતી એ તમામ સ્થળે તપાસ કરવામાં આવી. પરંતુ એનો કોઈ પત્તો નહીં લાગ્યો. એના તમામ મિત્રોને જોએના વિશે પુછવામાં આવ્યું, પણ કોઈને એના વિશે માહિતી નહીં હતી. આખરે પોલીસને મામલો ઘણો ગંભીર છે એ સમજાઈ ગયું. જોએનાનો અકસ્માત થયો હોય અને કોઈ હોસ્પીટલમાં એડમિટ થઈ હોય એમ માનીને શહેરની બધી હોસ્પિટલ પણ જોવાઈ ગઈ. પણ પરિણામ શૂન્ય હતું. હવે પોલીસને બે શક્યતાઓ દેખાતી હતી, ક્યાંતો જોએનાનું અપહરણ થયું હોય અથવા તો અકસ્માતે જોએના મૃત્યુ પામી હોય. આ બંને શયકતાઓ ડરામણી હતી.
જો જોએનાનું અપહરણ થયું હોય તો અપહરણકર્તાઓ જોએનાને છોડવા માટે કોઈ માંગણી કરે, જે હજી સુધી થઈ નહોતી. અને જો જોએના અકસ્માતે મૃત્યુ પામી હોય, તો એનું મૃત શરીર ક્યાં હોઈ શકે એની કલ્પના કરવી રહી. છેવટે પોલીસ ફોર્સે એક હેલિકોપ્ટરની મદદ લઈ શહેરની બહાર હોય એવા અવાવરુ સ્થળોએ પણ તપાસ શરૂ કરી દીધી. શહેરમાં રહેતા નામી ગુનેગારો પર પણ નજર રાખવામા આવી, જે આવા કૃત્યો કરતાં હોય. પરંતુ પોલીસને ખાસ કોઈ સફળતા નહીં મળી.
ત્યારબાદ પોલીસે અંડરવોટર સર્ચ ટીમની મદદ લઈ શહેરના નદી-તળાવ ખૂંદી નાખ્યા. પરંતુ કશું વાંધાજનક નહીં મળ્યું. હવે જોએનાને ક્યાં શોધવી એ પોલીસ માટે યક્ષ પ્રશ્ન બની ગયો. જેમ જેમ સમય વીતતો જતો હતો, એમ જોએના ક્યાં હોઈ શકે, જીવિત હશે કે પછી... આ શક્યતાઓ વિશે વિચારીને એના પરિવારની હાલત ખરાબ થતી જતી હતી. જોએના પોતાની મરજીથી કશે ગઈ હોય, તો એ પોતાના મિત્રો અથવા પરિવારને જણાવીને ગઈ હોય. છતાં શહેરની બહાર રહેતા જોએનાના મિત્રોનો પણ સંપર્ક કરવામાં આવ્યો. ત્યાં પણ નિષ્ફળતા જ હાથ લાગી.
આખરે બે દિવસ પછી સવારે સાત વાગ્યે શહેરના સ્પોર્ટ્સ સેન્ટરની અંદર એકદમ ગભરાયેલી હાલતમાં ધૂળ માટીથી ખરડાયેલી જોએના મળી આવી. એના કપડાં થોડા ફાટી ગયા હતા. એ બહાવરી નજરે ચોપાસ જોઈ રહી હતી. એની સાથે કોઈક ભયાનક ઘટના બની ગઈ હોય એવું લાગતું હતું. તરત જ જોએનાને એના પરિવારને સોંપવામાં આવી. એ કોઈના સવાલના જવાબ આપવાની હાલતમાં નહોતી.
થોડી સ્વસ્થ થયા બાદ જોએનાએ પોતાની આપવીતી કહેવાનું ચાલુ કર્યું. જોએનાના કહેવા મુજબ બે અજાણી વ્યક્તિઓ દ્વારા એનું અપહરણ કરવામાં આવ્યું હતું. એની આંખો પર પાટો બાંધી એને કોઈ અંતરિયાળ જગ્યાએ લઈ જવામાં આવી અને એના પર શારીરિક હુમલો અને બળાત્કાર કરવામાં આવ્યો. ત્યારબાદ એને ફરી બાંધીને એક અંધારા રૂમમાં પૂરી દેવામાં આવી. પૂરા બાર કલાક સુધી એ એકલી બંધક હાલતમાં રહી.
જોએનાની વાત સાંભળી પોલીસના કાન ચમક્યા, પરંતુ એની નાજુક હાલત જોઈ પોલીસે વધારે સવાલ પૂછવાના ટાળ્યા. પછી પોલીસે જોએના જ્યાંથી ગાયબ થઈ અને જ્યાંથી મળી આવી એ જગ્યાએ ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ શરૂ કરી. એ દરમિયાન જ પોલીસને એક વર્ષ અગાઉ બની ગયેલી એક ઘટના વિષે જાણકારી મળી, જે જોએના સાથે બની ગયેલી ઘટનાને મળતી આવતી હતી. એટલે ફરી પોલીસ ટીમ જોએના પાસે પહોંચી.
પોલીસે જોએનાને કહ્યું, "તમારી સંપૂર્ણ વાતમાં કશું ખૂટે છે. આખી ઘટના પર અમને વિશ્વાસ નથી આવતો. મહેરબાની કરી જે સત્ય છે એ જણાવો."
શું હતું બળાત્કારની ઘટના પાછળનું સત્ય?
જોએના પોલીસની તાર્કિક ઉલટ તપાસ સામે ટકી ન શકી. આખરે એણે કબૂલ્યું કે એ જાતે જ ગાયબ થઈ ગઈ હતી અને પોતાના અપહરણનું ખોટું નાટક કર્યું હતું. ત્યાં હાજર સહુ ચોંકી ઉઠ્યા. અને સૌથી વધારે ઝટકો તો જોએનાએ જણાવેલ કારણથી લાગ્યો.
તરત જ જોએના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો. જોએનાને શોધવામાં પોલીસના 36 કલાક વેડફાયા હતા. અને વીસ હજાર પાઉન્ડ કરતાં વધુ ખર્ચ થયો હતો. જોએના એ જે કારણથી આવું પગલું લીધું હતું, એની પાછળના કારણો માટે કોર્ટે એના મેડિકલ રિપોર્ટ જોયા. જોએનાની માનસિક સ્થિતિ ધ્યાનમાં લઈ કોર્ટે જોએનાને બાર મહિના માટે શરતી મુક્તિ આપવામાં આવી. સાથે 100 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો.